Saturday, December 21News That Matters

પારડી ના પ્રાચીન મંદિર નજીક બનનાર સાયકલ ટ્રેકને અન્યત્ર બનાવવા પાલિકા સભ્યોએ કરી રજુઆત

વલસાડ જિલ્લાના પારડી નગરપાલિકા વિસ્તારમાં આવેલ પ્રાચીન જગદીશ્વર મંદિરની દીવાલને લગોલગ બનનાર સાયકલ ટ્રેક મંદિરમાં વિવિધ ક્રિયાક્રમ કરવા આવનાર ભક્તો માટે બાધારૂપ બનશે. તેવા અંદેશા સાથે પાલિકાના વોર્ડ નંબર 5ના નગરસેવકોએ પાલિકા ચીફ ઓફિસર, નાણાપ્રધાન, કલેકટરને રજુઆત કરતું આવેદનપત્ર સુપ્રત કર્યું છે.
વલસાડ જિલ્લામાં પ્રાચીન નગર ગણાતા પારડી નગરપાલિકા વિસ્તારમાં 1936માં જીર્ણોદ્ધાર પામેલું પ્રસિદ્ધ જગદીશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહીં એક સાયકલ ટ્રેક બનાવવાની મંજૂરી મળી છે. ત્યારે આ સાયકલ ટ્રેકને અન્યત્ર સ્થળે બનાવવા પારડી પાલિકાના વોર્ડ નંબર 5ના સભ્ય એવા દિલીપ પટેલ અને મીરા ભરતીયાએ ચિફઓફિસર ને તેમજ સ્થાનિક ધારાસભ્ય અને હાલમાં નાણાપ્રધાન નો હવાલો સાંભળતા કનું દેસાઈ, વલસાડ કલેકટર સહિતના વહીવટી અધિકારીઓને રજુઆત કરતું આવેદનપત્ર સુપ્રત કરી વિરોધ નોંધાવ્યો છે.
વોર્ડ નંબર 5ના નગરસેવકો દિલીપ પટેલ અને મીરા ભરતીયાએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, જગદીશ્વર મહાદેવ મંદિર પટાંગણમાં નવનિર્મિત લેક ગાર્ડનની દીવાલને અડોઅડ સાયકલ ટ્રેક નિર્માણ થવાનો છે. જેનાથી અહીં થતી તમામ પ્રકારની ધાર્મિક વિધિમાં અડચણ ઉભી થશે. એટલે આ સાયકલ ટ્રેકને અન્ય સ્થળે બનાવવામાં આવે.
નગરસેવકોએ મંદિર અંગે જણાવ્યું છે કે, આ મંદિર સનાતન ધર્મમાં માનતા સંતની સમાધિ પર બનાવવામાં આવ્યું છે. વર્ષોજુનું પ્રાચીન આ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. દરેક સમાજના લોકો અહીં વર્ષોથી વિવિધ ધાર્મિક વિધિ માટે આવે છે. જેમાં વ્યક્તિના જન્મ પછી ઉતારાતી બાબરીથી લઈને મૃત્યુ બાદ થતી શ્રાદ્ધની પિતૃ તર્પણ વિધિ, પિંડદાન વિધિ કરવા મોટી સંખ્યામાં ભક્તો આવે છે.
દરેક તહેવારમાં શ્રદ્ધાળુઓ અહીં દર્શને આવે છે. ધાર્મિક કાર્યક્રમો કરે છે. મંદિર નજીક ઘટાટોપ વડપીપળો જેવા વૃક્ષોનું આસ્થાળુઓ પૂજા અર્ચના કરે છે. જો અહીં સાયકલ ટ્રેક બનશે તો આ તમામ ધાર્મિક વિધિ, ક્રિયાક્રમમાં અનેક પ્રકારની બાધા ઉત્પન્ન થશે એટલે આ સાયકલ ટ્રેકને અન્ય સ્થળે બનાવવામાં આવે. નગરસેવકોએ સાયકલ ટ્રેકનો વિરોધ નોંધાવી લેખિતમાં રજુઆત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *