વલસાડ જિલ્લામાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલ ટ્રાન્સપોર્ટર, કર્મચારીઓ વચ્ચે એકતાની ભાવના કેળવાય, વેપારમાં વૃદ્ધિ થાય તેવા ઉદેશથી ટ્રાન્સપોર્ટ પ્રીમિયર લીગ 6 – 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિદિવસીય ક્રિકેટ મેચમાં 16 ટીમોએ ભાગ લીધો હતો. જેનું ગુરુવારે સમાપન થયું હતું. ટુર્નામેન્ટની ક્લોઝિંગ સેરેમનીમાં વિનર ટીમ અને રનર્સ અપ ટીમને આકર્ષક ટ્રોફી, પ્રાઈઝ આપી જાણીતા મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી.
વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન (VTA) દ્વારા વાપીના VIA ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય ટ્રાન્સપોર્ટ પ્રિમયર લીગ- 6- 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુવારે અખિલ ગુજરાત ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ અને પૂર્વ રાજ્યપ્રધાન વાસણ આહીર, વાપી પાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહ, VIA ના પ્રમુખ કમલેશ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ફાઇનલ રમનારી બંને ટીમને ટ્રોફી, પ્રાઈઝ આપી ટુર્નામેન્ટનું સમાપન કરવામાં આવ્યું હતું.
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 16 ટીમે ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ ખેલનારી શ્રી શ્યામ ઇલેવન વિજેતા જાહેર થઈ હતી. જ્યારે વાપી યુથ ચેરીટેબલ ટ્રસ્ટ રનર્સ અપ જાહેર થઈ હતી. ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર ટીમ અને ખેલાડીઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા અખિલ ગુજરાત ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ અને પૂર્વ રાજ્યપ્રધાન વાસણ આહીર, વાપી પાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહે ખેલાડીઓને તેમજ ટુર્નામેન્ટનું આયોજન કરનાર વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનને અભિનંદન પાઠવ્યા હતાં. વાસણ આહિરે જણાવ્યું હતું કે, વાપી GIDC માં પુરા દેશના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે જોડાયેલ લોકો વસે છે. જેઓએ પોતાના ધંધા રોજગાર સાથે આ પ્રકારનું આયોજન કરી પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. તેમજ દેશના અન્ય ટ્રાન્સપોર્ટ ઉદ્યોગોને પ્રેરણા આપી સમાનતા અને સમરસતા નો પરિચય આપ્યો છે.
વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહે પણ ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના સભ્યોને અભિનંદન પાઠવી આ ટુર્નામેટના અયોજનથી યુવાનોને તક આપી તેમનામાં રહેલી પ્રતિભાને બહાર લાવવામાં મદદરૂપ થવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. વાપી ટ્રાન્સપોર્ટ નગર આવા આયોજન કરતું રહે અને તેમની જે પણ સમસ્યાઓ છે તેનું નિરાકરણ થાય તેવી આશા વ્યક્ત કરી હતી.
વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના પ્રમુખ ભરત ઠક્કરે ઉપસ્થિત તમામ મહાનુભાવો, સ્પોન્સર્સ, ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દેશના બધા રાજ્યના લોકો વાપીમાં વસે છે. જેઓ ટ્રાન્સપોર્ટ ના ધંધા સાથે સંકળાયેલા છે. જે એકબીજાને મળી શકે તે માટે વર્ષમાં એક વાર આ પ્રકારની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટમાં 16 ટીમના 232 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ ખેલનારી શ્રી શ્યામ ઇલેવન વિજેતા જાહેર થઈ હતી. જ્યારે વાપી યુથ ચેરીટેબલ ટ્રસ્ટ રનર્સ અપ જાહેર થઈ હતી. શાંતિપૂર્ણ માહોલમાં ત્રિદિવસીય ટુર્નામેન્ટનું સમાપન થયું હતું.
ઉલ્લેખનીય છે કે, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આયોજિત આ 6ઠ્ઠી ટ્રાન્સપોર્ટ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હતી. જેમાં કુલ 16 ટીમના 232 ખેલાડીઓએ ભાગ લીધો છે. જેઓએ 6 મહિનાથી તૈયારી કરી હતી. 3 દિવસની મેચમાં અંતિમ દિવસે સેમિફાઇનલ, ફાઇનલ મેચ રમાઇ હતી. જેમાં વિનર અને રનર્સ અપ ટીમ, બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર, મેન ઓફ ધ મેચ જાહેર થનાર ખેલાડીઓને આકર્ષક ટ્રોફી, પ્રાઈઝ, મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.