Friday, January 31News That Matters

વાપીમાં ખાડામાં ફેરવાયેલ રસ્તાએ વાહન ચાલકના હાડકા ભાંગ્યા! સોમવાર સુધીમાં રસ્તાઓનુ મરામત કામ નહીં થાય તો જનઆંદોલન!

વાપીમાં ચોમાસા દરમ્યાન ડુંગરી ફળિયા વિસ્તારમાં એક વાહન ચાલક રસ્તા પર પડેલા ખાડામાં ગબડી પડ્યો હતો. યુવકને પેટ, છાતીના ભાગે ઇજાઓ સાથે પગમાં ફ્રેક્ચર આવતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો છે. તો,  વાપીના ભડકમોરાથી ચણોદ તરફના અને ચણોદ થી કરવડ તરફના માર્ગની 11મી જુલાઈ સોમવાર સુધીમાં મરામત કરવામાં નહિ આવે તો જન આંદોલન કરવાની ચીમકી સાથે વલસાડ નેશનલ હાઇવે ઓથોરિટીના કાર્યપાલક એન્જીનીયરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. 
વાપીમાં ભડકમોરાથી ચણોદ ગેટ સુધી અને ચણોદથી કરવડ સુધીના તમામ રસ્તાઓ ચોમાસા દરમ્યાન ખાડામાર્ગમાં ફેરવાયા છે. જેને કારણે વાહનચાલકો પારાવાર મુશ્કેલી સાથે ટ્રાફિકજામમાં ફસાઈ રહ્યા છે. કેટલાક અકસ્માત નો ભોગ બની રહ્યા છે. ત્યારે ગત રાત્રે ડુંગરી ફળિયા વિસ્તારમાં એક યુવક રસ્તાના આ મસમોટા ખાડામાં ગબડી પડ્યો હતો. જેમાં યુવકને પેટ-છાતીના ભાગે ઇજાઓ થઈ હતી. તેમજ પગના ભાગે ફ્રેક્ચર થયું હતું. યુવાન હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.
વાપીના આ ખાડા માર્ગોથી ત્રસ્ત ચણોદ વિસ્તારના વિવિધ સમાજના સમાજસેવકો દ્વારા બુધવારે વલસાડ ખાતે નેશનલ હાઇવે ઓથોરિટીના સબડીવીઝનલના કાર્યપાલક એન્જીનીયરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. સમાજ સેવક ભીમરાવ કટકે સહિતના આગેવાનોએ આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી કે, આ તમામ માર્ગ હાલ બિસ્માર હાલતમાં હોય વહેલી તકે તેનું સમારકામ કરી પેવર બ્લોક લગાડવામાં આવે. જો રવિવાર સુધીમાં આ કામગીરી કરવામાં નહિ આવે તો સોમવારે આ વિસ્તારની જનતા સાથે એકત્ર થઈ દરેક ખાડામાં વૃક્ષારોપણ કરી રસ્તો રોકી જનઆંદોલન કરવામાં આવશે.
સમાજના આગેવાનોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, વાપીના ભડકમોરાથી લઈને ચણોદ ગેટ સુધી તેમજ ડી-માર્ટ, ચંદ્રલોક બિલ્ડીંગ, ચણોદ ગેટ થી ડુંગરી ફળિયા, કરવડ સુધીના રસ્તામાં વરસાદને કારણે મોટામોટા ખાડાઓ પડવાથી અવરજવર કરનાર તમામ મજુર વર્ગ, વિધાર્થીઓ, વ્યાપારી, વાહન ચાલકોને ખુબ જ પરેશાની થઈ રહી છે.
આ ખરાબ રસ્તાઓને કારણે અવાર નવાર અકસ્માતો થઇ રહ્યા છે. વાહનચાલકો પોતાના જીવના જોખમે વાહનો ચલાવવા મજબુર બન્યા છે. વાપી વિભાગના આ તમામ રસ્તાઓ દર વર્ષે ચોમાસા દરમ્યાન ખરાબ થઈ જતા હોઈ જ્યારે પણ આ રસ્તાઓનું સમારકામ થાય ત્યારે ખાલી ખાડાઓમાં થીગડાઓ પુરી દેવામાં આવે છે. જે થોડાક સમય માટે જ સારા રહે છે. પછી થોડા જ સમયમાં પાછા તેવી જ હાલતમાં થઈ જાય છે. આવા રસ્તાઓ પર એમ્બ્યુલેન્સમાં જઈ રહેલ દર્દીઓ તેમજ ખાનગી વાહનોમાં લઈ જવાતા દર્દીઓને પણ ખુબજ તકલીફ સહન કરવી પડતી હોય છે.
આ ખાડા માર્ગ ને પ્રતાપે સ્કુલ વાહનોમાં જતા નાના બાળકો જ્યાં સુધી ઘરે આવી ન જાય ત્યાં સુધી તેમના માતાપિતા પણ ચિંતામાં રહે છે. માલસામાન લઈ જતા વહનચાલકોએ વેપારીઓએ માલસમાનની નુકસાની વેઠવી પડી રહી છે. જેથી કરીને તાત્કાલીક આ રસ્તાઓનું સમારકામ કરવા તેમજ પેવર બ્લોક નાખી આપવા માટે રજુઆત કરી હતી.
જો આ ખરાબ રસ્તાઓને કારણે કોઈ અકસ્માત કે જાનહાની થાય તો તેની સંપૂર્ણ જવાબદારી આપની કચેરીની રહેશે, જો આ રસ્તાઓનું તાત્કાલીક ધોરણે 10મી જુલાઈ સુધીમાં સમારકામ કરવામાં નહી આવે તો 11મી જુલાઈ સોમવારના રસ્તા પર પડેલા આ ખાડાઓમાં સ્થાનિક લોકો સાથે મળી વૃક્ષારોપણ કરી, રસ્તા રોકો આંદોલન સાથે ચક્કાજામ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *