સમગ્ર દેશમાં 2 વર્ષ કોરોના કાળ માં વીત્યા બાદ આ વર્ષે ગણેશ ભક્તોએ ગણેશોત્સવ માટેના આયોજન કર્યા છે. બે વર્ષ બાદ આ વર્ષે ગણેશ મહોત્સવ દરમ્યાન ગણેશજીની મનમોહક મૂર્તિઓની ડિમાન્ડ વધી છે. તો, સાથે સાથે ગણેશ ભક્તોએ માટીની અને કુદરતી કલરમાં તૈયાર થતી મૂર્તિ ખરીદવાનું વધુ પસંદ કર્યું છે. જેઓ માટે વાપીના મૂર્તિકાર વિલાસ શિંદે અને તેમનો પરિવાર 38 વર્ષથી શાડું માટીની મૂર્તિ બનાવી તેનું જ વેંચાણ કરે છે.
શહેરના અનેક સ્થળો પર રોશનીના જગમગાટવાળા સાર્વજનિક ગણેશોત્સવના પંડાલ તૈયાર કરવાની તડામાર તૈયારીઓનો આરંભ થઈ ચુક્યો છે. આ વર્ષે પણ સરકારે માત્ર 4 ફૂટની મૂર્તિઓનું સ્થાપન કરવાની ગાઈડલાઈન બહાર પાડી છે. જેથી મૂર્તિકારોએ પણ 4 ફૂટ સુધીની જ મનમોહક મૂર્તિઓ બનાવી છે. વાપીમાં વસતા વિલાશ શિંદે છેલ્લા 38 વર્ષથી ભાવનગરથી વિશેષ પ્રકારની શાડું માટી લાવી તેમાંથી ગણેશની અલગ અલગ મુદ્રાની મૂર્તિઓ બનાવી કુદરતી કલર નો ઉપયોગ કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપી રહ્યા છે.
વષોથી ગણેશજીની પ્રતિમા બનાવતા વિલાસભાઈ ગણપતિવાલાએ જણાવ્યું હતું કે ગત વર્ષે મૂર્તિની ડિમાન્ડ ઘટી હતી. પરંતુ આ વર્ષે 90 ટકા જેટલું બુકીંગ થયું છે. તેઓ અનેક પ્રકારની મનમોહક મૂર્તિઓ તૈયાર કરે છે. જેમાં એક હાથથી પ્રસાદ ગ્રહણ કરતા અને એક હાથથી આશીર્વાદ આપતા એવા લેતા – દેતાં ગણપતિની મૂર્તિ, લાલધોતી વાળા ગણેશજીની મૂર્તિ, લાલ બાગ કા રાજા સ્ટાઈલની મૂર્તિઓ, વ્હાઇટ ટોન, ક્રીમ ટોન પ્રકારની મૂર્તિઓની ડિમાન્ડ વધી છે. હિન્દુ ધર્મમાં માન્યતા છે કે વિસર્જન સમયે જે મૂર્તિ નો કલર હાથમાં લાગે તે જ પ્રકારની મૂર્તિઓ પૂજનીય મૂર્તિઓ ગણાતી હોય છે. એટલે તેઓ તે પ્રકારના કુદરતી કલરનો ઉપયોગ કરી શાડું માટીમાંથી મૂર્તિઓ બનાવે છે.
આ વર્ષે મોટા પંડાલોમાં મૂર્તિ સ્થાપનની માંગ વધુ જોવા મળી રહી છે. તેમની પાસે સીઝનમાં અંદાજિત 600 જેટલી મૂર્તિઓનું વેચાણ થાય છે. આ વર્ષે પણ તેમણે તેટલી મૂર્તિઓનું વેચાણ થશે તેઓ આશાવાદ સેવ્યો છે. જો કે તેમની પાસે મોટાભાગની તમામ મૂર્તિઓ સાડા ત્રણ ફૂટ સુધીની જ છે. માત્ર બે જ મૂર્તિઓ તેમણે ચાર ફૂટની બનાવી છે. તમામ માટીની મૂર્તિઓ છે. જેનું વિસર્જન કરતી વખતે તે સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય છે. તેથી પ્રદુષણ ફેલાતું નથી.
ઉલ્લેખનીય છે કે વાપીમાં ગણેશ ઉત્સવ દરમ્યાન નાની મોટી 10 હજારથી વધુ મૂર્તિઓનું ગણેશ ભક્તો પોતાના ઘરે , સોસાયટીમાં અને સાર્વજનિક પંડાલમાં સ્થાપન કરે છે. અનંત ચૌદશ સુધી ભક્તિભાવથી તેનું પૂજન અર્ચન કરે છે. તે બાદ વાજતે ગાજતે તેનું વિસર્જન કરે છે.