Monday, September 16News That Matters

સ્ટેશન ગુજરાતમાં ને નામ મહારાષ્ટ્રના સ્ટેશનનું..? DFCCIL ના અધિકારીઓ ટ્રાયલ રન કરી ગયા…! જિલ્લાના નેતાઓ ઊંઘતા રહ્યા…?

વલસાડ જિલ્લામાં તાજેતરમાં 3 એવી મહત્વની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં જિલ્લાના નેતાઓની નેતાગીરીની ગુણવત્તા સામે સંશય ઉભો થયો છે. પ્રથમ ઘટનાની વાત કરીએ તો, 9મી ફેબ્રુઆરીએ ગુજરાત માટે મહત્વનો પ્રોજેકટ મનાતા DFCCIL પ્રોજેકટ હેઠળ પ્રથમ ટ્રેક ટ્રાયલ રન લેવાયો હતો. આ ટ્રાયલ રન સંજાણ થી સચિન, ભેસ્તાન, મકરપુરા સુધીનો હતો. જે અપ એન્ડ ડાઉન લાઇનમાં હતો. જેને લીલીઝંડી આપવા માટે જિલ્લાના નેતાઓને બદલે માત્ર DFCCIL મુંબઈ નોર્થના ચીફ જનરલ મેનેજર વિકાસ કુમાર અને તેમના સ્ટાફના અધિકારીઓ હતાં. જેઓએ આ ટ્રાયલ રન કોઈપણ પ્રકારના પબ્લિસિટી સ્ટંટ વગર પૂર્ણ કરી લીધો.

હવે, એ પહેલાંની પણ બીજી મહત્વની ઘટનાની વાત કરીએ તો, અયોધ્યા રામ મંદિરના દર્શન માટે એક મહિનાથી ચાલતી તૈયારીઓ બાદ 6 ફેબ્રુઆરીએ વાપીથી અયોધ્યા સ્પેશ્યલ ટ્રેન મારફતે રામભક્તો અયોધ્યા રવાના થયા હતા અને દર્શન કરીને પરત આવ્યા છે. આ ટ્રેનને લીલીઝંડી આપવા વલસાડ જિલ્લાના કહેવાતા નેતાઓએ હોંશેહોંશે વાપી-વલસાડ સ્ટેશને ઉપસ્થિત રહી ટ્રેનને લીલીઝંડી આપી ફોટા પડાવ્યા, તેને લાઈક મળે એ માટે સોશ્યલ મીડિયામાં શેર પણ કર્યા….

ત્રીજી ઘટના આ બને ઘટના પહેલા બની ચુકી છે. જેમાં ગુજરાતમાં અને વલસાડમાં આવેલા DFCCIL પ્રોજેકટ હેઠળના સ્ટેશન યાર્ડને મહારાષ્ટ્રના સ્ટેશન યાર્ડનું નામ આપી દીધું…! પરંતુ વલસાડના એકપણ નેતાએ આ અંગે કોઈ જ પ્રતિક્રિયા આપી નથી.

પ્રથમ અને બીજી ઘટનાની વધુ વિગતો જોઈએ તો 8 અને 9મી ફેબ્રુઆરીએ DFCCIL (ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડ) પ્રોજેકટ હેઠળ સંજાણ-ભેસ્તાન વચ્ચેના 112 કિલોમીટરના ટ્રેક પર ટ્રાયલ રન લેવાયો હતો. DFCCIL પ્રોજેકટ વડોદરા નજીકનાં ન્યુ મકરપુરાથી મુંબઈ નજીકનાં ન્યુ JNPT સુધીનો 427 કિલોમીટરનો ફેઝ-2 પ્રોજેકટ છે. જેના પર આગામી દિવસોમાં માલગાડી દોડાવવામાં આવશે. સંજાણ થી મકરપુરા સુધીના કુલ 238 કિલોમીટરના ફેઝ પરના ટ્રાયલ રન વખતે DFCCIL મુંબઈ નોર્થના ચીફ જનરલ મેનેજર વિકાસ કુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ જણાવ્યું હતું કે, DFCCIL (ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડ) પ્રોજેકટ હેઠળ સંજાણ-ભેસ્તાન વચ્ચેના 112 કિલોમીટરના ટ્રેક પર ટ્રાયલ રન લેવાયો હતો. આ ટ્રાયલ રન મકરપુરા-ભેસ્તાન-સચિન-સંજાણ સુધીનો પ્રથમ અપ લાઇન અને ડાઉન લાઇન ટ્રાયલ રન હતો. આ ટ્રેક પરની કામગીરી પુરી થઈ ચૂકી હોય પ્રથમ ટ્રાયલ રન બાદ આગામી સમયમાં આ ટ્રેક પર માલગાડીઓનું પરિવહન શરૂ કરવામાં આવશે. જેનાથી ગુજરાતના વેપાર ઉદ્યોગને અનેકગણો ફાયદો થશે. ગુજરાત નો વિકાસ થશે.

