Friday, January 31News That Matters

સોળસુંબાની માહ્યાવંશી આંગણવાડી કેન્દ્રનાં બાળકોનું જીવન જોખમમાં..! કંપનીની ટ્રક નીચે કચડાઈ જવાનો અને જીવજંતુ કરડવાનો ડર

ઉમરગામ તાલુકામાં આવેલી સોળસુંબાની માહ્યાવંશી આંગણવાડી કેન્દ્રનાં બાળકોનું ભાવી જ નહીં પણ જીવન જોખમમાં હોવાનો ડર વાલીઓને સતાવી રહ્યો છે. કેમ કે, આંગણવાડીના પ્રાંગણમાંથી કંપનીની ટ્રક અવરજવર કરે છે. આંગણવાડીની ઇમારતમાં બાથરૂમ સાહિતના બારી દરવાજા ખખડધજ હાલતમાં છે. કમ્પાઉન્ડ વૉલ નો અભાવ છે. એટલે, વાલીઓને ડર છે કે, ક્યાંક તેમનું બાળક કંપનીની ટ્રક નીચે કચડાઈ જશે તો અથવા જીવજંતુ કરડી જશે તો……?


આ આંગણવાડીની નજીક ઈન્ટરનેશનલ ટ્રેડર્સ (પહેલાં ભારત પ્લાસ્ટિક તરીકે જાણીતી) કંપની આવેલી છે. તથા આ કંપનીનો રસ્તો, સદર આંગણવાડીનાં પ્રાંગણને લાગુથી પસાર થાય છે. કંપનીનો રસ્તો અને આંગણવાડીની ખુલ્લી જમીન વચ્ચે કમ્પાઉન્ડ વોલ ન હોવાથી, કંપનીમાં આવનજાવન કરતી મસમોટી ભારેખમ ટ્રકો આંગણવાડીનાં પ્રાંગણ તેમજ ખુલ્લી જમીન પર અડીંગો જમાવી બેઠા છે.

સુત્રો પાસેથી એવી પણ જાણકારી મળી હતી કે, આંગણવાડીની જમીન પર પાર્ક કરાયેલી ટ્રકો પાસે કોઈ ઈસમ પાર્કિંગ ચાર્જ વસૂલે છે. આ સીલસીલો એક-બે વર્ષથી ચાલી રહ્યો છે. જોકે આ બાબતે સોળસુંબા ગ્રામ પંચાયતનાં એકાદ હોદ્દેદારની પણ ભાગીદારી હોવાનું જાણવાં મળ્યું હતું.

એક વાલીએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, નાનાં બાળકો આંગણવાડી કેન્દ્રમાંથી અચાનક દોડી આવતાં હોવાથી ટ્રકોમાં કચડાઈ જવાનો ડર લાગે છે. વળી, આંગણવાડીનો મુખ્ય ગેટ લોખંડની ગ્રીલ વાળો હોવાથી, ત્યાં ફરતાં સાંપો અંદર ઘુસવાની શક્યતા વધું છે. મકાનની બારી તથા બાથરૂમ – સંડાસનાં દરવાજા પણ ખખડધજ હાલતમાં જોવાં મળે છે. વલસાડ જીલ્લા વહીવટી તંત્ર આ આંગણવાડી કેન્દ્રની જોખમી બનેલ સમસ્યાને તાકીદે ઉકેલવા ઘટતું કરે એવી અનેક રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ, અગણવાડીની સમસ્યાનો ઉકેલ અને વાલીઓના ડરનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *