2જી ઓક્ટોબર 2024ના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 155મી જન્મ જયંતિ હતી. આ નિમિત્તે વાપી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા કાર્યક્રમ સહિત ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી નમન કરવાનો અને ખાદી ખરીદીના કાર્યક્રમ યોજાયા હતાં. જેમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે વાપી નગરપાલિકાના પ્રમુખ, VIA પ્રમુખ સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતાં.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 155મી જન્મ જયંતી નિમિત્તે વાપીમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ અને સફાઈ અભિયાન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ વાપીના ગાંધી સર્કલ ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી નમન કર્યા હતા. જે બાદ ગાંધી ભંડારમાં જઈ ખાદીની ખરીદી કરી હતી. અને જાહેર માર્ગ પર સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. આ સફાઈ અભિયાન માટે તેઓએ જણાવ્યું હતું કે ગાંધીજી સ્વચ્છતાને પ્રાધાન્ય આપતા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્વચ્છતા અભિયાનને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે.દેશમાં હાલ સ્વચ્છતાને લઈને અનેક કાર્યો થઈ ચૂક્યા છે. એ ઉપરાંત હજુ પણ જે કાર્યો બાકી છે તે પણ આવનારા સમયમાં પૂરા થવાના છે.સફાઈ અભિયાન, ખાદી ખરીદી અને ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના આ કાર્યક્રમમાં વાપી નગરપાલિકાના પ્રમુખ પંકજ પટેલ, VIA ના પ્રમુખ સતીશ પટેલ, નોટિફાઇડ ચેરમેન હેમંત પટેલ, ચીફ ઓફિસર કોમલ ધિનૈયા સહિત નગરપાલિકાના નગરસેવકો, ભાજપના હોદ્દેદારો સહિત નગરજનો, શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.