ગુજરાતના વિકાસમાં DFCCIL પ્રોજેકટ કેટલો મહત્વનો સાબિત થશે તે તો સમય આવ્યે ખબર પડશે. પરંતુ આ પ્રોજેકટને લઈને જિલ્લાના નેતાઓની નબળી નેતાગીરી અત્યારથી જ છતી થઈ છે. DFCCIL પ્રોજેકટ હેઠળ જ્યાં, ન્યુ ઉમરગામ સ્ટેશનનું પાટિયું હોવું જેઓએ એ સ્થળે ન્યુ ઘોલવડ સ્ટેશનું પાટિયું લાગી ગયું છે. હવે આ સ્ટેશન ગુજરાતના વલસાડ માં આવેલ ઉમરગામનું છે તો, ત્યાં મહારાષ્ટ્રના ઘોલવડ સ્ટેશનનું નામાંકરણ થઈ ગયું જે અંગે ક્યાંય કોઈ વિરોધનો વંટોળ ઉઠ્યો નથી.

ઉલ્લેખનીય છે કે, વેસ્ટર્ન રેલવેને સમાંતર ચાલનારી DFCCIL હસ્તકની વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનાં ફેઝ-2 ટ્રાન્ઝિટ લાઈનનો રૂટ 427 કિલોમીટર નો છે, જે વડોદરા નજીકનાં ન્યુ મકરપુરાથી શરૂ થઈ, મુંબઈ નજીકનાં ન્યુ JNPT પર પુર્ણ થાય છે. વેસ્ટર્ન રેલવેનું ઘોલવડ સ્ટેશન, જે હકીકતે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. જ્યાં વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનું યાર્ડ/ સ્ટેશન ન્યુ ઘોલવડ બનવાનું હતું. પરંતુ, મળેલી માહિતી મુજબ, કોઈ કારણોસર ન્યુ ઘોલવડ યાર્ડ / સ્ટેશનને, ઘોલવડમાં સ્થાપવા પર વિરોધનો વંટોળ ફુંકાયો હતો. જેથી, આ ન્યુ ઘોલવડ યાર્ડને ઉમરગામ અને સંજાણ રેલવે સ્ટેશનની વચ્ચે આવેલ LC ગેટ નંબર 67 પાસેની ખાલી જગ્યામાં લાવી દેવાયું છે. આ અંગે મીડિયાએ સ્થાનિક નેતાઓનું ધ્યાન દોરતી ખબર પ્રકાશિત પણ કરી છે. તેમ છતાં જિલ્લાની નબળી, હલ્કી કક્ષાની નેતાગીરી ફક્ત ભષ્ટ્રાચાર પ્રરિત હોય, સ્થાનિક બની બેઠેલાં નેતાઓએ આ ન્યુ ઘોલવડનો વિરોધ કરતી પ્રતિક્રિયા આપી નથી. નવાઈની વાત છે કે, જ્યાં ન્યુ ઉમરગામ હોવું જોઈએ ત્યાં ન્યુ ઘોલવડે સ્થાન ગ્રહણ કરી લીધું છે. ફર્સ્ટ ટ્રાયલ રન લેવાઈ ગયો છે. જિલ્લાના નેતાઓ બીજી સ્પેશ્યલ ટ્રેન મારફતે રામભક્તોને અયોધ્યા દર્શને મોકલવા સમયે લીલીઝંડી આપવાના ટાઈમ ટેબલમાં વ્યસ્ત છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *