વાપીના ચણોદ ગ્રામપંચાયતના આરાધના નગર દેસાઈ વાડ માં આવેલી ખ્યાતનામ શ્રી નાગરિક સેવા ટ્રસ્ટ સંચાલિત આરાધના હિન્દી તેમજ અંગ્રેજી મીડીયમ શાળાના કિરણ બી અંશુમાલી નામનો સંચાલક એક મહિલાનો પીછો કરી મહિલાની છેડતી કરતો હોવાની તેમજ બિભત્સ વાતો કરી અભદ્ર ચેનચાળા કરતો હોવાની ફરિયાદ મહિલાએ વાપી GIDC પોલીસને કરતા પોલીસે આ સ્કૂલના સંચાલકને પોલીસ સ્ટેશને બોલાવી મહિલાની માફી માંગતું માફીનામું લખાવ્યું હતું.
આ અંગે મળતી વિગતો મુજબ ચણોદ ગ્રામપંચાયત માં આરાધના નગર દેસાઈ વાડમાં રહેતો કિરણ અંશુમાલી માલી નામનો યુવક છેલ્લા કેટલાક દિવસથી એક મહિલાનો પીછો કરી તેમની સામે અભદ્ર ચેનચાળા કરતો હતો. જેની આ હરકતોથી ત્રસ્ત મહિલાએ આ અંગે તેમના પતિ સાથે વાપી GIDC પોલીસ મથકે ફરિયાદ અરજી આપી હતી. જે આધારે પોલીસે કિરણ અંશુમાન માલીને પોલીસ મથકે બોલાવી મહિલાની કે તેના ઘરના લોકોની ભવિષ્યમાં છેડતી નહીં કરવાની લેખિતમાં બાંહેધરી અને માફીપત્ર લખાવ્યો હતો. તેમજ મહિલાની માફી મંગાવી હતી.
આ પ્રકરણમાં મહિલાએ વધુ કાર્યવાહી ન કરવાનું જણાવતા સ્કૂલ સંચાલકને પોલીસે ચેતવણી આપી છોડી મુક્યો હતો. જો કે મળતી વિગતો મુજબ, આ વ્યક્તિ આ જ વિસ્તારમાં શ્રી નાગરિક સેવા ટ્રસ્ટ સંચાલિત આરાધના હિન્દી તેમજ અંગ્રેજી મીડીયમ સ્કૂલ ચલાવે છે. એ સ્કૂલમાં મહિલા શિક્ષકો નોકરી કરે છે. અનેક વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. ત્યારે આવા છેલબટાઉ સંચાલક સામે પોલીસે કાર્યવાહી કરવાને બદલે માત્ર માફીનામું લખાવી છોડી દેતા આ સંચાલક ફરી આવી હરકતો નહિ કરે તેની શી ખાતરી છે તેવા સવાલો લોકોમાં ઉઠ્યા હતાં.