Friday, October 18News That Matters

દુષ્કર્મના ખોટા આરોપમાં 2 વર્ષ જેલવાસ ભોગવી નિર્દોષ છૂટેલા પિતાએ વાપી કોર્ટના પાર્કિંગમાં સુઈ જઇ પરિવારની જે આબરૂ માન સન્માન ગયું તે પાછું મેળવવા જીદ પકડી!

જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા બાળ કલ્યાણ સમિતિ જેવી સંસ્થાઓની અધૂરી તપાસ એક પરિવારને કઈ રીતે બરબાદ કરી શકે છે. સમાજમાં કેટલી બદનામી સહન કરવી પડે છે તેનો એક કિસ્સો વલસાડમાં બન્યો છે. જેમાં પુત્રીએ પિતા પર દુષ્કર્મનો ખોટો આરોપ લગાવ્યા બાદ 2 વર્ષે નિર્દોષ છૂટેલા પિતાએ જવાબ માંગ્યો હતો કે તેની અને તેના પરિવારની જે આબરૂ માન સન્માન ગયું તે કેવી રીતે પાછું આવશે?
વલસાડ જિલ્લામાં સોમવારે દુષ્કર્મના આરોપમાં નિર્દોષ છૂટનાર બલરામ વિશ્વંભર ઝા એ વાપી કોર્ટ પરિસરના પાર્કિંગ એરિયામાં પોલીસની હાજરીમાં જમીન પર સુઈ જીદ પકડી હતી કે તે નિર્દોષ સાબિત થયો છે તે વાત મીડિયા દ્વારા રજૂ કરવામાં નહિ આવે ત્યાં સુધી ઉઠશે નહિ. જો કે તે બાદ મીડિયા સમક્ષ બલરામ વિશ્વંભર ઝા એ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા બાળ કલ્યાણ સમિતિ જેવી સંસ્થાઓની અધૂરી તપાસ એક પરિવારને કઈ રીતે બરબાદ કરી શકે છે. સમાજમાં કેટલી બદનામી સહન કરાવે છે તેની આપવીતી સંભળાવી હતી.
મૂળ ઉત્તરપ્રદેશ ના બનારસ-વારાણસીમાં ઉચ્ચ અભ્યાસ કરી 2003માં વલસાડ જિલ્લામાં પારડીની એક નામાંકિત શાળામાં હિન્દી-સંસ્કૃત શિક્ષક તરીકે જોડાયેલ બલરામ વિશ્વંભર ઝા પર 8 જુલાઈ 2020ના તેમની પુત્રીએ 1098 પર કોલ કરી દુષ્કર્મનો આરોપ મૂક્યો હતો. પિતા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતી હોવાની વાત સામે આવતા 1098 હેલ્પલાઈન હેઠળ કાર્યરત વલસાડ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા બાળ કલ્યાણ સમિતિના સોનલ સોલંકી અને તેમની ટીમે તેમના ઘરે આવી તપાસ હાથ ધરી હતી. તેની સામે મુકેલ આરોપની ખરાઈ કરવાને બદલે પુત્રીની વાત માની સંસ્થાએ પારડી પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. જે બાદ પુત્રીને ધરાસણા મહિલા બાળ ગૃહમાં મોકલી આપી હતી.
આ સમગ્ર મામલે બલરામ સતત પોતે નિર્દોષ હોવાનું કહેતો રહ્યો હોવા છતાં તેમની સાચી હકીકત જાણ્યા વિના પોલીસે પણ માર માર્યો હતો અને તે બાદ તેને કોર્ટ સમક્ષ રજુ કરી નવસારી જેલ હવાલે કરી દીધો હતો. આ તરફ જેલમાં રહીને તેના પર સતત 2 વર્ષ કેસ ચાલ્યો આખરે કોઈ જ પુરાવા ન મળતા તેને નિર્દોષ છોડવામાં આવ્યો હતો.
વાપી કોર્ટમાં નિર્દોષ છૂટ્યા બાદ બલરામે કોર્ટ પાર્કિંગમાં સુઈ જઈ જીદ પકડી હતી કે તેની જે બદનામી થઈ છે. તેને જે ન્યાય મળ્યો છે. તેની આપવીતી મીડિયા સમક્ષ રજુ કરીને જ ઉઠીશ આખરે પોલીસે મીડિયાને બોલાવ્યા ત્યારે તેમની સામે તેણે ભોગવેલી આપવીતી સંભળાવતા ખુદ ભાંગી પડ્યો હતો.  બલરામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પોતાની જ પુત્રી પર દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, તે સમયે પિતા પુત્રીના સંબંધોને લજાવતા આ કિસ્સાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી હતી, બે વર્ષ સુધી શારીરિક અને માનસિક યાતના ભોગવ્યા બાદ નિર્દોષ સાબિત થયો છે. પરંતુ આ 2 વર્ષમાં તેણે અનેક યાતનાઓ સહન કરી છે. તેમનો સુખી સંપન્ન પરિવાર નોંધારો બન્યો છે. પરિવારની બદનામી થઈ છે. ઘરમાં તે એક જ કમાનાર હોય પરિવારે પારડી છોડી વતન જવું પડ્યું છે. તેમની શાળાની બદનામી થઈ છે. તેમની પુત્રીની બદનામી થઈ છે. આ તમામ માનસન્માન તેને કઈ રીતે પાછું મળશે?
બલરામે આક્ષેપ લગાવ્યો હતો કે કાનૂન પર વિશ્વાસ જગાવતી, ચાઈલ્ડ વેલ્ફેર અને મહિલા બાળ કલ્યાણ સમિતિએ સાચું જાણવાની કોશિશ ના કરી અને ઉલ્ટાનું તેમની દીકરીને પિતા વિરુદ્ધ ભડકાવી તેને જેલમાં ધકેલી દીધો, તે સમયે બલરામની દીકરી કહ્યામાં ન હોય ખોટા આક્ષેપ કરી રહી હોવાનું તેણે સંસ્થાની ચેરમેન સોનલ સોલંકી અને મંજુબેનને તેમજ પોલીસને જણાવ્યું પણ કોઈ તેની વાત માનવા તૈયાર નહોતું, તેના પર દુષ્કર્મનો કેસ રજીસ્ટર કરીને જેલમાં ધકેલી દીધો હતો, અને તેના પર દુષ્કર્મનો આક્ષેપ લગાવનાર પુત્રીને ધરાસણા બાળ સુરક્ષા ગૃહમાં મોકલી આપી હતી,
બલરામના જેલ ગયા બાદ 4 મહિના સુધી બલરામની પુત્રીને ધરાસણામાં રાખવામાં આવી હતી, બલરામના પરિવારે ચાઈલ્ડ વેલ્ફેર કમિટી પાસે તેમની પુત્રીનો હવાલો માંગ્યો હતો, પરંતુ ચાઈલ્ડ વેલ્ફેરએ પુત્રીનો જીવ જોખમમાં હોવાનું જણાવીને નનૈયો ભણી દીધો હતો, આ સમય દરમ્યાન સગીર પુત્રીને ઓનલાઇન ક્લાસ અને રહેવા જમવાની બધી સગવડ ચાઈલ્ડ વેલ્ફેર દ્વારા પુરી પાડવામાં આવી હતી, પરંતુ જેમ જેમ કેસ આગળ ચાલ્યો તેમ તેમ મહિલા મંડળની કમિટીને આખો મામલો હાથમાંથી સરકી રહ્યો છે તેમ લાગતા તેમણે આખા કેસમાંથી પાક સાફ નીકળવાના પ્રયાસો શરુ કરી દીધા હતા, અને એક સમયે જે સગીર પુત્રીને પિતા વિરૃદ્ધ ભડકાવીને આખા પરિવારને જ બરબાદ કરી નાખવા પર ઉતારું થયેલી મહિલા સુરક્ષાની ટીમે એ જ બલરામની પુત્રીને તેના હાલ પર છોડી મૂકી, ચાઈલ્ડ વેલ્ફેરની આ નિર્લજ્જ કામગીરીને પગલે એક જુઠા કેસમાં પિતા જેલમાં સબડી રહ્યો હતો અને પુત્રીનું જીવન બરબાદ થઇ રહ્યું હતું,
બલરામના જણાવ્યા અનુસાર જેલના કેદીઓ અખબારમાં એ સમાચાર અન્ય કેદીઓને બતાવીને તેની મજાક ઉડાવતા હતા, લગાતાર બે વર્ષ સુધી જેલમાં અને જેલની બહાર બેઇજ્જતી અને લાંછનનો ભોગ બનવું પડ્યું હતું, ચાઈલ્ડ વેલ્ફેર પાસે બલરામ વિરૃદ્ધ દુષ્કર્મ સાબિત કરી શકે તેવું એક પણ સાક્ષ્ય કે સાબિતી કે પુરાવો હતો જ નહિ, એટલે
બે વર્ષ બાદ કોર્ટે બલરામને નિર્દોષ છોડ્યો છે, પરંતુ તેને એ વાતનું દુઃખ છે કે જે કૃત્ય તેણે નથી કર્યું તેના માટે તેણે બે વર્ષ સુધી જિલ્લત સહેવી પડી, તો હવે જો તે નિર્દોષ સાબિત થયો તો તેણે જે બે વર્ષ સુધી ભોગવ્યું અને ગુમાવ્યું તેના માટે જે લોકો જવાબદાર છે તેમને ક્યારે સજા મળશે,
બલરામના જણાવ્યા મુજબ તેની સાથે જે થયું તે થયું પણ જાહેર જનતા સુધી એ વાત પંહોચવી જોઈએ કે ચાઈલ્ડ વેલ્ફેર જેવી સંસ્થાઓ પણ ચાઈલ્ડ હેલ્પ અને મહિલા સુરક્ષાના નામે કેટલો મોટો અનર્થ સર્જી શકે છે, માત્ર અહંકારને તૃપ્ત કરવાની આ આગમાં એક વ્યક્તિની આખી જિંદગી અને તેનો આખો પરિવાર બરબાદ થઇ શકે છે, નિર્દોષ સાબિત થયા બાદ પણ આ તથાકથિત સમાજ તેને એક આરોપીના રૂપમાં જ જોશે જેેનો વસવસો ઠાલવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *