Saturday, December 21News That Matters

વાપી-દમણ વિસ્તારના વાતાવરણમાં આવ્યો પલ્ટો, ભારે પવન બાદ વરસેલા વરસાદે ગણતરીની મિનિટોમાં રસ્તા કર્યા ભીના

વાપી અને દમણ સહિતના વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી અસહ્ય ઉકળાટ વર્તાઈ રહ્યો છે. એવામાં શનિવારે બપોર બાદ 3:30 વાગ્યે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેમાં સતત 10 મિનિટ સુધી ભારે પવન ફૂંકાયા બાદ 20 મિનિટ સુધી વરસાદી ઝાપટું વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં.

વાપી-દમણ વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી અસહ્ય ઉકળાટ વર્તાઈ રહ્યો હોય શહેરીજનો તૌબા પોકારી ઉઠ્યા છે. ત્યારે શનિવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આકાશમાં તપતા સૂર્યદેવ અચાનક કાળા ડિબાંગ વાદળોમાં ગાયબ થયા હતાં. આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે પવનનું જોર વધ્યું હતું. જે 3:30 વાગ્યે અચાનક વાવાઝોડા જેવા માહોલમાં પરિવર્તિત થયું હતું. સતત 10 મિનિટ સુધી ફૂંકાયેલા ભારે પવનમાં વૃક્ષોની ડાળો હિલોળે ચડી હતી. રસ્તા પર વેરવિખેર પડેલો કુડો-કચરો રસ્તા પર જ પવન સાથે ફંગોળાયો હતો. રોડ પર ધૂળની ડમરીઓ ઉડી હતી. સતત ભારે પવન ફૂંકાતા માર્ગો પર વાહન લઈને નીકળેલા વાહનચાલકો ગભરાયા હતાં.

જો કે, ભારે પવન બાદ કાળા ડિબાંગ વાદળોમાંથી વરસાદી પાણી વરસવું શરૂ થયું હતું. સતત 20 મિનિટ સુધી વરસેલા વરસાદે રસ્તા ભીંજાયા હતાં. રસ્તા પર પાણી વહી નીકળ્યા હતાં. અસહ્ય ઉકળાટ બાદ અચાનક ભારે પવન અને તે બાદ વરસાદી ઝાપટા વરસતા શહેરીજનો એ ઠંડકનો એહસાસ કર્યો હતો. જો કે, ભારે પવનમાં કોઈ જાનહાની કે મોટું નુકસાન થયું નથી. પરંતુ વાતાવરણમાં આવેલા પલટાએ લોકોને ઉકળાટ માંથી રાહત આપતા તમામને ભાદરવામાં ચોમાસાની શરૂઆત નો અનુભવ કરાવ્યો હતો.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *