વાપીમાં નેપાળી મહિલાનું ગળું દબાવી હત્યા કરવાની ઘટનામાં પોલીસે હત્યારાને ઝડપી પાડ્યો છે. ઘટના સ્થળેથી પોલીસને દાઢી કરવાની એક બ્લેડ(પતરી) મળી હતી. જે હત્યારો સાથે લાવ્યો હતો. પરંતુ હત્યા કર્યા બાદ ત્યાંજ ફેંકીને જતો રહ્યો હતો. પોલીસે આ બ્લેડ આધારે હત્યાનો ગુન્હો ઉકેલી આરોપીને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
વાપી તાલુકાના છરવાડા ગામની રમજાનવાડીમાં 14મી જૂને થયેલ નેપાળી મહિલાના અનડીટેક્ટ મર્ડરના ગુન્હામાં વલસાડ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી એ જ બિલ્ડિંગમાં રહેતો હતો. અને મહિલા તેની અઘટિત માંગણીને તાબે નહિ થતા મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો.
(મૃતક મહિલાની ફાઇલ તસ્વીર….)
વાપી તાલુકાના છરવાડા ગામની રમજાનવાડીમાં 14મી જૂને લક્ષ્મીસીંગ અર્જુનસિંગ નામની મહિલાનો મૃતદેહ તેમના જ ઘરમાંથી મળી આવ્યો હતો. ગુરૂકૃપા એપાર્ટમેન્ટમાં બીજા માળે તેનું ગળું દબાવી કોઈએ હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ કાઢી પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં હત્યાના બનાવ સ્થળેથી પુરાવારૂપે પોલીસને દાઢી કરવાની બ્લેડ મળી હતી. જે બ્લેડ આધારે પોલીસે હત્યારાને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ અંગે વલસાડ જિલ્લા પોલીસ વડા એ પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી.
વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, મૂળ નેપાળના અર્જુનસિંગ તેમની પત્ની લક્ષ્મીસિંગ અને 2 સંતાનો સાથે રમજાનવાડીના ગુરુકૃપા એપાર્ટમેન્ટમાં રહેતો હતો. જે સેલવાસની એક હોટેલમાં નોકરી કરતો હોય સપ્તાહમાં એક વાર જ ઘરે આવતો હતો. આ જ એપાર્ટમેન્ટમાં મહમદ સમીમ મહમદ હકીમ રાઇન નામનો ઈસમ પણ રહેતો હતો. જેણે રાત્રે મહિલા એકલી હતી ત્યારે બદ ઇરાદે તેની રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. મહિલાએ દરવાજો ખોલ્યો ત્યારે તેને ધક્કો મારી ઘરમાં પ્રવેશી ગયો હતો.
જો કે મહંમદ સમીમ ની અઘટિત માંગણી ને તાબે થવાને બદલે મહિલાએ તેનો પ્રતિકાર કરતા તેણે તેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. ઘટના દરમ્યાન હત્યારો પુરા પ્લાનિંગ સાથે આવ્યો હતો. તે પોતાના ઘરેથી એક બ્લેડ લઈને આવ્યો હતો. જો કે મહિલાની હત્યા બાદ તે બ્લેડ ને ત્યાંજ ફેંકી ને ભાગી ગયો હતો. આ બ્લેડ હત્યાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ તપાસ કરનાર પોલીસ ટીમને મળી હતી. જે આધારે પોલીસે ટેકનીકલ તથા ફીલ્ડ વર્ક તેમજ ઇન્ટ્રોગેશનની કામગીરી કરી હત્યારા મહંમદ સમીમ ને દબોચી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, નેપાળી મહિલાની હત્યા કરનાર પડોશી હત્યારો મહંમદ સમીમ મૂળ બિહારનો વતની છે. અને બલીઠા ખાતે ગારમેન્ટ કંપની માં પ્રીન્ટ નુ કામ કરે છે. જેણે મહિલાની એકલતા નો લાભ લઇ અઘટીત માંગણી કરી હતી. મહિલાએ આનાકાની કરી સામનો કરતાં આરોપીએ ગુસ્સામાં આવી જઇ મહિલાનું ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. જે બાદ સવારના સમયે પોતાના કામ ઉપર જતો રહ્યો હતો. આ ગુન્હાની તપાસ ડુંગરા પોલીસ મથકને સોંપવામાં આવી હતી. તેમજ LCB, SOG ની અલગ અલગ ટિમ બનાવી તપાસ હાથ ધરી હતી. જે દરમ્યાન આરોપીને ઝડપી પાડી ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
(ફાઇલ તસ્વીર…..)
મૃતક લક્ષ્મીસિંગ તેમના પતિ અર્જુનસિંગ અને 2 પુત્રીઓ સાથે નેપાળથી વાપીમાં રોજગારી માટે સ્થાયી થયો હતો. તે મૂળ નેપાળના ડોટી જિલ્લાના શુલકાલ ગામનો વતની હતો. જેના ઘરમાં બદ ઇરાદે ઘુસેલા હત્યારાનો પ્રતિકાર કરતા તેની હત્યા કરી નાખી હતી. જે બાદ પતિ અર્જુનસિંગએ ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
તો, આ ગુન્હો ડિટેકટ કરવા જિલ્લા પોલીસ વડાએ ડુંગરા પોલીસ ઇન્સ્પેકટર એમ. પી. પટેલ, LCB પોલીસ ઇન્સ્પેકટર વી. બી. બારડ, SOG પોલીસ ઇન્સ્પેકટર જે. એન. ગોસ્વામીના નેતૃત્વમાં ટીમ બનાવી આદેશ કર્યો હતો. જેમના સંયુક્ત પ્રયાસમાં ઘટના સ્થળેથી મળેલી દાઢી કરવાની બ્લેડ તેમને આરોપી સુધી લઈ ગઈ હતી.