વાપી GIDC માં આવેલ ધ સ્ટાન્ડર્ડ કેમિકલ નામની કંપનીમાં સલ્ફરના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેને કારણે આસપાસના વિસ્તારમાં લોકોને શ્વાસ લેવાની તેમજ આંખોમાં બળતરા થવાની ફરિયાદ ઉઠી હતી. આગ પર કાબુ મેળવવા 10થી વધુ ફાયર ફાઈટરને બોલાવવામાં આવ્યા હતાં.
વાપી GIDC ના 3rd ફેઈઝ વિસ્તારમાં આવેલ એક કેમિકલ કંપનીમાં સલ્ફર ના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા લોકોને શ્વાસ લેવામાં અને આખોમાં બળતરા થતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી.
વાપી GIDC ના 3rd ફેઈઝ વિસ્તારમાં આવેલ ધ સ્ટાન્ડર્ડ કેમિકલ નામની કંપનીમાં સોમવારે સાંજના સમયે અચાનક સલ્ફરના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. સામાન્ય રીતે સલ્ફરમાં આગ લાગે એટલે તેમાંથી સલ્ફર ડાયોક્સાઇડ નામનો ગેસ ઉત્પન્ન થતો હોય આગની ઘટના બાદ આસપાસની કપનીઓમાંથી કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતાં.
તેમજ આગ પર કાબુ મેળવવા વાપી નોટિફાઇડ, વાપી GIDC ના ફાયરને બોલાવવામાં આવ્યા હતા. તો વાપી ઇમર્જન્સી સેન્ટરની ટીમ અને પોલીસ જવાનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. જેઓએ કંપની આસપાસના વિસ્તારને કોર્ડન કરી આગ ને બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતાં.
આ અંગે VECC ના એસ. એસ. પટેલે વિગતો આપી હતી કે, હાલ સલ્ફર ને કારણે આસપાસના લોકોમાં શ્વાસ લેવાની અને આંખોમાં બળતરા થવાની ફરિયાદ ઉઠી છે. આગની ઘટના બાદ કંપનીનો માલિક કંપની છોડીને ભાગી ગયો છે. આગ કેવી રીતે લાગી તે અંગેનું કારણ જાણવા મળ્યું નથી. ગેસની અસર સ્વાસ્થ્ય પર થઈ શકે તેમ હોય પુરતી કાળજી સાથે આગને કંટ્રોલમાં લેવાની કાર્યવાહી ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે જે કંપનીમાં આગ લાગી છે તેની નજીક જ છીરી ગામ છે. આસપાસ અન્ય મોટી કંપનીઓ આવેલી છે. જેમાં મોટી સંખ્યામાં કામદારો કામ કરે છે. જેને લઈને તંત્રએ હવામાં ગેસનું પ્રમાણ કેટલું છે તેને ચેક કરતા ડિટેક્ટર મશીન દ્વારા સતત ચકાસણી કરવામાં આવી રહી છે. આ પ્રકરણ ગેસની અસર બીજા દિવસે પણ સ્વાસ્થ્ય પર વર્તાતી હોય હાલ સંપૂર્ણ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.