ઘણા વર્ષોથી વેરો ભરવામાં ઉદાસીન અને મહાનગરપાલિકાની નોટીસોની અવગણના કરનાર મિલકતોની જપ્તી અને હરાજીની કાર્યવાહી શરૂ કરવામાં આવતા મોટી સંખ્યામાં ફ્લેટધારકોએ વેરો ભરી દીધો હતો.
વાપીમાં 5 થી 10 વર્ષ સુધીના 48 મોટા બાકીદાર ફ્લેટધારકોને વેરો ભરવા અંતિમ નોટીસ આપવામાં આવી હતી. પરંતુ વેરો ભરવામાં ના આવતા ફ્લેટની જપ્તી અને હરાજી માટેની પ્રક્રિયા શરૂ કરવાની કાર્યવાહી થતાં 32 ફ્લેટ ધારકોએ બાકી વેરો ભરી દીધો હતો.
ડુંગરામાં મુસા રેસિડેન્સીમાં 14, ભાનુપ્રકાશ એપા. માં 3, અમન પાર્કમાં 4, વાપીમાં ગૌરી એન્કલેવમાં 2, સનસીટીમાં 2, રામા રેસિડેન્સીમાં 4, સોફિયા પેલેસમાં 2, ફેઇમ એપા.માં 4, એકતા કોમ્પ્લેક્ષમાં 4 અને ચલાના પ્રમુખ સહજમાં 2 મળી 39 ફ્લેટધારકોએ પોતાનો બાકી પ્રોપર્ટી ટેક્ષ ભરી દીધો હતો.
બાકીના ફ્લેટધારકોની મિલકતોને ટાંચમાં લેવાની અને હરાજીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઘરવેરા વિભાગ દ્વારા પ્રથમ વખત રહેણાંક મિલકતોની જપ્તી અને હરાજીની કાર્યવાહી શરૂ થતાં માર્ચમાં તા.1 થી 15 દરમ્યાન કુલ 1116 ફ્લેટધારકોએ ભરેલા વેરાથી મહાનગરપાલિકાને રૂ.41 લાખની આવક થઈ હતી.
હાલમાં ઘરવેરા વિભાગની 3 વિશેષ ટીમ દ્વારા ફ્લેટધારકોની ડોર ટુ ડોર મુલાકાત કરી બાકી વેરો તાત્કાલિક ભરી દઈ વ્યાજના દંડ અને જપ્તીની કાર્યવાહીથી બચવા સમજાવવામાં આવી રહ્યા છે. ઘરવેરા વિભાગની ટીમે રૂ. 28.75 કરોડના માંગણા સામે 15 માર્ચ સુધીમાં રૂ. 25.03 કરોડની વસૂલાત કરી 87% વસૂલાત કરી છે.