Wednesday, January 15News That Matters

વાપીના બિસ્માર માર્ગોનું દિલ્હીથી આવેલા રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે ના રિજનલ ઓફિસરે નિરીક્ષણ કર્યું!

વલસાડ જિલ્લાના વાપીથી ધરમપુર તરફના તેમજ વાપીથી સેલવાસ તરફના નેશનલ હાઇવે નંબર 56ની દુર્દશાના મીડિયામાં આવેલા અહેવાલો બાદ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે નવી દિલ્હીના રિજનલ ઓફિસરે વાપી આવી બિસ્માર રસ્તાઓની મુલાકાત લીધી હતી. તેમજ સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરી હતી. અધિકારીએ બિસ્માર માર્ગોનું વહેલી તકે સમારકામ કરવા તાકીદ કરી હતી. 
વલસાડ જિલ્લામાં ભારે વરસાદમાં તમામ મુખ્ય માર્ગોનું ધોવાણ થયું છે. એમાં પણ વાપી થી સેલવાસ તરફ અને વાપી-ચણોદ થી ધરમપુર તરફ જતા નેશનલ હાઇવે નંબર 56 ના ખાડાઓની તસવીરો મીડિયામાં અને સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ દિલ્હીના અધિકારીઓ જાગ્યા છે. મંગળવારે વાપીમાં મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે નવી દિલ્હીના રિજનલ ઓફિસરે મુલાકાત લીધી હતી. રિજનલ ઓફિસરે સ્થાનિક અધિકારીઓને સાથે રાખી રોડ પર પડેલા મસમોટા ખાડાઓનું નિરીક્ષણ કરી PWD સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. અધિકારીએ તાબડતોબ હાઇવે પર પડેલા ખાડાઓની મરામત કરવાની સૂચના આપી હતી.
તો, વાપીમાં ગુજરાત, દાદરા નગર હવેલી અને દમણ રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવેનો હવાલો સંભાળતા રિજનલ ઓફિસરની મુલાકાત બાદ તાબડતોબ ખાડાઓની મરામત કામગીરી હાથ ધરી હતી. PWD વિભાગે વાપી દમણ ને જોડતા માર્ગ પર JCB દ્વારા રોડનું લેવલ કરી બ્લોક બેસાડવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ વાપી ચાર રસ્તાથી સેલવાસ તરફ ચણોદ ખાતે તેમજ ચણોદ થી કરવડ ધરમપુર તરફના બિસ્માર બનેલા માર્ગનું પણ સમારકામ હાથ ધર્યું હતું.
ઉલ્લેખનીય છે કે વાપી થી સેલવાસ તરફ અને ચણોદ થી ધરમપુર-નાસિક તરફનો નેશનલ હાઇવે નંબર 56 ખૂબ જ ખરાબ થયો છે. એમાં પણ વાપીના ચણોદ થી કરવડ સુધીનો માર્ગ દર વર્ષે ખાડા માર્ગ બનતો હોય તેને ફોરલેન બનાવવાની મંજૂરી મળી છે. 5મી ઓગસ્ટના તેનું ટેન્ડર ખુલવાનું છે. અંદાજિત 52 કરોડના ખર્ચે ચણોદ-કરવડ માર્ગનું નવીનીકરણ હાથ ધરવામાં આવશે. જે અંગે સ્થાનિક અધિકારીઓ સાથે રિજનલ ઓફિસરે ચર્ચા કરી હતી. જો કે તેમણે તેમની આ મુલાકાત અંગે મીડિયા સમક્ષ કંઈપણ કહેવાનું ટાળ્યું હતું. જ્યારે અધિકારીના નામ અંગે PWD અને હાઇવેના અધિકારીઓ જ અજાણ રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *