સંઘપ્રદેશ દમણના કચીગામમાં વીજ પુરવઠાનો જીવંત વાયર તૂટીને એક રીક્ષા ચાલક પર પડતા કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટના સોમવારે કચીગામમાં આવેલ કલાસિક ઇન્ડસ્ટ્રિઝની સામે સાંજે ચારેક વાગ્યા આસપાસ બની હતી. ઘટનાએ વીજ વિભાગની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નિર્દોષનો જીવ લીધો હોય સ્થાનિકોમાં આક્રોશ સાથે અરેરાટી ફેલાઈ હતી.
દમણના કચીગામમાં કલાસિક ઇન્ડસ્ટ્રિઝની સામે સોમવારે સાંજે ચારેક વાગ્યા આસપાસ વીજ સપ્લાયનો જીવંત તાર તૂટીને રીક્ષા ઉપર પડ્યો હતો. અચાનક પડેલા વીજ વાયર બાદ કરંટથી ચાલકનું સ્થળ ઉપર જ મોત થયું હતું. ઘટના બાદ પ્રિમોન્સૂન કામગીરીમાં વેઠ ઉતારતા તેનો ભોગ એક નિર્દોષ રીક્ષા ચાલક બન્યો હોવાની રાવ સાથે સ્થાનિકોમાં અરેરાટી ફેલાઈ હતી.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં તાજેતરમાં પાવર ડિસ્ટ્રીબ્યુશનની જવાબદારી ખાનગી ટોરેન્ટર પાવર કંપનીને સોંપવામાં આવી છે. આ કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે ત્રણેય જિલ્લામાં વિરોધ થઇ રહ્યો છે. આવા સંજોગોમાં સોમવારે વીજ વિભાગની પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખોલતી અરેરાટી જનક ઘટના બની હતી. જેણે એક નિર્દોષનો જીવ લીધો હતો.
કચીગામ સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં આવેલા કલાસિક કંપનીની સામે રીક્ષા ચાલક જઇ રહ્યો હતો ત્યારે ચાલુ રીક્ષાએ ઉપરથી પસાર થતી વીજ લાઇનનો જીવંત તાર તૂટીને રીક્ષા ઉપર પડતાં વીજ કરંટ માં ચાલકનું સ્થળ ઉપર જ મોત થયું હતું. મૃતક રીક્ષા ચાલકની ઓળખ 52 વર્ષીય હરિશ રતિલાલ હળપતિ રહેવાસી ચલા-વાપી તરીકે થઇ હતી. આ બનાવ અંગે દમણ પોલીસે આકસ્મિક મોતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે, સંઘપ્રદેશમાં ટોરેન્ટ પાવર કંપની દ્વારા પ્રીમોન્સૂન કામગીરી ન કરાતા આ બનાવ બન્યો હોવાનું લોકોમાં ચર્ચાય રહ્યું છે. કેબલ તૂટવાથી રીક્ષા ચાલકના મોતના કેસમાં કંપની સંચાલકો સામે ગંભીર બેદરકારી બદલ મોતને જવાબદાર ગણીને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવાની માગ સ્થાનિકોમાં ઉઠી છે.