Friday, January 31News That Matters

વાપી નજીક છીરી-બલિઠામાથી પસાર થતી દમણગંગા નહેરનું પાણી ખાદ્ય સામગ્રીના કલરથી થયું લાલ! દમણગંગા નહેર, GPCB ના અધિકારીઓ દોડતા થયા

વાપી નજીક છીરી-છરવાડા-બલિઠા માંથી પસાર થતી દમણગંગા નહેરમાં ગુરુવારે સવારે અચાનક જ લાલ પાણી વહેતુ હોય કોઈ કેમિકલ કંપનીએ નહેરના પાણીમાં કેમિકલ છોડ્યું હોવાની દહેશતે લોકોમાં ગભરાટનો માહોલ ઉત્પન્ન થયો હતો. જેની જાણ દમણગંગા નહેર વિભાગ અને GPCB ના અધિકારીઓને કરતા અધિકારીઓએ તાબડતોબ તપાસ હાથ ધરી હતી. જો કે આ પાણી કોઈ કેમિકલ કંપનીના કારણે નહિ પરંતુ છીરી નજીક નહેરમાં કોઈએ ખાવાના પદાર્થોમાં વપરાતા કલરનું પેકેટ નાખી દીધું હોય તે કલર પાણીમાં ઓગળવાથી નહેરનું પાણી લાલ થયું હોવાનું તારણ સામે આવ્યું છે.
દમણગંગા સિંચાઈ વિભાગ દ્વારા મધુબન ડેમમાંથી નહેર મારફતે વલસાડ જિલ્લામાં ખેતી માટે તેમજ ઔદ્યોગિક એકમો માટે પાણી પૂરું પાડવામાં આવે છે. જેમાં વાપી નજીક છીરી-છરવાડા-બલિઠાથી પસાર થતી નહેરમાં અચાનક એકદમ લાલ પાણી વહેતુ હોય લોકોમાં આશ્ચર્ય સાથે ગભરાટ નો માહોલ ઉત્પન્ન થયો હતો. નહેરમાં વહેતા પાણીના કેટલાક લોકોએ ફોટો વીડિઓ ઉતારી સોશ્યલ મીડિયામાં ફરતા કર્યા હતા. તો કેટલાક લોકોએ આ પાણી સાથે કોઈ કેમિકલ કંપનીના સંચાલકોએ કેમિકલયુક્ત પાણી છોડ્યું હોવાની અને લોકો ગંભીર બીમારીનો ભોગ બનશે તેવી દહેશત સાથે દમણગંગા નહેર વિભાગ અને GPCB ના અધિકારીઓને જાણ કરી હતી.
નહેરમાં 5 થી 6 કિલોમીટર સુધી લાલ પાણી વહેતુ હોય અધિકારીઓએ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. જેમાં દમણગંગા નહેરની એક ટીમે છીરીમાથી પસાર થતી નહેર પાસેથી આ લાલ પાણી વહેતુ હોવાની જાણકારી મેળવી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કોઈ ભંગારીયાએ અથવા તો બેજવાબદાર નાગરિકે ખાદ્ય પદાર્થમાં વપરાતા કલરનું પેકેટ પાણીમાં નાખ્યું હતું. જે કલર પાણીમાં ઓગળતા નહેરનું પાણી લાલ કલરનું થઈ ગયું હતું. દમણગંગા નહેરના અધિકારીઓની સૂચના બાદ કર્મચારીઓએ નહેરમાંથી કલરનું પેકેટ બહાર કાઢ્યું હતું. આ તરફ GPCB ની ટીમે પણ તાત્કાલિક નહેરના પાણીના સેમ્પલ લઈ ચેક કરતા તેમાં કોઈ કેમિકલ નહિ હોવાનું જણાયું હતું.
ઉલ્લેખનીય છે કે છીરીમાંથી પસાર થતી નહેરમાં આસપાસના લોકો અને કેટલાક ઔદ્યોગિક એકમોમાંથી કચરો ઉઠાવતા ભંગારીયાઓ મોટા પ્રમાણમાં નકામો કચરો નહેરમાં ઠાલવી દે છે. આ અંગે નહેર વિભાગ દ્વારા અવારનવાર છીરી પંચાયતમાં લેખિત-મૌખિક સૂચનાઓ આપી હોવા છતાં જાણે છીરી પંચાયત આવા ભાંગરિયાઓને અને બેજવાબદાર નાગરિકોને છાવરતી હોય નહેરમાં સતત કચરો જમા થતો રહે છે. ત્યારે છીરી પંચાયત આ અંગે પોતાનું કર્તવ્ય સમજી નહેરના પાણીને ચોખ્ખું રાખવાની પહેલ કરે તે ઇચ્છનીય છે. તો, દમણગંગા નહેર વિભાગ ના અધિકારીઓ, GPCB ના અધિકારીઓ પણ પોતાની ફરજને પ્રામાણિક પણે નિભાવી નહેરના પાણીને દૂષિત કરતા અથવા દૂષિત કરનારાઓને પોષતા તત્વો સામે કાયદાનો દંડો ઉગામે તે સમયની માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *