વાપી નગરપાલિકા વિસ્તારમાં આવેલ મચ્છી માર્કેટ માં વર્ષોથી મચ્છી વેંચતી મહિલાઓ અને પુરુષ વિક્રેતાઓ ખુલ્લામાં બેસીને ગંદકીમાં મચ્છી વેચી ગુજરાન ચલાવતી હતી. તો, તેને કારણે મુખ્ય માર્ગ પર મચ્છીની તીવ્ર દુર્ગંધ શહેરીજનોને ત્રાહિમામ પોકરાવતી હતી. આ તમામ સમસ્યાઓનો નિવેડો લાવવા નગરપાલિકાના સત્તાધીશોએ અદ્યતન ફિશ માર્કેટ બનાવી તેમાં મચ્છી વિક્રેતાઓને સ્ટોલ ફાળવી આશરો આપવાની અનોખી પહેલ કરી છે. પરંતુ જાણે ગંદકીમાં ટેવાયેલ અને શહેરીજનોને દુર્ગંધથી નાક આડે રૂમાલ બંધાવવામાં જ માનતા મચ્છી વિક્રેતાઓએ પાલિકાની પહેલ પર પાણી ઢોળ કરી નાખ્યું છે.
વાપી નગરપાલિકા દ્વારા નાણાપ્રધાન કનુભાઈ દેસાઈને રજુઆત કરી ખુલ્લામાં બેસી મચ્છી વેંચતા વિક્રેતાઓ માટે ગુજરાત સરકારની ગ્રાન્ટમાંથી અદ્યતન ફિશ માર્કેટ નું નિર્માણ કર્યું છે. જેમાં તૈયાર કરેલા સ્ટોલ આઇડેન્ટિફાઇડ કરેલા મચ્છી વિક્રેતાઓને ફાળવી 29મી એપ્રિલથી મચ્છીનું વેંચાણ શરૂ કરવા લીલીઝંડી આપી છે. જો કે આ ફિશ માર્કેટમાં કેટલાક ફિશ વિક્રેતાઓને સ્ટોલ નહિ મળતા અને જેને સ્ટોલ મળ્યા છે તેમને રોજીંદુ 50 અને 100 રૂપિયા ભાડું આકરું લાગતા ફિશ માર્કેટ સામે નગરપાલિકાની હાય હાય બોલાવી મોરચો કાઢી નગરપાલિકા એ આવી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
નગરપાલિકાના સત્તાધીશો સામે આક્રોશ ઠાલવનાર મચ્છી વિક્રેતા મહિલાઓએ પાલિકાના સત્તાધીશો પર આક્ષેપ કર્યા હતા કે, સત્તાધીશોએ બધાને સ્ટોલ મળશે તેવી ખાતરી આપ્યા બાદ તેમના લાગતા વળગતા મચ્છી વિક્રેતાઓને જ એક ને બદલે 5-5 સ્ટોલ ફાળવી અન્યાય કર્યો છે. અમને અંધારામાં રાખી સહી કરાવી લિસ્ટ તૈયાર કરી સ્ટોલ લાગતા વળગતાઓને ફાળવી દીધા છે.
તો, અન્ય એક વ્યક્તિએ નગરપાલિકાના સત્તાધીશોએ માંગેલા સમાજ સાથે અન્યાય કર્યો હોય જો તે અંગે નગરપાલિકાના સત્તાધીશો યોગ્ય નિર્ણય નહિ લે તો, પોતે આ મામલે કલેકટર સહિતનાઓને રજુઆત કરશે. આમરણાંત ઉપવાસ કરશે. જરૂર પડ્યે આત્મદાહ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. આ યુવકે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, નગરપાલિકાના સત્તાધીશો જો તમામ મચ્છી વિક્રેતાઓને સ્ટોલ નહિ ફાળવી શકતા હોય તો નવું ફિશ માર્કેટ તોડી જમીન ખુલ્લી કરીને આપે. આ યુવક સ્ટોલ ફાળવાણીના મામલાને પોતાનું આંદોલન ગણાવી માંગેલા સમાજના લોકોને સહકાર આપવા ઉશ્કેરણીજનક ભાષણબાજી કરતો જોવા મળ્યો હતો.
