વાપીમાં ગુંજન વિસ્તારમાં પેપીલોન ચોકડીથી છીરી-કોપરલી તરફનો માર્ગ સિંગલ માર્ગ હોય ટ્રાફિકની સમસ્યા ઉદ્દભવતી હતી. જેનું નિરાકરણ લાવવા વલસાડ માર્ગ અને મકાન વિભાગ દ્વારા 2,42,44,619 રૂપિયાના ખર્ચે ફોરલેન માર્ગની કામગીરી હાથ ધરી હતી. જે પૂર્ણ થયા બાદ રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વાયડનિંગ એન્ડ સ્ટ્રેન્ધનિંગ ઓફ વાપી-કોપરલી-અંભેટી-સુખાલા રોડ કિલોમીટર 0/6 થી 19/7 વલસાડ અંતર્ગત ફોરલેન વર્ક ઇન સેક્શન કિલોમીટર 0/6 થી 1/6 પ્રોજેકટ માટે 04/02/2022ના ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગરથી 220 લાખની રકમના ખર્ચે માર્ગ નવીનીકરણ નો ઠરાવ કરવામાં આવ્યો હતો. જેની 2,19,91,700 રૂપિયાની તાંત્રિક મંજૂરી મળી હતી. જ્યારે DTP ની રકમ મુજબ 2,15,91000 સામે 12.40 ટકા ના ઊંચા ટેન્ડરે કિંજલ કન્સ્ટ્રકશન દ્વારા 2,42,44,619 રૂપિયાનું ટેન્ડર ભરી કામગીરી શરૂ કરી હતી. જેમાં 1 કિલોમીટર લાંબા હયાત રોડની 10 મીટરની પહોળાઈમાંથી ફોર લેન માર્ગ બનાવવાની કામગીરી વર્ક ઇન સેક્શન 0/6 થી 1/6 કોલોમીટરની હતી. જે નિયત સમયમાં પૂર્ણ કરી દેતા રાજ્યના નાણાપ્રધાને વાપીના અમીરસ હોટેલ પાસે નારિયેળ ફોડી લોકાર્પણ કર્યું હતું.
વાપી થી કોપરલી સુધીના ફોરલેન રોડ બનવાથી વાપી અને તેની નજીકના છરવાડા, છીરી, રાતા, કોચરવા, પંડૉર, કોપરલી, અંભેટી, સુખાલા સહિતના 8 ગામોની મળી કુલ 88190 ની વસ્તી ને આવાગમન માટે સીધો ફાયદો થશે.
આ કાર્યક્રમમાં વાપી GIDC ના ઉદ્યોગકારો, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર, PWD વાપીના અધિકારીઓ, કર્મચારીઓ, વાપી પાલિકા, વાપી નોટિફાઇડના પદાધિકારીઓ સહિત રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.