વલસાડ જિલ્લામાં ત્રણેક મહિના પહેલા અતુલ નજીક રેલવે ટ્રેક પર સિમેન્ટનો થાંભલો મૂકી ટ્રેનને પાટા પરથી ઉતારવાની ગંભીર ઘટના બાદ ઉમરગામ નજીક રેલવે ટ્રેક પર પથ્થર મૂકી ફરી ટ્રેન ને ઉથલાવવવાની ઘટનાનું પુનરાવર્તન થતા પોલીસે અને રેલવે વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ રેલવે સ્ટેશન નજીક બુધવારે કોઇ ઇસમે રેલવેના પાટા ઉપર પથ્થર મૂકી દેતા ત્યાંથી પસાર થતી બાન્દ્રા-વાપી પેસેન્જર ટ્રેન સાથે અકસ્માત થયો હતો. જેમાં એન્જીનનું કેટલ ગાર્ડ તૂટી જતા બનાવ અંગે લોકો પાયલોટે રેલવે સ્ટેશનને જાણ કરી હતી. બનાવ અંગે અજાણ્યા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ હતી.
ઘટના અંગે વાપી રેલવે સ્ટેશને આરપીએફમાં ફરજ બજાવતા રાકેશકુમાર શર્માએ બુધવારે વાપી રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, બાન્દ્રા-વાપી પેસેન્જર ટ્રેનના એન્જીન સાથે ઉમરગામ રેલવે સ્ટેશનથી મુંબઇ તરફ જતા ટ્રેક પર એક પથ્થર ટકરાયેલ છે. જેથી તેમની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી. જ્યાં જોતા ઉત્તર દિશાએ ડાઉન લાઇન ઉપર પશ્ચિમ તરફના પાટા ઉપર તાજા સ્ક્રેચના નિશાન જોવા મળ્યા હતા.
સ્થળ ઉપર હાજર ઉમરગામના સ્ટેશન માસ્ટરે જણાવેલ કે, બાન્દ્રા વાપી પેસેન્જર ટ્રેનના લોકો પાયલોટ આર.સી.મીણાએ વીએચએફ સેટથી જાણ કરી કોઇ અજાણ્યા ઇસમે ટ્રેનના પાટા ઉપર પથ્થર રાખી દેતા ટ્રેનના એન્જીન સાથે ટકરાયેલ અને એન્જીનનું કેટલ ગાર્ડ તૂટી જતા નુકસાન થયું છે. જોકે તેમાં મુસાફરી કરતા કોઇ પેસેન્જરને કોઇ નુકસાન થયેલ નથી. કોઇ અજાણ્યા ઇસમે રેલવે સંપતિને નુકસાન કરવા માટે તેમજ ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોની શારીરિક સલામતી જોખમમાં મુકવાનું બેદરકારી ભર્યું ગેરકાયદેસર કૃત્ય કરવા બદલ તેની સામે આઇપીસી કલમ 336 તથા રેલવે અધિનિયમ કલમ 152 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં 3 મહિનામાં આ બીજો બનાવ છે. ફેબ્રુઆરી માસ માં વલસાડ ના અતુલ નજીક પણ આજ પ્રકારે રેલવે ટ્રેક પર સિમેન્ટ નો થાંભલો મૂકી દેવાની ઘટના સામે આવી હતી. રેલવે ટ્રેકના પાટા પર પથ્થર મૂકી ટ્રેનને ઉથલાવવાના આ પ્રયાસની ઘટના બાદ રેલવેના અધિકારોઓ તેમજ વલસાડ જિલ્લા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. ઘટનાને ગંભીર ગણી વલસાડ જિલ્લા પોલીસ ની અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરાઈ છે. જિલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન હેઠળ ખાનગી રાહે પણ પોલીસ ઘટના અંગે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે.