વાપી નગરપાલીકાના કારભારીઓએ અને સત્તાધીશોએ મનસ્વી રીતે ડ્રેનેજ કનેકશન તથા સામાન્ય પાણી વેરાના ટેક્ષમાં અસહ્ય વધારો કરી દેતા તેના વિરોધમાં કોંગ્રેસી નગરસેવકો, વિપક્ષી નેતાની આગેવાનીમાં જન મોરચો લઈ વાપી નગરપાલિકાનો ઘેરાવ કર્યો હતો. આ પ્રસંગે નગરપાલિકાના સત્તાધીશો ગેરહાજર રહેતા વાંધા અરજી લઈ ઉપસ્થિત રહેલા નગરજનોએ હુરિયો બોલાવી આવેદનપત્ર આપ્યું હતું.
વાપી નગરપાલિકામાં સત્તાધીશોના મનસ્વી કારભારને લીધે જાહેર જનતાએ મોંઘવારીમાં ટેક્ષ વધારાના રૂપે વધુ એક માર સહન કરવાનો વખત આવ્યો છે. જેના વિરોધમાં નગરપાલિકાના વિપક્ષી નેતા ખંડુભાઈએ કોંગ્રેસી નગરસેવકો અને શહેરીજનો સાથે વાપી નગરપાલિકાનો ઘેરાવ કરી આવેદનપત્ર આપ્યું હતું. વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, સમગ્ર વાપીમાં ડ્રેનેજ કનેકશનની કામગીરી 20 થી 30 ટકા બાકી છે. પ્રજાએ તેનો ઉપયોગ પણ કર્યો નથી. તેમ છતાં પાલિકાએ માનસ્વી રીતે ટેક્ષમાં 1200 તથા 600 તથા કોર્મશીયલ પર 2400 રૂપિયા નો ટેક્સ ઝીંકી દીધો છે.
એક નળ કનેક્શન પર 10 ફ્લેટ કે 20 રૂમ હોય તો એ તમામ લોકોએ પાણીનો વેરો ભરવો પડે એ અન્યાયપૂર્ણ છે. દરેક વોર્ડમાં રસ્તાઓના ઠેકાણા નથી. કેટલીક જગ્યાએ ખાડા ખોદીને પુરાણ કરેલ નથી. સમગ્ર વાપીમાં ભૂગર્ભ ડ્રેનેજ કનેકશન નાખવામાં આવ્યું નથી તો ટેક્ષ વાપીની પ્રજા શા માટે ભરે ? અગાઉના વર્ષે વાપી નગરપાલિકા તરફથી સામાન્ય સભામા વેરા બાબતે દરેક વિસ્તારને A,B,C ગ્રેડ મુજબ આંકવામાં આવ્યા હતાં. જેમાં C ગ્રેડમાં સ્લમ વિસ્તાર લેવામા આવ્યો હતો અને તે પ્રમાણે વેરો નકકી કરવામાં આવ્યો હતો. હાલે વેરો વધારવામાં આવ્યો તેમા કોઈ ગ્રેડ નકકી કરવામાં આવ્યો નથી. જે સ્લમ વિસ્તારના રહિશો સાથે અન્યાય કરવામાં આવી રહયો છે. જેના વિરોધમાં નગરજનો સાથે મળી પાલિકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જો અધિકારીઓ, પદાધિકારીઓ આ અંગે ઘટતું નહિ કરે તો આગામી દિવસોમાં જન આંદોલન કરવા સાથે કોર્ટમાં ધા નાખીશું તેવી ચીમકી વિપક્ષી નેતાએ ઉચ્ચારી હતી.
ઉલ્લેખનીય છે કે, ટેક્સ વધારાના વિરોધમાં મિલકત માલિકો પોતાની વાંધા અરજી લઈને મોટી સંખ્યામાં નગરપાલિકા પર એકઠા થયા હતાં. ત્યારે જ નગરપાલિકાના સત્તાધીશો ગેરહાજર રહેતા ઉપસ્થિત લોકોએ નગરપાલિકાના સત્તાધોશોનો હુરિયો બોલાવ્યો હતો. લોકોએ નગરપાલિકા તેરી તાનાશાહી નહિ ચલેગી ચલેગી, હાય રે નગરપાલિકા હાય હાય, ગાયબ હે ભાઈ ગાયબ હૈ સબ અધિકારી ગાયબ હે…. જેવા નારા લગાવી સીટી એન્જીનિયરને આવેદનપત્ર આપી આક્રોશ સાથે પોતાની હૈયા વરાળ ઠાલવી હતી.