Friday, October 18News That Matters

છીરીની મહિલાના હત્યારાઓ પશ્ચિમ બંગાળથી અપહરણ કરી લાવેલ યુવતી પાસે દેહવ્યાપાર કરાવતા હતાં. દેહવ્યાપારમાં ફસાયેલા યુવતીને પોલીસે છોડાવી

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના છીરી ગામે બંગાળી મહિલાની હત્યામાં સંડોવાયેલા 2 હત્યારાઓને પોલીસે ઝડપી પડ્યા છે. આ હત્યારાઓએ પશ્ચિમ બંગાળથી એક યુવતીનું અપહરણ કર્યું હોવાનું અને તે યુવતી પાસે વાપી, દમણ, સેલવાસમાં દેહવ્યાપાર કરાવતા હોવાની વિગતો મળતા પોલીસે યુવતીને છોડાવી વતન પશ્ચિમ બંગાળ રવાના કરી છે.

વાપી તાલુકાના છીરી ગામે પૈસા મેળવવાની લાલચે એક બંગાળી યુવતીની હત્યા કરનાર આરોપી દેહવ્યાપારના ધંધા સાથે સંકળાયેલા હોવાનું અને એક યુવતીને પશ્ચિમ બંગાળથી લાવી તેની પાસે દેહ વ્યાપાર કરાવતા હોવાની ચોંકાવનારી વિગતો વલસાડ પોલીસે આપી છે.

ગત 18મી એપ્રિલે વાપી નજીકના છીરી ગામના રણછોડનગરમાં આવેલ ગાયત્રી કોમ્પલેક્ષના બીજા માળે રહેતી બિલ્કીસ પરવીન રાજુ મંડલ પોતાના ઘરે એકલી હતી. તે દરમ્યાન ગળે ટુંપો આપી હત્યા કરી હત્યારા ફરાર થયા હતાં. જેને SOG ની ટીમે ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. જો કે આ હત્યારાઓની વધુ પૂછપરછ કરતા તેઓ દેહવ્યાપારના ધંધા સાથે સંકળાયેલા હોવાની અને તે માટે પશ્ચિમ બંગાળથી એક યુવતીને લલચાવી ફોસલાવો અપહરણ કરી વાપી લાવી તેની પાસે દેહ વ્યાપાર કરાવતા હોવાની ચોંકાવનારી વિગતો વાપી ડિવિઝનના DYSP બી. એન. દવે એ આપી હતી.

DYSP બી. દવેએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓની વિશેષ પુછપરછ દરમ્યાન આરોપી બહાઉદ્દીન ઉર્ફે રાજુએ વેસ્ટ બંગાલ વર્ધમાન જીલ્લા ખાતેથી એક 20 વર્ષની સ્ત્રી નું અપહરણ કરી ગુજરાત ખાતે લાવી દેહવ્યાપારનો ધંધો કરાવતા હોવાનું કબુલ્યું હતું. બાબતે ખાતરી કરતા વેસ્ટ બંગાલ રાજ્ય વર્ધમાન જીલ્લાના કાલના પોલીસ સ્ટેશનમાં આ અંગે અપહરણનો ગુનો રજીસ્ટર થયો હોવાનું જાણવા મળ્યું હતું. જે આધારે અપહરણ થયેલ સ્ત્રીને આરોપીની ચુંગાલમાંથી અને દેહ વ્યાપારના ધંધામાંથી મુકત કરાવી મહત્વની કામગીરી કરેલ છે. અપહ્યત સ્ત્રીને આરોપીઓ વર્ધમાન જીલ્લાથી વાપી ખાતે લાવી હત્યાના સહ આરોપી સમીર ઉર્ફે અમીત મંડલના ઘરે રાખવામાં આવી હતી. જેને દેહવ્યાપાર માટે સુરત, દમણ, સેલવાસ ખાતે મોકલતા હતા.

આમ, પશ્ચિમ બંગાળથી અપહરણ કરી દેહ – વ્યપારની પ્રવૃતીમાં ધકેલાયેલ સ્ત્રીને આરોપીની ચુંગાલમાથી છોડાવવામાં વલસાડ જીલ્લા પોલીસને મહત્વની સફળતા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *