વાપીમાં 10 કરોડના ઉઘરાણા પ્રકરણ બાદ ધણી ધોરી વગરના બનેલા વાપીના વિવાદાસ્પદ એવા CETP પ્લાન્ટમાંથી વરસાદી પાણીની આડમાં ઉદ્યોગોનું ફિલ્ટર કર્યા વગરનું કેમિકલયુક્ત પાણી દમણગંગા નદીમાં છોડી દેવાયું હોવાની રાવ સ્થાનિક ચંડોર ગામના સરપંચે અને ગામલોકોએ GPCB ને કરતા GPCB ની ટીમે સોમવારે CETP અને તેના આઉટ ફ્લો એવા દમણગંગા નદીના પટમાંથી પાણીના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે કેમિકલ યુક્ત પાણી નદીમાં છોડી દેવાના કારણે આસપાસના ગામલોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.
રવિવારે દમણગંગા નદીમાં ચંડોર ગામ અને વાપીના ગણેશ ભક્તો ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા દમણગંગા નદી પર ગયા હતાં. ત્યારે, નદીમાં મોટાપાયે કલરવાળું પાણી જોવા મળ્યું હતું. જે અંગે તપાસ કરતા આ પાણી વાપીના ઉદ્યોગો માટે બનાવેલ CETP ના નાળામાંથી નદીમાં આવતું હોવાનું ધ્યાને આવ્યું હતું. વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે આ પાણી CETP માં ફિલ્ટર કર્યા વિના જ ઉદ્યોગોમાંથી આવેલું કેમિકલયુક્ત પાણી હતું. જેને ફિલ્ટર કર્યા વિના બારોબર સીધું જ વરસાદી પાણીની આડમાં નદીમાં છોડવામાં આવ્યું હતું.
કેમિકલ યુક્ત ફિલ્ટર કર્યા વગરનું પાણી દમણગંગા નદીમાં વહેતુ હોય રોષે ભરાયેલ ગામલોકો અને ચંડોર ગામના સરપંચ રણજિત પટેલે GPCBમાં ટેલિફોનિક જાણ કરી હતી. જે બાદ સોમવારે GPCB ની એક ટીમ CETP માં અને દમણગંગા નદીના પટમાં તપાસ અર્થે આવી પાણીના સેમ્પલ કલેક્ટ કર્યા હતાં. GPCB ના અધિકારી સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલ એક ટીમને મોકલી તપાસ હાથ ધરી છે. તેમજ પાણીના સેમ્પલ કલેક્ટ કર્યા છે. જેનો રિપોર્ટ તૈયાર કરી તે બાદ કાર્યવાહી કરવામાં આવશે.
જ્યારે ગામના સરપંચ રણજિત પટેલે આક્ષેપો કર્યા હતાં કે, વાપી GIDC માં આવેલ કેમિકલ કંપનીઓમાંથી કેમિકલ વેસ્ટ અને કેમિકલયુક્ત પાણી ફિલ્ટર કરવા માટે CETP માંં આવે છે તે પ્લાન્ટમાંથી વરસતા વરસાદ સાથે એકાએક CETP પ્લાન્ટની દિવાલમાંથી બે જેટલા સિમેન્ટના મોટા ચાર ફુટના નાળામાંથી ફિલ્ટર કર્યા વગરનું કલરયુક્ત ગંદુ પાણી વરસાદી પાણી સાથે દમણગંગા નદીમાં ચંડોર ગામની હદમાં છોડી દેવામાં આવ્યું છે.
આ અંગે સરપંચ રણજિત પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વાપી જીઆઈડીસીના વિવાદાસ્પદ CETPના પ્લાન્ટમાંથી સતત સમાંતરે ગેરકાયદે કેમિકલયુક્ત ફિલ્ટર કર્યા વગરનું પાણી છોડી દેવામાં આવે છે જેને લઈ વર્ષોથી દમણગંગા નદીમાં કેમિકલયુક્ત પાણી વહી રહ્યું છે. જેમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા પણ વરસાદનો લાભ લઇ આવું જ કેમિકલયુક્ત પાણી છોડી દેતા નદીમાં મોટી સંખ્યામાં માછલીઓ મરી ગઈ હતી. આ કેમિકલયુક્ત પાણીને કારણે ગામલોકો માટેનું પીવાનું શુદ્ધ પાણી દૂષિત થયું છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ વાપીના 120 જેટલા ઉદ્યોગોએ પોતાના CETP પ્લાન્ટમાં મોકલતા કેમિકલયુક્ત પાણીમાં વધારો કરવા વિસ્તરણના નામે 10 કરોડ રૂપિયા ઉઘરાવી GPCB ના અધિકારીને આપ્યા હોવાના મામલે VGEL ના ડાયરેક્ટરો સામે તપાસ ની પસ્તાળ પડી છે. ત્યારે એ પ્રકરણ શાંત પડે તે પહેલાં જ CETP ના આ નવા કારસાએ લોકોમાં રોષનો દાવાનળ ભભૂકતો કર્યો છે. ત્યારે હવે જોવું રહ્યું કે હમ નહિ સુધરેન્ગેની નિતી માં માનતા ઉદ્યોગોકારો અને CETP ના કારભારીઓ સામે GPCB કેવા પગલાં ભરે છે.