by Meroo Gadhvi Auranga Times
ગુજરાત વિધાનસભાની 182 વિધાનસભા બેઠક પૈકીની 180- પારડી બેઠક પર 6 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. જે 6 ઉમેદવારોમાંથી 2 અપક્ષ ઉમેદવાર છે. જો કે આ બેઠક પર ગુજરાતની ભાજપ સરકારના નાણા-ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ નો હવાલો સાંભળતા કનું દેસાઈ ને ભાજપે હેટ્રિક નોંધાવવા રિપીટ કર્યા છે. કનું દેસાઈ આ બેઠક પર 2 વખત ચૂંટણી જીતી ધારાસભ્ય બન્યા છે. 10 વર્ષના તેમના આ કાર્યકાળમાં 9 વર્ષ એવા હતા જેમાં તેમણે કોઈ મહત્વના કામ કર્યા નથી. પરંતુ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બન્યા બાદ તેમણે 1 વર્ષમાં જ તે કસર પુરી દેતા કામ કરી બતાવ્યા છે. કનુભાઈએ વાપી-પારડી શહેરની અનેક સમસ્યાઓનો અંત લાવી સુખકારીના કામ કરી બતાવ્યા છે. એટલે આ સીટ પર તેઓ ત્રીજી વખત જંગી મતની લીડ સાથે ચૂંટાશે તેવું મનાય રહ્યું છે.
પારડી બેઠક હેઠળ વાપી શહેર, વાપી GIDC, પારડી શહેર અને બંને તાલુકાના મળીને 43 જેટલા ગામનો સમાવેશ થાય છે. પારડી બેઠક પર 1,36,738 પુરુષ મતદારો, 1,22,524 સ્ત્રી મતદારો મળી કુલ 2,59,267 મતદારો છે. મોટાભાગના મતદારો બિન ગુજરાતી છે. વાપી GIDC ને કારણે અહીં સ્થાઇ થયેલા UP, બિહાર, રાજસ્થાન, દક્ષિણના રાજ્યો, હરિયાણા, પંજાબ જેવા રાજ્યોમાંથી કામધંધો કરવા આવેલા લોકો હવે અહીંના સ્થાનિક મતદારો બની ચુક્યા છે. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જેમાં ભાજપ તરફથી કનુભાઈ મજબૂત નેતા મનાય છે. કોંગ્રેસ તરફથી જયશ્રીબેન પટેલ પણ ટફ ફાઈટ આપી શકે તેવી મહિલા ઉમેદવાર છે. આમ આદમી પાર્ટી તરફથી કેતન પટેલ નામના ઉમેદવારને ટીકીટ આપી છે. કોંગ્રેસે પારડી બેઠક પર ઝંઝાવાતી પ્રચાર કર્યો છે. આમ આદમી પાર્ટીના કેતન પટેલનો પ્રચાર માત્ર સોશ્યલ મીડિયા અને મુખ્ય વિસ્તારમાં ફરતા DJ ગીતોની અપીલ પૂરતો સીમિત રહ્યો છે. મોદીએ વાપીમાં રોડ શૉ કરી ને કનુંભાઈ માટે ચૂંટણી પ્રચાર કર્યો છે. આમ આદમી પાર્ટીમાંથી કોઈ મોટા નેતા પ્રચાર માટે ફરકયા નથી. કોંગ્રેસ માં ખુદ ઉમેદવાર અને ગણ્યાગાંઠ્યા સ્થાનિક નેતાઓ, કાર્યકરો જ પદયાત્રા જેવા કાર્યક્રમો આપી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
પારડી બેઠક પર ચૂંટણી લડતા ઉમેદવારોની નામાવલી જોઈએ તો……
1, કનુભાઈ મોહનલાલ દેસાઈ, ભાજપ (BJP) કમળ (Lotus)
2, જયશ્રીબેન પટેલ, કોંગ્રેસ (Congress) હાથ (Hand)
3, કેતનભાઇ કિશોરભાઈ પટેલ, આમ આદમી પાર્ટી (AAP) જાડુ (Broom)
4, સંજયભાઈ પરશોતમભાઈ પરમાર, રાષ્ટ્રીય સમાજ પક્ષ( RSP) કપ અને રકાબી (Cup And Saucer)
5, પટેલ નવીનકુમાર શંકરભાઈ, અપક્ષ
(Independent) બેટ (Bat)
6, પ્રવીણકુમાર ભોલા પ્રસાદ સિંગ, અપક્ષ (Independent) માઈક (Mike)
પારડી બેઠક પર ભાજપ, કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખ્યો જંગ હોવાનું શરૂઆતમાં લાગ્યું હતું. પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવારને જાણે ચૂંટણીમાં કોઈ રસ ના હોય તેમ તેમનો કોઈ ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર દેખાતો નથી. કોંગ્રેસના જયશ્રીબેન પટેલ ડોર ટૂ ડોર પ્રચાર કરી રહ્યા છે. એટલે આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ સીધી ટક્કર છે. જેમાં ભાજપના કનુભાઈ દેસાઈ હેટ્રિક નોંધાવશે એટલું જ નહીં પરંતુ 1,11,110 મતની લીડથી જીતશે તેવું અનુમાન લાગવાઈ રહ્યું છે.
ગ્રામ્ય વિસ્તારમાં, વાપી-પારડી શહેરી વિસ્તારમાં હજુ પણ પારાવાર સમસ્યા છે……….
પારડી વિધાનસભા બેઠક પર સૌ કોઈ માને છે કે કનુભાઈએ આ બેઠક પરના અનેક વિકાસના કામ પૂર્ણ કરી બતાવ્યા છે. જેની સામે કોંગ્રેસનો પ્રચાર કનુભાઈએ માત્ર ઉદ્યોગપતિઓના કામ કર્યા હોવાનો છે. કોંગ્રેસની આ વાતમાં દમ હોવાનું મતદારો સ્વીકારી રહ્યા છે. મતદારો પણ માને છે કે કનુભાઈએ ઉદ્યોગોને લગતા કામો કરી બતાવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં, વાપી-પારડી શહેરી વિસ્તારમાં હજુ પણ પારાવાર સમસ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં પાણીના પ્રશ્નોનું નિરાકરણ થયું નથી. આરોગ્યલક્ષી કામ હોય કે શિક્ષણને લગતા કામ તેના માત્ર ખાતમુહરત થયા છે. જે લોકાર્પણ થયા છે તે ઉદ્યોગપતિઓ માટે થયા છે.
કનુભાઈની મોટા માર્જિન સાથે જીત મેળવવાની આશા ને નિરાશામાં પલ્ટી શકે છે………
હાલની ચૂંટણી ને લઈ કનુભાઈએ વાપી, પારડી માં ચૂંટણી પ્રચારનો એકપણ મોકો જતો કર્યો નથી. દરેક સમાજના આગેવાનો સાથે, સોસાયટીમાં, ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે બેઠકો યોજી છે. તેમ છતાં પારડી-વાપીમાં કનુભાઈ માટે સબસલામત નથી. વાપી-પારડીની ટ્રાફિક સમસ્યા, ઉદ્યોગોનું પ્રદુષણ, આંતરિક ખટપટ કનુભાઈ માટે વિપરીત અસર ઉભી કરી શકે છે. કોંગ્રેસ ના મોંઘવારી, બેરોજગારી, ઉદ્યોગપતિઓ તરફી કુણી લાગણી, સ્થાનિક ગામલોકો પ્રત્યે તોછડું વર્તન જેવા મુદ્દા ભાજપને ટક્કર આપી રહ્યા છે. જયશ્રી બેન પટેલ આ બેઠક પર મહિલા ઉમેદવાર છે. એટલે તે ફાયદો પણ મતદારોને રિઝવવા ઉપયોગી બની રહ્યો છે. ટૂંકમાં પારડી બેઠક પર ભાજપના કનુભાઈએ ભલે કામ કર્યા હોય પણ તે કામ સામે નહિ થયેલા કામનો જે પ્રચાર કોંગ્રેસના ઉમેદવાર કરી રહ્યા છે. તે અસરકારક હોય મતદારો કોંગ્રેસ ના ઉમેદવાર ને પસંદ કરી રહ્યા છે. આવકારી રહ્યા છે. જેની અસર કનુભાઈની મોટા માર્જિન સાથે જીત મેળવવાની આશા ને નિરાશામાં પલ્ટી શકે છે.
ઉદ્યોગોકારોના કામ કરતા હોવાની છાપ મતદારોમાં છે……
પારડી બેઠક પરથી જીતેલા કનુભાઈ વાપીના ઓવરબ્રિજનું કામ, અન્ડરગ્રાઉન્ડ સબ વે નું કામ, બલિઠા બ્રિજનું કામ, ગામડાઓમાં ઘરે ઘરે નલ કનેક્શનનું કામ, પેવર બ્લોક, ડામર રોડ, બીલખાડી બ્યુટીફીકેશન, ઉદવાડા, કોલક, કાંઠા વિસ્તારમાં અદ્યતન ફિશ માર્કેટસ, ઉદ્યોગોમાંથી છોડતા કેમિકલ પાણીને અટકાવી દરિયાઈ સૃષ્ટિ બચાવવાની પહેલ, કંપનીઓમાં ઉધોગકારો, લેબર કોન્ટ્રાક્ટરો દ્વારા કામદારોનું થતું શોષણ, ખેડૂતો માટે અદ્યતન APMC, હાઇવેના બન્ને તરફના સર્વિસ રોડની કામગીરી જેવા કામોને પ્રાધાન્ય આપી પાર પાડી શક્યા નથી. વિવિધ સરકારી યોજના હેઠળ આવતા આ કામો પ્રત્યે તેમણે ઉદાસીન વલણ અપનાવ્યું છે. જ્યારે ઉદ્યોગો માં અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ, ગ્રીન સ્પેસમાં વૃક્ષારોપણ, CETP ની ક્ષમતા વધારવી, GIDC ને કનેક્ટ રોડના નવીનીકરણ જેવા કામો ત્વરિત ધોરણે પુરા કર્યા છે. એટલે તેઓ ઉદ્યોગોકારોના કામ કરતા હોવાની છાપ મતદારોમાં છે. જે દૂર કરવાના પ્રયાસો તેમણે આ ચૂંટણી પ્રચારમાં કર્યા છે. જે કેટલો પ્રભાવ પાડી શક્યા તે 8મી ડિસેમ્બર ના ચૂંટણી રિઝલ્ટમાં મળેલા મત પરથી જ જાણી શકાશે.