Tuesday, December 3News That Matters

વાપી ભાજપ તાલુકા સંગઠનના ઉપપ્રમુખની સરા જાહેર ગોળી મારી હત્યા કરી હત્યારા ફરાર

વાપી તાલુકાના રાતા-કોચરવા ગામ રોડ પર આવેલ શિવમંદિરે પત્ની સાથે દર્શન કરવા ગયેલ વાપી તાલુકા ભાજપ સંગઠન ના ઉપપ્રમુખ એવા શૈલેષ પટેલ પર બાઇક પર આવેલ અજાણ્યા શખ્સોએ 3 રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા નિપજાવતા ભાજપ કાર્યકરોમાં ચકચાર મચી ગઇ છે.


વાપી તાલુકા ભાજપ સંગઠનમાં ઉપપ્રમુખ નો હોદ્દો સાંભળતા શૈલેષ પટેલ પર સોમવારે સવારે 4 જેટલા અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ કર્યું છે. આ ઘટનામાં શૈલેષ પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. હાલ આ ઘટનાને લઈ પોલીસે હત્યારાઓને ઝડપી લેવા નાકાબંધી કરી તપાસ હાથ ધરી છે.


વલસાડ જિલ્લાના વાપી તાલુકાના રાતા-કોચરવા ગામ રોડ પર આવેલ શિવમંદિર સામે ફાયરિંગની ઘટના બનતા પંથકમાં ચકચાર મચી ગઇ છે. ધોળે દિવસે 2 બાઇક પર આવેલ 4 જેટલા ઈસમોએ મંદિર બહાર સ્કોર્પિયો કાર માં બેસેલ ભાજપના અગ્રણી શૈલેષ પટેલ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં 3 જેટલી ગોળી શૈલેષ પટેલને વાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ફાયરિંગની ઘટનાને લઈ આસપાસના લોકોમાં દોડધામ મચી હતી. ગોળી વાગવાથી મોતને ભેટેલ શૈલેષ પટેલ વાપી તાલુકા ભાજપ સંગઠનમાં ઉપપ્રમુખ નો હોદ્દો ધરાવતા હોય અને તેની અજાણ્યા હત્યારાઓએ હત્યા કરી હોય પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. જ્યારે શૈલેષ પટેલ પર ફાયરિંગ થયું હોવાની જાણકારી મળતા ભાજપના મોવડીઓ પણ તેમના પરિવારને સાંત્વના પાઠવવા પહોંચ્યા હતાં.


આ ફાયરિંગની ઘટના અંગે વાપી ડિવિઝનના DYSP બી. એન. દવે સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે વિગતો આપી હતી કે, વહેલી સવારે સવા સાત વાગ્યા આસપાસ શૈલેષ પટેલ નામના વ્યક્તિ તેમની પત્ની સાથે રાતા-કોચરવા રોડ પર આવેલ શિવમંદિરે દર્શન કરવા આવ્યા હતાં. ત્યારે 2 બાઇક પર આવેલ અજાણ્યા ઈસમોએ તેના પર ફાયરિંગ કર્યું છે. જેમાં શૈલેષ પટેલનું નિધન થયું છે. હાલ પોલીસે તમામ મુખ્ય માર્ગ પર નાકાબંધી કરી હત્યારાઓને દબોચી લેવા વિવિધ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે.


શૈલેષ પટેલ પર ફાયરિંગ થયા બાદ તેનું નિધન થયું છે તેવી જાણકારી મળતા વાપી તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ સુરેશ પટેલ સહિતના ભાજપના અગ્રણીઓ પણ તેમના પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતાં. ઘટના અંગે તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ સુરેશ પટેલે શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, શૈલેષ પટેલ ભાજપ તાલુકા સંગઠનના ઉપપ્રમુખ હતાં. વહેલી સવારે પત્ની સાથે શિવ મંદિરે દર્શન કરવા ગયા હતાં. ત્યારે પત્નીને મંદિરમાં દર્શન કરી આવવાનું કહી તેઓ કારમાં જ બેસી રહ્યા હતાં. અને પત્ની પરત આવે તેની રાહ જોતા હતા ત્યારે અચાનક 2 બાઇક પર આવેલ 4 જેટલા અજાણ્યા હુમલાખોરોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. જેમાં તેમનું નિધન થયું છે.


ભાજપ અગ્રણી પર ફાયરિંગ થતા તેને તાત્કાલિક વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતાં. જ્યાં હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત ઘોષિત કર્યા હતાં. ઘટના બાદ શૈલેષ પટેલના પરિવારજનોમાં અને ભાજપના કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ ના માર્ગદર્શનમાં વાપી તાલુકા ભાજપ સંગઠનમાં કામ કરતા શૈલેષ પટેલ પર ફાયરિંગ કરી હત્યા નિપજાવતા આ ઘટનામાં હત્યારાઓને વહેલી તકે ઝડપી લેવા શૈલેષ પટેલના પરિવારજનોએ માંગ કરી છે. અને નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ હોસ્પિટલ ખાતે મળવા આવશે તે બાદ જ મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવશે તેવી નિર્ણય કર્યો હોવાની વિગતો સૂત્રો પાસેથી મળી છે.


ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં મૃતક શૈલેષ પટેલના પરિવારજનોએ કોચરવા ગામના શરદ ઉર્ફે સદીયા નામના ઇસમ સાથે જૂની અંગત અદાવત હોય એ અદાવતમાં તેમના જ ઈશારે ફાયરિંગ કરી હત્યા કરી હોવાના આક્ષેપ કર્યા છે. પરિવારજનોએ આક્રોશ ઠાલવ્યો હતો કે, ગોળીબાર ની ઘટના બાદ તરત જ શકમંદ એવા સદીયા ને ઘરે પોલીસ પ્રોટેક્શન ફાળવવામાં આવ્યું છે. શૈલેષ પટેલ ભાજપના કાર્યકર હતા. તેમની સાથે જ આવી ઘટના બની છે. તેને ન્યાય નહિ મળે ત્યાં સુધી મૃતદેહને સ્વીકારશે નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *