Friday, January 31News That Matters

વાપી GIDC ના ઉદ્યોગ સંચાલકો ગંદુ પાણી ગટરમાં ઠાલવી ને જ રહ્યા…..! GPCB-VIA ના આદેશ VIA સુધી જ રહ્યા…?

વાપી GIDC માં પડેલા ભારે વરસાદનો લાભ લેવા કોઈપણ પ્રકારના આદેશનું પાલન નહિ કરવાની ફિતરત ધરાવતા GIDC ના ઉદ્યોગકારો આખરે GPCB અને VIA ના આદેશ અને અપીલને અવગણી પોતાનું ધાર્યું કરીને જ રહ્યા છે. આ નફ્ફટ ઉદ્યોગકારો માટે ગમે તેટલા કાયદા બનાવો, ગમે તેટલા દંડ ફટકારો પણ વરસાદી માહોલમાં વાપી GIDC ના બદનામ ઉદ્યોગો તેમનું પાપ છોડીને જ રહેતા હોય છે. આ પ્રતીતિ ફરી એકવાર 19 અને 20મી જુલાઈએ થઈ છે. આ દિવસે વાપીમાં વરસતા ભારે વરસાદના પાણી સાથે ઉદ્યોગોનું બ્લ્યુ, સોનેરી, પીળું, કાળા કલરનું પાણી ઠેકઠેકાણે રસ્તા પરથી ગટરમાં વહેતુ કેમેરામાં કેદ થયું હતું.

વાપી GIDC માં આવેલ 2nd Phase માં પ્લોટ નંબર 258 પર સ્થિત Amrit Dye Chem Industries નામના એકમ સામેના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી સાથે બ્લુ કલરનું પાણી ગટરમાં ઠલવાતું જોવા મળ્યું હતું. આ પાણી કદાચ આ કંપનીનું જ હોવાનું ફલિત થતું હતું કેમ કે તેની આસપાસ બીજી એવી કોઈ કંપની નહિ હોવા છતાં બ્લુ કલરનું પાણી જોવા મળ્યું હતું.

એ જ પ્રકારે 3rd phase માં આવેલ Sona Synthetics Products નામના એકમના ગેટ સામે સોનેરી કલરના ડાઘ જોવા મળ્યા હતાં. Lead Chrome pigment અને Zinc Chrome Pigment પ્રોડક્ટ બનાવતી આ કંપનીના ગેટ આગળ અને મુખ્ય માર્ગ પણ વરસાદી પાણી સાથે સોનેરી કલરનું પાણી ગટરમાં વહેતુ હતું. જો કે વરસાદી પાણીનો લાભ એ ઉપરાંત અન્ય કંપનીઓના સંચાલકોએ પણ ઉઠાવી લીધો હતો.

વાપી GIDC ના 2nd phase અને 3rd phase ના તમામ મુખ્ય માર્ગોની ગટરો નજીક આવુ કલરયુક્ત અને કેમિકલયુક્ત પાણી જોવા મળ્યું હતું. સ્ટ્રોમ વોટર ડ્રેઇન નજીક કલરયુક્ત પાણી રાત્રી દરમ્યાન વરસેલા વરસાદમાં ઠાલવ્યું હોઈ શકે છે. સુત્રોનું માનીએ તો, સરના કેમિકલ વાળા મુખ્ય માર્ગ પર, વાઈટલ-યશો કંપનીના મુખ્ય માર્ગ પર તેમજ અન્ય તમામ મુખ્ય માર્ગો પર અલગ અલગ કલરનું કેમિકલયુક્ત પાણી ગટરમાં જતું જોવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વરસાદી સિઝનમાં વાપી GIDC ના અનેક એકમો તેમનું નકામું પાણી વરસાદી પાણી સાથે મિક્સ કરી તેનો નિકાલ કરી નાખે છે. આ પ્રકારની ચેષ્ટા આ વર્ષે કોઈ ઉદ્યોગકારો કરે નહિ તે માટે GPCB એ VIA સાથે મળી ઉદ્યોગકારો ને તાકીદ કરી હતી. પરંતુ હમ નહિ સુધરેંગેની નીતિમાં માનનારા ઉદ્યોગકારો તે આદેશને ઘોળીને પી ગયા છે.

મોટાભાગના ઉદ્યોગકારોએ તેમના ઉદ્યોગોનું નકામું પાણી ગટરમાં છોડવામાં કોઈ જ કસર છોડી નથી. હવે જોવું રહ્યું કે VIA અને GPCB ના આદેશનું પાલન નહિ કરનારા આ ઉદ્યોગકારો સામે તપાસ કરી પેનલ્ટી લગાવે છે કે આડકતરી રીતે ફરી વરસાદનો લાભ લેવા સૂચક મૌન જાળવે છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *