Saturday, February 1News That Matters

તોડબાજ પત્રકાર ગેંગે એક તબીબને મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટની ઓફિસે બોલાવી 12 લોકોના નામે 1.80 લાખ પડાવ્યા…!

વલસાડ જિલ્લા સહિત ગુજરાત ભરમાં તોડબાજીના નામે ચર્ચાની એરણે ચડેલા તોડબાજ પત્રકાર ગેંગ સામે વાપી ટાઉનમાં વધુ એક ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદ એક તબીબે કરી છે. જેની પાસેથી આ તોડબાજ ગેંગમાં સામેલ લક્ષ્યવેધ પેપર, યૂટ્યૂબ ચેનલના ક્રિષ્ના ઝા, ડેર ટૂ શેયર ન્યૂઝપેપર, પબ્લિક વોઇસ યુટ્યુબ ચેનલની સંધ્યા ઉર્ફે સોનિયા ચૌહાણ અને નગર હવેલી ન્યૂઝ યૂટ્યૂબ ચેનલની સેમ શર્માએ ફોર્ચ્યુનર કારની ડિમાન્ડ કર્યા બાદ 5 લાખની ડિમાન્ડ કરી છેવટે 1.80 લાખ પડાવ્યા છે.

વાપી ટાઉન પોલીસ મથકમાં વાપી, દમણ, સેલવાસમાં અનેકવાર તોડબાજીમાં ચર્ચાતા રહેલા કથિત પત્રકાર ત્રિપુટી સામે એક સ્પા સંચાલકે 5 લાખની ખંડણીની ફરિયાદ નોંધાવી છે. જેમાં હવે વધુ એક ફરિયાદ નોંધાતા વાપી સહિત વલસાડ જિલ્લાના પત્રકાર જગતમાં ખળભળાટ મચી ગયો છે. વલસાડ જિલ્લાના વાપી ટાઉનમાં તોડબાજ પત્રકાર ગેંગ સામે IPC કલમ 386, 504, 506 (2), 114 મુજબ આ બીજી ફરિયાદ નોંધાય છે. જે ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આ પત્રકાર ત્રિપુટીએ તેમને ડરાવી ધમકાવી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી 1,80,000 જેટલી મતભર રકમ કઢાવી લઈ ગુનો કર્યો છે.

આ ઘટના અંગે વધુ વિગત જોઈએ તો, વાપી ટાઉન પોલીસ મથકમાં એક તબીબે ફરિયાદ નોંધાવી છે કે થોડા દિવસ પહેલા એ ગામ ગયા હતા. ત્યારે તેમની ક્લિનિકમાં વાપી, દમણ, સેલવાસમાં અનેકવાર તોડબાજીમાં ચર્ચાતા રહેલા  લક્ષ્યવેધ પેપર, યૂટ્યૂબ ચેનલનો ક્રિષ્ના ઝા, ડેર ટૂ શેયર ન્યૂઝપેપર, પબ્લિક વોઇસ યુટ્યુબ ચેનલની સંધ્યા ઉર્ફે સોનિયા ચૌહાણ અને નગર હવેલી ન્યૂઝ યૂટ્યૂબ ચેનલની સેમ શર્માએ તેમની ક્લિનિક માં વીડિયો શૂટિંગ કર્યું હતું.

જે અંગે ક્લિનિકમાં હાજર યુવકે તેમને ફોન કરી જાણ કરતા તેમણે આ ત્રિપુટી સાથે ફોન પર વાત કરતા સોનિયા ચૌહાણ નામની મહિલાએ તેમની સાથે વાત કરી જણાવ્યું હતું કે, અમે તમારા ક્લિનિકનું સ્ટિંગ ઓપરેશન કર્યું છે. તેને સોશ્યલ મીડિયામાં વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી. જે બાદ આ ત્રિપુટીએ તેને વાપીમાં ચાર રસ્તા નજીક આવેલ સિલ્વર પોઇન્ટ એપાર્ટમેન્ટમાં તેઓની મીડિયા ચેરીટેબલ ટ્રસ્ટ વાપીની ઓફિસે સમાધાન કરવા 5 લાખ રૂપિયા લઈને આવવા જણાવેલ.

તબીબ તેમને મળવા તેઓની ઓફિસે ગયા હતાં. જ્યાં સોનિયા ચૌહાણ, સેમ શર્મા અને ક્રિષ્ના ઝા એ જણાવેલ કે તારા દવાખાનામાં બધું ગેરકાયદેસર ચાલે છે. તમે બોગસ દવાઓ અને એક્સપાયર થયેલ દવાઓ દર્દીઓને આપો છો. તેમ કહી ડરાવેલ. ત્યારે ક્રિષ્ના જાયે તેને ફોર્ચ્યુનર ગાડી આપી દે તો અમો તને બદનામ નહીં કરી અને માફ કરીશું તેવું જણાવેલ.

જો કે, આ ગાડી ખરીદવાની ગજા બહારની વાત હોવાનું જણાવી તબીબે આજીજી કરી હતી. આખરે ત્રિપુટીએ પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. તબીબે પોતાની પાસે 10 હજાર જ હોવાનું જણાવતા સોનિયા ચૌહાણે કહેલ કે અમે કુલ 12 માણસો છીએ એટલામાં અમારું શું થશે? તેમજ ઉશ્કેરાઈને ત્રણે જણાએ તબીબ પર પ્રેશર લાવી ધમકી આપી હતી કે તું પૈસા નહીં આપે તો તને જાનથી મારી નાખીશું. તારું જીવવું હરામ કરી નાખીશું. આખરે ક્રિષ્ના ઝા એ 1,80,000 રૂપિયા આપવાનું કહ્યું હતું.

જેની વ્યવસ્થા કરવા માટે ફરિયાદીએ તેમના મિત્રને જણાવ્યું અને તેમની પાસેથી ₹ 1,70,000ની વ્યવસ્થા કરી પોતાની પાસે રહેલા 10,000 રૂપિયા ઉમેરી કુલ 1.80 લાખ રૂપિયા ક્રિષ્ના ઝા ને આપ્યા હતા. જે વખતે બદનામીના ડરને કારણે તબીબે પોલીસ ફરિયાદ કરેલ ન હતી. પરંતુ સીધા માણસોને હેરાન પરેશાન કરી બળ જબરીથી પૈસા કઢાવતી આ ત્રિપુટી વિરુદ્ધ વાપી ટાઉન પોલીસ મથકમાં કેસ નોંધાયેલ હોવાની વાત જાણતા તેમણે પણ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે, લોકોને વિડિઓ શૂટિંગના નામે, સ્પા સંચાલકો ને કોન્ડોમ મૂકી ખોટા સાક્ષી ઉભા કરી ફસાવી દેવાના નામે ધમકી આપી પૈસા પડાવતી આ ગેંગના કારનામાએ વલસાડ જિલ્લામાં ખળભળાટ મચાવ્યો છે. તો, સુત્રોનું માનીએ તો આ ત્રિપુટીએ આવી રીતે અન્ય ઘણા લોકો પાસેથી પૈસા પડાવ્યા છે. તેઓએ પણ આ તબીબની જેમ નીડર બની આગળ આવવું જોઈએ. આ તોડબાજ પત્રકાર ગેંગ સામે ફરિયાદ નોંધાવી કાયદાનો દંડો ઉગામવામાં પોલીસને મદદરૂપ થાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *