વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામે 9 મેના રોજ યોજાનારા લગ્નની એક કંકોત્રી સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ મીડિયામાં બ્રેકીંગ ન્યૂઝ બની છે. કેમ કે કંકોત્રીમાં એક વરની સામે બે કન્યાના નામ લખવામાં આવ્યાં છે, જો કે બ્રેકીંગ ન્યૂઝ બનેલી આ લગ્ન પત્રિકા બાદ તેને છપાવનાર પ્રકાશ ગાવિતના ઘરે મીડિયાના ધાડા ઉતર્યા અને હકીકત જાણી ત્યારે, પ્રથમ બ્રેકીંગ ન્યૂઝ ને હવે સ્પેશ્યલ રિપોર્ટમાં તબદીલ કરી વાટેલા ભાંગરાને મુખવાસમાં ખપાવી રહ્યા છે.
વાત જાણે એમ છે કે કપરાડાના નાનાપોંઢાના પ્રકાશ ગાવિતના કુસુમ ગાવિત નામની યુવતી સાથે લગ્ન થયા હતાં. જે લગ્ન બાદ તેમને 2 સંતાનો છે. આ સાથે જ પ્રકાશ બીજી યુવતી નયના ગાંવીતને પણ પોતાના ઘરે પત્ની ની જેમ જ રાખતો હતો. એક રીતે તેની સાથે લગ્ન વગરના પરંતુ પતિપત્ની વચ્ચે જે સંબંધો હોય તે સંબંધો કેળવ્યા હતાં. જેમાં પ્રથમ પત્નીને પ્રકાશ થી કે નયના થી કોઈ મનદુઃખ નહોતું અને નયના ને કુસુમ થી કે પ્રકાશથી કોઈ મનદુઃખ નહોતું. કુસુમ થકી 2 બાળકોના પિતા બનેલો પ્રકાશ નયના થકી પણ 2 બાળકોનો પિતા છે,
ફર્ક એટલો જ હતો કે કુસુમ સાથે તેણે હિન્દૂ રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતાં. જ્યારે નયના સાથે નહોતા કર્યા એટલે નયના ને પણ હિન્દૂ રીતરિવાજ મુજબ પત્નીનો દરરજો આપવાનું નક્કી કર્યું. જેમાં બંન્ને પત્નીની સહમતી લઈ 9મી મેં ના લગ્ન કરવાનું મુહરત નક્કી કર્યું જો કે લગ્ન માં સગાસંબંધીઓ ને પણ આમંત્રણ આપવું પડે અને ધામધૂમથી લગ્ન કરવાના ઇરાદે કંકોત્રી છપાવી જેમાં પ્રથમ પત્નીને ક્યાંય ઓછું ના લાગે એટલે તેનું પણ નામ છપાવ્યું જે પત્રિકા સગાસબંધીઓમાં વંહેચ્યા બાદ કોઈકે સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દીધી અને મીડિયાએ તેને બ્રેકીંગ ન્યૂઝ બનાવી દીધી.
તે બાદ એ જ મીડિયા કર્મીઓએ બ્રેકીંગ ન્યૂઝને એક્સક્લુઝીવ ન્યૂઝમાં ખપાવવા જ્યારે પ્રકાશના ઘરે તેની મુલાકાત લીધી તો સોશ્યલ મીડિયામાં ફરતી કંકોત્રી પર બ્રેકીંગ ન્યૂઝનો ભાંગરો વાટનારા મીડિયાએ સ્પેશ્યલ સ્ટોરીનો મુખવાસ પ્રેક્ષકો સમક્ષ ધરી દીધો.
એક ખાસ નોંધ:- (વલસાડ જિલ્લામાં ધરમપુર-કપરાડા માં એવા પત્રકાર અને સરકારી નોકરિયાત પણ છે જેઓ 2 પત્નીઓ ધરાવે છે. અને સુખી લગ્ન સંસાર ચલાવે છે) નોંધ પુરી!
હકીકતે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં કે ધરમપુર તાલુકા માં જ નહીં પરંતુ ગુજરાત, મહારાષ્ટ્ર, દાદરા નગર હવેલીમાં આદિવાસી સમાજમાં કેટલાક રીતરિવાજો અન્ય પ્રદેશથી અલગ છે. અહીના આદિવાસી સમાજમાં આજે પણ યુવક એકથી વધુ પત્ની રાખી શકે છે. તો, યુવક-યુવતી સગાઈ બાદ તરત જ પોતાની મરજીથી સાથે રહી શકે છે. અને તે દરમ્યાન પતિપત્ની વચ્ચેના તમામ સંબંધો પાળે છે. જેમાં ક્યારેક બાળકો થઈ ગયા બાદ જ્યારે પૈસાની સગવડ થાય ત્યારે રાજીખુશીથી લગ્નગ્રંથિથી જોડાય છે.
પ્રકાશ-કુસુમ-નયના ના કિસ્સામાં પણ આ જ છે. જેમાં પ્રથમ કુસુમ સાથે લગ્ન કર્યા છે. જ્યારે હવે તે નયના ગાવિત નામની યુવતી સાથે લગ્ન કરશે. લગ્નમંડપમાં તે પ્રથમ પત્ની કુસુમ અને તેના બાળકો, તેમજ નયના ના બાળકોની હાજરીમાં નયના સાથે લગ્નમંડપ માં લગ્નગ્રંથિથી જોડાશે. 9મી મેં ના પ્રકાશ અને નયના વિધિવત પ્રભુતામાં પગલાં પાડશે ત્યારે અત્યાર સુધી એક પતિની 2 પત્નીઓ બની જે સંપ અને કુનેહથી રહી તેવી જ રીતે વર્ષો સુધી રહે તેવી પ્રકાશ-કુસુમ-નયનાં ને લગ્ન પહેલા સુખી લગ્નજીવનની હાર્દિક શુભેચ્છા……