કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે ઉત્સાહભેર નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વાપીની પ્રમુખ સહજ સોસાયટીમાં રહેતા 560 ફ્લેટ ધારકો નવરાત્રીના નવેનવ દિવસ અલગ અલગ થીમ પર ગરબે રમ્યા હતાં. 9માં નોરતે માતાજીના 9 સ્વરૂપ ની ઝાંખીના દર્શન કર્યા હતાં. તો મહિલાઓ, યુવતીઓએ માથે ગરબો લઈ ગરબે ઘૂમી હતી.
વાપીના ચલા વિસ્તારમાં આવેલ પ્રમુખ સહજ સોસાયટીમાં નવરાત્રીના નવ દિવસ ડીજે ના તાલે રોશનીના ઝાકમજોળ વચ્ચે ખેલૈયાઓએ ઉત્સાહભેર નવરાત્રીની મજા માણી હતી. નવરાત્રી પર્વના આ આયોજનમાં નવે 9 દિવસ અલગ અલગ થીમ પર સોસાયટીના અબાલ વૃદ્ધ સૌ કોઈએ ગરબાની રમઝટ બોલાવી હતી. તો નવરાત્રીના અંતિમ દિવસ એવા નવમાં નોરતે નાની બાળકીઓને નવ એ નવ દેવીના સ્વરૂપે પ્રસ્તુત કરી હતી. યુવતીઓ અને મહિલાઓએ ગરબાને માથે લઈ ગરબે રમી હતી.

આ આયોજન અંગે પ્રમુખ સહજ સોસાયટીના સભ્ય અનુપમ શુક્લાએ જણાવ્યું હતું કે સોસાયટીમાં અલગ અલગ દિવસે અનોખી થીમ સાથે નવરાત્રી પર્વનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ હાથમાં દીપ લઈ ત્રણ તાળી ગરબે રમી હતી. પ્રમુખ સહજ સોસાયટીમાં કુલ 7 ટાવરમાં 560 ફ્લેટ છે. જેમાં ગુજરાતીઓ ઉપરાંત પંજાબી, રાજસ્થાની, મરાઠી, હરિયાણવી, સાઉથ ઇન્ડિયન, યુપી બિહારના ઉત્તર ભારતીય સમાજના પરિવારો વેપાર ધંધા માટે સ્થાયી થયા છે.

આ તમામ પરિવારોને ધ્યાનમાં રાખીને નવરાત્રી પર્વનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વાપીમાં કોસ્મો પોલિટન સોસાયટી તરીકે જાણીતી આ સોસાયટીમાં દરેક તહેવાર યુનિવર્સલ ફેસ્ટિવલ મુજબ ઉજવવામાં આવે છે. દરેક તહેવાર અનેકતામાં એકતા ના દર્શન કરાવે છે. નવરાત્રી મહોત્સવના આ આયોજન અંગે પ્રમુખ સહજ સોસાયટીના સભ્ય એવા મનોજ સોલંકી એ જણાવ્યું હતું કે સોસાયટીમાં તમામ લોકો હળી મળીને રહે છે. તમામ તહેવારો અમે એકબીજાની સાથે ઉજવીએ છીએ એ જ રીતે નવરાત્રી પર્વની પણ ઉજવણી કરવામાં આવે છે.

સોસાયટીના તમામ લોકો પોતાના પ્રાંતના કે રાજ્યના પહેરવેશમાં સજ થઈ ગરબે રમે છે. બે વર્ષ પછી પ્રમુખ સહજ સોસાયટીમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોય તમામ લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ માતાજીની આરાધના સાથે ગરબે રમવાનો આનંદ માણ્યો હતો.