Friday, October 18News That Matters

નાણામંત્રી બનનાર વલસાડના ચાણક્ય કનુ દેસાઈ અને જીતુ ચૌધરી વિશે આવું કહી રહ્યા છે વાપીના ઉદ્યોગકારો

 

ગુરુવારે 16મી સપ્ટેમ્બરે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળનો શપથવિધિ કાર્યક્રમ રાજભવન ખાતે યોજાયો હતો. જે બાદ સ્વર્ણિમ સંકુલ ખાતે શપથગ્રહણ કર્યા બાદ કેબિનેટ, રાજ્ય કક્ષા અને સ્વતંત્ર હવાલા મેળવનાર મંત્રીઓ સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સ્વર્ણિમ સંકુલ ખાતે પહેલી કેબિનેટ બેઠક મળી હતી. બેઠક બાદ તમામને ખાતાની ફાળવણી કરાઈ છે. જેમાં વલસાડના પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈને નાણામંત્રાલય અને પેટ્રોકેમિકલ્સ-ઉર્જાનો હવાલો સોંપાયો હતો. જ્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીને કલ્પસર અને મત્સ્યોદ્યોગ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા નો હવાલો સોંપાતા વલસાડ જિલ્લા માટે આ દિવસ ઐતિહાસિક દિવસ સાબિત થયો છે. ત્યારે, આ અંગે વાપીના ઉદ્યોગકારોએ પોતાના મંતવ્યો રજૂ કરી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

 

 

આ અંગે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના માજી પ્રમુખ પ્રકાશ ભદ્રાએ અને યોગેશ કાબરીયાએ જણાવ્યું હતું કે કનુભાઈ દેસાઈ અને જીતુભાઇ ચૌધરીને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. આ દિવસ વાપી-વલસાડ માટે ઐતિહાસિક દિવસ છે. કનુભાઈ દેસાઈ વાપીમાં VGEL ના ડાયરેકટર છે. VIA સાથે સંકળાયેલા એડવાયઝર છે. તેમને નાણામંત્રાલય મળવુ ખૂબ જ ખુશીની વાત છે. એ જ રીતે કપરાડા ના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીને કલ્પસર અને મત્સ્યોદ્યોગ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠાનો હવાલો મળતા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

 

 

ઉદ્યોગકારોનું માનવું છે કે, કનુભાઈ દેસાઈએ પોતાના બુદ્ધિ ચાતુર્યથી વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અનેક પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે. ત્યારે, ભાજપ સરકારે રાજ્યના વિકાસને લઈને તેને જે ફરજ સોંપી છે જે મિશન છે. તેને તે સુપેરે પાર પાડશે. વલસાડ માટે બીજા મહત્વના સમાચાર એ છે કે રાજ્યના આગામી બજેટમાં વલસાડ જિલ્લાના કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરતા જોવા મળશે. ઉદ્યોગ માટે આવનારા બજેટમાં તે ઉદ્યોગકારોના રોલ મોડેલના રૂપમાં અનેક કી-સેક્ટર રજૂ કરશે.

 

 

 

 

વાપી ઉદ્યોગ જગત માટે કનુભાઈ દરેક પ્રશ્નોમાં સાથે રહ્યા છે. તેમના માર્ગદર્શન મુજબ સરકારમાં પ્રશ્નો રજૂ કરી તેનું નિરાકરણ લાવ્યા છે. ત્યારે આગામી દિવસોમાં જે રીતે સરકારે ફાર્મા ઇન્ટરમીડિયેટ, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, બલ્ક ડ્રગની જાહેરાત કરી છે. મેડિકલ ડીવાઇસ માટેની પહેલ કરી છે. તેને આગળ ધપાવશે. કનુભાઈ દેસાઈ નિષ્ઠાવાન અને પ્રામાણિક વ્યક્તિત્વ ધરાવતા નેતા છે. જેની કદર પક્ષે કરી મહત્વનું ખાતું કહેવાતું નાણામંત્રાલય તેને સોંપ્યું છે. તેવું વાપીના ઉદ્યોગકારો માની રહ્યાં છે.

 

 

 

કનું દેસાઈ વર્ષોથી વાપીમાં UPL સાથે સંકળાયેલા છે. તેમની ફાઇનાન્સ સહિતની તમામ જવાબદારી તેઓ સાંભળતા આવ્યાં છે. અને તેનો બહોળો અનુભવ ધરાવે છે. જેનો લાભ હવે ગુજરાત સરકારને મળશે. તો, એ જ રીતે કપરાડા ના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી પણ સરળ વ્યક્તિત્વ ધરાવતા નેતા છે. જેમને પણ મહત્વનો સ્વતંત્ર હવાલો સોંપાયો છે. ઉદ્યોગકારો માટે આનંદની વાત છે કે આ બંને નેતાઓને તેમની નિષ્ઠાનું ફળ મળ્યું છે. પાયાના કાર્યકર તરીકે કામ કર્યું હોય તેઓ દરેક સમસ્યાઓથી વાકેફ છે. અને તેનું નિરાકરણ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *