વલસાડ :- વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં દરિયા કિનારે મરોલી અને દાંડી નામના ગામ આવેલા છે. આ વિસ્તારમાં દાંડી ગામે આવેલ ચર્ચમાં 7 જેટલા એક જ પરિવારના લોકોને પાણીના કુંડમાં બાપ્તિસ વિધિ કરાવી ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાનો વીડિઓ વાયરલ થયા બાદ ચકચાર મચી હતી. જે અંગે વલસાડ જિલ્લા પોલીસે તપાસ કરતા આ વાયરલ વીડિઓ એપ્રિલ માસનો હોવાનું સામે આવ્યું છે. તેમજ બાપ્તિસ વિધિમાં સામેલ તમામ વર્ષોથી ખ્રિસ્તી ધર્મ પાળે છે. તેવી વિગતો જાણવા મળી હતી.
ઉમરગામ તાલુકામાં મરોલી-દાંડી જેવા 8 જેટલા ગામ છે. જેમાં બારી સમાજ અને અન્ય સમાજના લોકો વાસવાટ કરે છે. આ સમાજના લોકો હિન્દૂ છે. પરન્તુ હાલમાં આ વિસ્તારના દરેક ગામમાં વર્ષોથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારા લોકો વસવાટ કરે છે. દરેક ગામમાં ચર્ચ પણ છે. જેમાં પાદરીઓ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જો કે હાલમાં વાયરલ થયેલા વીડિઓ બાદ આ પ્રવૃતિઓ તરફ સૌ કોઈનું ધ્યાન ગયા બાદ વલસાડ જિલ્લા પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગે DYSP વી. એન. પટેલે જણાવ્યું હતું કે વાયરલ વીડિઓ બાદ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં આ વીડિઓ ગત એપ્રિલ માસનો છે. તે સમયે અહીં ચર્ચમાં બાપ્તિસ વિધિ કરવામાં આવી હતી. અને તેમાં ઉપસ્થિત અને વિધિમાં સામેલ તમામ લોકો વર્ષોથી ખ્રિસ્તી ધર્મ જ પાળે છે. એટલે હાલમાં તેઓને લોભ લાલચ આપી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવામાં આવતો હોવાની વિગતો ધ્યાનમાં આવી નથી. તેમ છતાં જો આ અંગે કોઈ પર દબાણ કરવામાં આવ્યું હશે કે લોભ લાલચ આપવામાં આવી હોય તેવી વિગતો મળશે તો કાયદાકીય જે કાર્યવાહી કરવાની થશે તે કરવામાં આવશે.
વાયરલ વીડિયોમાં એક ગુલાબના ફૂલ સાથેના પાણીના કુંડમાં એક પાદરી 5 મહિલાઓ અને 2 પુરુષોને ડૂબકી લગાવી ખાસ વિધિ કરે છે. આ સમયે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. તમામ ખુશીનો પ્રસંગ હોય તેમ સજીધજીને આવ્યાં છે. અને કેટલાક મોબાઈલ કેમેરામાં તેને યાદગાર સાંભરણારૂપે કેદ કરી રહ્યા છે. જે સ્થળ છે તે એક ચર્ચ છે. અને તે દાંડી ગામનું છે.
ઉલ્લેખનીય છે કે, આ વાયરલ વીડિઓ બાદ બારી સમાજે આગેવાનોની બેઠક બોલાવી આ અંગે ચર્ચા કરી છે. બેઠકમાં થયેલ ચર્ચા અંગે મળતી વિગતો મુજબ સમાજના આગેવાનોએ સમાજના કેટલાં લોકોએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો છે? એ માટે તેમને કોઈ લોભ લાલચ આપવામાં આવી છે કે કેમ? જો તેમનું બ્રેઇન વોશ કરીને ધર્માંતરણ કરાવવામાં આવ્યું છે તો તે ફરી હિન્દૂ ધર્મમાં આવવા માંગે છે કે કેમ તે અંગેની દરેક વિગતો મેળવવાનું નક્કી કર્યું છે. એક અંદાજ મુજબ આ વિસ્તારમાં 300થી વધુ લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે.