Wednesday, January 8News That Matters

વાપીની હરિયા એલ. જી. રોટરી હોસ્પિટલમાં થયું પ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન…! નેપાળની 28 વર્ષીય દીકરીને 57 વર્ષીય પિતાએ કિડની આપી…!

વાપીની હરિયા એલ. જી. રોટરી હોસ્પિટલે સફળતાપૂર્વક તેમનું પ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કર્યું છે. જે અનુસંધાને સોમવારે હોસ્પિટલમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરી આ કિડની ટ્રાન્સપ્લાન્ટ ના ઓપરેશનમાં જોડાયેલ તબીબો અને ટ્રસ્ટના આગેવાનોએ મીડિયાને માહિતી પ્રદાન કરી હતી.

 

આ સફળ ઓપરેશન અંગે હરિયા હોસ્પિટલના તબીબ અને મેડિકલ ડાયરેકટર સુપ્રીટેન્ડન્ટ ડૉ. એસ. એસ. સિંઘે જણાવ્યું હતું કે, મૂળ નેપાળના રહીશ અને વાપીમાં એક કંપનીમાં સિક્યુરિટી તરીકે નોકરી કરતા 57 વર્ષના ધિમંત રોકામગરની 28 વર્ષીય દીકરી આરતી રોકામગર કિડનીની બીમારીથી પીડાતી હતી. તેને દર મહિને ડાયાલીસીસ કરાવવું પડતું હતું. આ દીકરીના પિતા તેને પોતાની એક કિડની આપવા તૈયાર થયા હતાં. જેથી અમે હોસ્પિટલમાં જ તબીબોની નિષ્ણાંત ટીમ દ્વારા સફળ ઓપરેશન કરી હોસ્પિટલને એક અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરાવી છે.

હરિયા હોસ્પિટલમાં આ કિડની ટ્રાન્સપ્લાન્ટ 18મી ડિસેમ્બર, 2024 ના રોજ કરવામાં આવ્યું હતું. જે બાદ દર્દીને છેલ્લા 25 દિવસથી ઓબ્જર્વેશનમાં રાખી છે. આ ઓપરેશનનો તમામ ખર્ચ હરિયા હોસ્પિટલ દ્વારા તેમના નિરામયા ટ્રસ્ટ હેઠળ કરવામાં આવ્યો છે. અને હજુ આગળનો એક વર્ષ સુધીનો જે પણ ખર્ચ થશે તે પણ હરિયા હોસ્પિટલ અને તેનું નિરામયા ટ્રસ્ટ ભોગવશે. સામાન્ય રીતે કિડની ટ્રાન્સપ્લાન્ટ નો ખર્ચ 12 લાખ થી વધુ થતો હોય છે. પરંતુ, હરિયા એલજી રોટરી હોસ્પિટલ નહિ નુકસાન અને નહિ નફાના ધોરણે અન્ય કિડની દર્દીઓના ઓપરેશન પણ કરશે. જે માટે અંદાજીત 7 લાખ સુધીનો ખર્ચ થઈ શકે છે.

હોસ્પિટલ દ્વારા એકપણ રૂપિયો લીધા વિના એક ગરીબ નેપાળી પરિવારની દીકરી આરતી રોકામગરને નવજીવન આપ્યું છે. જે અંગે દીકરી આરતીએ અને તેના પિતા ધિમંત રોકામગરે હોસ્પિટલના તમામ તબીબોનો, હોસ્પિટલના ટ્રસ્ટનો ટ્રસ્ટીઓનો અને ચેરમેન કનુભાઈ દેસાઈ, કલ્યાણ બેનર્જી નો ખુબ ખુબ આભાર માન્યો હતો.

હરિયા એલ. જી. રોટરી હોસ્પિટલની નિષ્ણાત ટીમે આ કિડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન કર્યું છે. જેમાં નેફ્રોલોજીસ્ટ ડૉ. સાગર જેઠવા, યુરોસર્જન ડોક્ટર કેવલાણી, એનેસ્થેટિક ડૉ. સુકેત ગાંધી, ડૉ. કાશીનાથ ઠાકરે, ડૉ. રજનીશ સહિતની સમગ્ર ટીમ અને પિરામિડિકલ સ્ટાફે મહેનતપૂર્વક આ કાર્ય પાર પાડ્યું હતું. જેના સફળ પ્રયાસ બાદ હાલ બન્ને પિતા-પુત્રી સારી રીતે કામ કરી શકે છે.

હરિયા હોસ્પિટલે વલસાડ જિલ્લામાં આ પ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી એક નવું સીમાચિહ્ન સ્થાપ્યું છે. આ સફળતાથી દર્દીઓએ હવે સુરત કે મુંબઈ કે અન્ય શહેરો સુધી લંબાવું નહિ પડે. હરિયા હોસ્પિટલના તબીબોએ આ સફળ ઓપરેશન સાથે સમાજમાં અંગદાન અંગે જાગૃતિ આવે જે પરિવારના કોઈ સ્વજન બ્રેઇનડેડ થાય ત્યારે તેઓ તે સ્વજનના કિડની, આંખ, હૃદય, લીવર સહિત હડકાનું પણ દાન કરે તો તેના થકી અન્ય માનવ જિંદગીને બચાવી શકાય છે. માટે દરેકને અંગદાન અંગે જાગૃતિ કેળવવા પણ અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં વર્ષે દહાડે અંદાજિત 3 લાખથી વધુ લોકોને કિડની, હૃદય, લીવર જેવા અવયવોની જરૂર પડે છે. જેમાં કિડની વાળા દર્દીઓની સંખ્યા જ અંદાજિત બે લાખ છે. પરંતુ તેની સામે માત્ર 5% લોકોને જ કિડની મળી રહે છે. જ્યારે બાકીના દર્દીઓએ ડાયાલિસિસ પર જીવવું પડે છે અને તે જીવન પણ તેમનું ખૂબ જ ટૂંકું હોય છે. જેથી કરીને ઓર્ગન ડોનેટ અંગે લોકોમાં જાગૃતિ વધશે તો તેનો ફાયદો એ તમામ લોકોને થશે જે આવી બીમારીથી પીડાઇ રહ્યા છે. આ પ્રેસ કોન્ફરન્સમાં કલ્યાણ બેનર્જી, અને હોસ્પિટલના તબીબોએ આ પ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે કરેલી મહેનત અને તે માટે ગુજરાત સરકાર, નેપાળ સરકાર પાસે મંજૂરી મેળવવા કરેલા અથાક પ્રયત્નોથી વાકેફ કરાવ્યા હતાં. સાથે જ તબીબોને અન્ય હોસ્પિટલમાં સ્પેશ્યલ ટ્રેનિંગ અપાવી હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *