ઉમરગામ તાલુકાની સરીગામ જીઆઇડીસીને અડીને આવેલ કરજ ગામના લોકો કંપનીઓના લાલ પાણી સામે લાચાર બન્યા છે. સરીગામ GIDC માં આવેલ GPCB ની કચેરીમાં ગામલોકો 3 મહિનાથી રજુઆત કરતા આવ્યા છે. પરંતુ, પ્રાદેશિક કચેરી નો અધિકારી ગામલોકોને આશ્વાસન તો ઠીક આશ્વાસન પૂરતો સારો જવાબ પણ આપતો નથી. 3 મહિનાથી લાલ કલરના ભૂગર્ભ જળથી પરેશાન ગામલોકોએ વધુ એકવાર આવેદનપત્ર આપ્યું છે.
કરજગામ ના લોકોનું કહેવું છે કે, સરીગામ GIDC માં આવેલ ઉદ્યોગો કેમિકલયુક્ત પાણી ભૂગર્ભમાં ઉતારતા હોય તેવા પાણીના કારણે ગામના બોરમાં પ્રદૂષિત કલર યુક્ત પાણી નીકળે છે. આ કલરવાળું પાણી ઢોર-ઢાંખર પણ પીતા ના હોય ગામલોકો કઈ રીતે પીવે? ગામલોકો
સરીગામ જીપીસીબી કચેરીના અધિકારી એ. ઓ. ત્રિવેદી પાસે 3 મહિનાથી ન્યાય માટે આવેદનપત્ર આપી રહ્યા છે. પરંતુ, અધિકારી ઉદ્યોગકારોના ખોળે બેસી ગયો હોય કોઈ નક્કર કાર્યવાહી કરતો નથી.
કરંજગામ ના માજી સરપંચ કમલેશ ધોડી, વિપુલ ભોઇર, યુવા શક્તિ સંગઠન પ્રમુખ મિતેશ પટેલ, મનીષ પટેલ, પાર્થ ધોડી, રજનીકાંત ધોડી એ વધુ એકવાર આવેદનપત્ર આપી રજુઆત કરી છે. કે આ પહેલા આવેદનપત્ર આપ્યા બાદ ગામલોકોએ ધરણા પર બેસવું પડ્યું હતું. ત્યારે, ગામમાં શુદ્ધ પીવા લાયક પાણીની વ્યવસ્થા કરી હતી. હ્રીંધન કેમ પ્રાઇવેટ કંપની સામે કાર્યવાહી કરી ક્લોઝર અપાવી હતી. પરંતુ, ગામલોકોની મુખ્ય માંગો હતી કે, કેમિકલયુક્ત કલર વાળા પાણીથી ખરાબ થયેલ બોરના પાણીનું શુદ્ધિકરણ કરવું, ગામ લોકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવું અને ભૂગર્ભ જળ પ્રદુષિત કરનારા ઉદ્યોગકારો સામે પોલીસ ફરિયાદ કરી કાર્યવાહી કરવી જે માંગ હજુ પણ સંતોષી નથી.
ઉલ્લેખનીય છે કે, કરંજગામના લોકોએ GPCB ના અધિકારી ઉપરાંત સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના કર્તાધરતાં અને જેમના ઈશારે SIA ચાલે છે તેવા ઉદ્યોગકારો સામે પણ આક્રોશ ઠાલવ્યો છે. ભૂગર્ભ જળ ખરાબ થવા પાછળ જવાબદારી કોની? સરકારશ્રીની? SIA ની? કે જીપીસીબીની? તે જાણવા ફરી એકવાર કચેરીના દ્વાર ખખડાવ્યા છે. ત્યારે આ વખતે કરંજગામ ની સમસ્યાનું નિરાકરણ આવશે કે કેમ તેના પર મીટ મંડાઇ છે.