જો કે ફિશ માર્કેટમાં સ્ટોલ ફાળવણી અને ફી ઉઘરાણી મામલે નગરપાલિકા પ્રમુખ કાશ્મીરા શાહે જણાવ્યું હતું કે, ફિશ માર્કેટનું નિર્માણ કર્યાં બાદ આગામી 29મી એપ્રિલથી મચ્છી વિક્રેતાઓને સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે એ તેમના માટે ખુશખબર છે. સ્ટોલ ફાળવણીમાં કોઈ જ વ્હાલાદવલાની નીતિ અપનાવી નથી. એક વિક્રેતા માટે સ્ટોલ દીઠ દૈનિક 50 રૂપિયા ભાડું છે. 2 વિક્રેતાઓ માટે સ્ટોલ દીઠ 100 રૂપિયા ભાડું છે. જેમાં તેમણે વાપરેલ લાઈટ બિલનો, ગંદકી કરશે તેની સાફસફાઈનો ખર્ચ નગરપાલિકા ઉઠાવશે.
આ વિક્રેતાઓ પહેલા બહાર મુખ્ય માર્ગ પર ઉનાળામાં તડકામાં, ચોમાસામાં વરસાદ ગંદકી માં બેસીને આરોગ્ય બગડે તેવી પરિસ્થિતિમાં મચ્છી વેંચતા હતાં. તો,મચ્છી ખરીદનારા અને સામાન્ય નાગરિકોએ દુર્ગંધ સહન કરવી પડતી હતી. તેમના આરોગ્ય સાથે ચેડાં થતા હતા. આ તમામ સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે આ પહેલ કરી છે. સ્ટોલ ફાળવણીમાં પાલિકાની કોઈ તાનાશાહી નથી. પંરતુ મચ્છીના પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલ ગરીબ વિક્રેતાઓને સુવિધાયુક્ત આશરો પૂરો પાડવા આ વ્યવસ્થા ઉભી કરાઈ છે.
તો, આ ફિશ માર્કેટ અંગે નગરપાલિકા પ્રમુખ અભય શાહે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, ફિશ માર્કેટ ના સ્ટોલ રાબેતા મુજબ શરૂ કરવા પહેલા અને ફાળવણી કરતા પહેલા તમામ વિક્રેતાઓ કે જેમાં હોલસેલ અને રિટેલ મચ્છી વેંચતા વિક્રેતાઓ છે. તેમની સાથે બેઠક કરી જે અધિકૃત વિક્રેતા છે. તેમના નામનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. જે મુજબ જ સ્ટોલની ફાળવણી અંગે ડ્રો કરી સ્ટોલ આપવામાં આવ્યા છે. છતાં પણ જેને અસંતોષ છે તે વિક્રેતાઓ પાલિકામાં આવી રજુઆત કરશે તો તે રજુઆત પાલિકા ધ્યાને લેશે. ફિશ માર્કેટનું નિર્માણ પણ ગરીબ મચ્છી વિક્રેતાઓ ની રજુઆત બાદ જ નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના પ્રયાસોથી ગુજરાત સરકારમાં ગ્રાન્ટ પાસ કરી બનાવવામાં આવ્યું છે. જેથી શહેરજનોનું અને મચ્છી વિક્રેતાઓનું આરોગ્ય જળવાય રહે.
ઉલ્લેખનીય છે કે, નવા અદ્યતન ફિશ માર્કેટ ના નિર્માણ બાદ પાલિકાએ 29મી એપ્રિલથી તેમાં સ્ટોલ મુજબ મચ્છીનું વેંચાણ કરવાની લીલીઝંડી આપી છે. જ્યારે મચ્છી વિક્રેતાઓએ પાલિકાના સુચારુ આયોજન સામે વિરોધ નોંધાવ્યો છે. અને એમાં પણ એક વ્યક્તિએ આત્મદાહની અને આમરણાંત ઉપવાસની ચીમકી આપી છે. ત્યારે હવે પાલિકા અને મચ્છી વિક્રેતાઓ વચ્ચે સમજૂતી થશે કે વિરોધનો વંટોળ ગજાવી કોઈ માસ્ટમાઇન્ડ તેની મેલી રાજરમત રમી નાખશે તે જોવું રહ્યું