સંઘપ્રદેશ દાનહ દમણ અને દીવમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રદેશના પ્રશાસક દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. 9 ઓગસ્ટથી 15 મી ઓગષ્ટ સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત આજરોજ નાની દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ માં પ્રશાસન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ડાન્સ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આજના આ ખાસ પ્રસંગે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે તમામ લોકોને દેશદાઝ અને ખેલદિલીથી દેશના રાષ્ટ્રધ્વજ ને સન્માન સાથે પોતાના ઘરો અને અન્ય એકમો પર લહેરાવી આઝાદી અપાવનારા શહીદોને સાચા દિલથી શ્રદ્ધાંજલિ આપવા અને દેશ માટે જીવવા અને મરવાની ભાવના દરેક લોકોમાં ઉત્પન્ન થાય એવી પ્રેરણા પોતાના વક્તવ્ય થકી પૂરી પાડી હતી.આજના આ ખાસ પ્રસંગે સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓ ની સાથે નિવૃત્ત થયેલા ફોજીઓ ને નિઃશુલ્ક તિરંગા નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે 9 ઓગસ્ટથી 15 મી ઓગષ્ટ સુધી પ્રશાસન દ્વારા તિરંગા યાત્રા, તિરંગા રેલી, મેરેથોન તથા અન્ય દેશભક્તિ ભર્યા કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. સાથે પ્રદેશના લોકોને નિઃશુલ્ક તિરંગો પણ આપવામાં આવશે. જેને ઘરો, દુકાનો, સંસ્થાનો, ઉદ્યોગો, હોટલ તથા અન્ય એકમો પર લહેરાવી તેની એક સેલ્ફી લઇ તિરંગા ડોટ કોમ પર અપલોડ કરવાનું રહેશે. સાથે તિરંગો લહેરાવ્યા બાદ તેના જરૂરી નિયમોનું પાલન કરી સન્માન સાથે પાછો ઉતારી તેને આવતા વર્ષે ફરી લહેરાવી શકાય તે રીતે સાચવી ને રાખવાનો રહશે એવી સમજણ પણ આપવામાં આવી હતી.
આયોજિત કાર્યક્રમમા મોટી સંખ્યામાં સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓ, અધિકારીગણ, જનપ્રતિનિધિઓ, નેતાગણ, ઉધોગપતિઓ, ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ ઓડિટોરિયમ ની બહાર તિરંગા ને લગતા સ્ટોલનું પણ પ્રશાસકની સાથે ઉપસ્થિત રહેલા અધિકારીઓ અને મહાનુભાવો એ નિરીક્ષણ કર્યું હતું. ત્યારે 9 થી 15 ઓગષ્ટ સુધી ચાલનારા આ અભિયાનમાં દાનહ દમણ દીવના તમામ લોકો આ દેશભક્તિ કાર્યમાં પોતાનો સહયોગ આપે તેવી પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે.