રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ગેસ સપ્લાય અને કોલ સપ્લાયને માઠી અસર પહોંચી છે. ત્યારે દેશમાં કોલ ઇન્ડિયા દ્વારા કોલસાની પૂર્તિ કરી દરેક પાવર પ્લાન્ટને ધમધમતાં કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. ગુજરાતમાં આજે પણ ઉદ્યોગો માટે અને ખેતી માટે પૂરતી વીજળી મળી રહી છે. તેવું રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈએ જણાવ્યું હતું.
વાપીમાં મોરાઈ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (MIA) દ્વારા અમીગો ઇન્ડસ્ટ્રીઝ અને વેલસ્પન ઇન્ડિયા હોમ ટેકસ્ટાઇલ્સ ખાતે રક્તની જરૂરિયાતને પહોંચી વળવા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈ સહિતના રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહી રક્તદાતાઓનું સન્માન કર્યું હતું.
રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત નાણાપ્રધાન કનું દેસાઈએ દેશ પર તોળાઈ રહેલા વીજ સંકટ અંગે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારથી તેણે ગુજરાતમાં વિન્ડ પાવર અને સોલાર પાવર થકી ઉર્જા સ્ત્રોત ઉત્પન્ન કરવાના પ્રયાસ કર્યા હતાં. આજે રાજ્યમાં 6 હજાર મેગા વૉટ વીજળી વિન્ડ પાવર અને સોલાર પાવર થકી મેળવવામાં આવે છે.
હાલમાં જ્યારે રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ગેસ સપ્લાય અને કોલ સપ્લાયને માઠી અસર પહોંચી છે. ત્યારે દેશમાં કોલ ઇન્ડિયા દ્વારા કોલસાની પૂર્તિ કરી દરેક પાવર પ્લાન્ટને ધમધમતાં કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. જો કે ગુજરાતમાં આજે પણ ઉદ્યોગો માટે અને ખેતી માટે પૂરતી વીજળી મળી રહી છે. ગુજરાતમાં ક્યાંય વીજ સંકટ ઉભું થયું નથી.