Saturday, December 21News That Matters

વટારના સરપંચ-ઉપસરપંચે તળાવની માટી દમણની કંપનીઓને વેંચી દઇ ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ગ્રામજનોએ કલેક્ટર-ખાણ ખનીજ માં કરી લેખિત અરજી

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના વટાર ગામે સરપંચ અને ઉપસરપંચે સત્તાનો દુરુપયોગ કરી ગામના તળાવને ઊંડું કરવાના નામે કોન્ટ્રાકટર સાથે મળી તળાવની માટી દમણની કંપનીઓમાં વેંચી દઈ ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ફરિયાદ સ્થાનિક ગ્રામજનોએ વલસાડ કલેકટર અને ખાણ ખનીજ વિભાગ સહિતના વિભાગોમાં કરી છે.

આ અંગે મળતી વિગતો મુજબ વટાર ગામના ગ્રામજનોએ વલસાડ કલેકટર, વલસાડ ખાણ ખનીજ વિભાગ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી ને લેખિતમાં અરજી કરી છે. અરજીમાં ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે. ગામના સરપંચે અને ઉપસરપંચે તળાવને ઊંડું કરવાની અને તેની માટી વેંચવાની કામગીરીમાં કોન્ટ્રાકટર સાથે મળી ભ્રષ્ટાચાર આચર્યો છે.

ગ્રામજનોને કરેલી અરજી મુજબ વટાર ગામે પાંચિયા ફળિયામાં ખંભળાવ તળાવ આવેલું છે. આ તળાવને ઊંડું કરવા દમણની એક કોન્ટ્રાક્ટરને મંજૂરી આપી છે. ગ્રામ સભાને બદલે સામાન્ય સભામાં આ બાબતે ઠરાવ કરી દમણના કોન્ટ્રાક્ટરને તળાવ ઊંડું કરવા તેની માટી કાઢવાની મંજૂરી આપી છે. જે મંજૂરી આધારે દમણના કોન્ટ્રાક્ટરે તળાવને 50 થી 55 ફૂટ ઊંડું ખોદી તેની માટી દમણની કંપનીઓમાં તેમજ અન્ય સ્થળોએ વેંચી દીધી છે.

તળાવ ઊંડું કરવાની કામગીરીથી ગ્રામજનો નાખુશ છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ 10 થી 15 ફૂટ ઊંડું તળાવ કરવાને બદલે 55 ફૂટ ઊંડું કરી દેતા ચોમાસા દરમ્યાન તળાવમાં જ્યારે પાણી ભરાશે ત્યારે તેમાં ગામના પશુઓ તેમજ ગ્રામજનોની ડૂબી જવાની ઘટના બનશે. તળાવની પરમિશન અંગે પણ સરપંચ દિનેશ ગોવિંદ હળપતિ અને ઉપસરપંચ ભૂમિકા સંતોષ પટેલે સરકારના ધારાધોરણો ને ગણકાર્યા વિના કોન્ટ્રાકટ આપી દીધો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, ગુજરાતના જિલ્લાના તળાવ ઊંડા કરવાની પરમિશન દમણની એજન્સીને કઈ રીતે આપવામાં આવી છે. આ પરમિશન સૂઝલમ સુફલામ હેઠળ આપવામાં આવી છે કે અન્ય કોઈ યોજના હેઠળ તે અંગે પણ યોગ્ય તપાસ કરવામાં આવે.

પંચાયત હસ્તકના આ તળાવ ઊંડું કરવાની કામગીરી પેટે કોન્ટ્રાકટર તરફથી જે રકમ પંચાયતના વિકાસના કામ માટે આપી છે. તે રકમ પણ પંચાયતના ભંડોળમાં બતાવી નથી. જેથી આ અંગે યોગ્ય કાર્યવાહી થાય અને જો તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું પુરવાર થાય તો સરપંચ અને ઉપસરપંચ ને સત્તા પરથી દૂર કરવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગ્રામજનોની રજુઆત સંદર્ભે વલસાડ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, વટાર ગામના ગ્રામજનોની રજુઆત તેઓને મળી છે. જે અંગે ખાણ ખનીજ વિભાગને તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ તરફ ખાણ ખનીજ વિભાગે જણાવ્યું હતું કે, વટાર ગામે તળાવ ઊંડું કરવા બાબતે તેની માટીની રોયલ્ટી પેટે જે રકમ ભરવાની હોય તે રકમ કોન્ટ્રાકટર દ્વારા ભરવામાં આવી છે. જે અંગે તેમનો કોન્ટ્રાકટ પૂરો થશે ત્યારે તેમણે પરમિશન મુજબ માટી કાઢી કે વધુ તેની તપાસ કરવામાં આવશે. અને જો પરવાનગીથી વધુ માટી કાઢી રોયલ્ટી ચોરી કરી હશે તો તેમની પાસે વધારાની રોયલ્ટી પેટેની રકમ વસુલવામાં આવશે. ત્યારે હવે જોવું રહ્યું કે વટાર ગામના ગ્રામજનોના આક્ષેપ સાચા છે કે, પછી 55 ફૂટ ઊંડું તળાવ ખોદનારા કોન્ટ્રાક્ટરે તેમજ ગામના સરપંચ-ઉપસરપંચ સામેના આક્ષેપ પાયાવિહોણા પુરવાર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *