વાપીમાં 24 કલાક વાહનોથી ધમધમતાં મુંબઈ અમદાવાદ હાઇવે પર શનિવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં એકની પાછળ એક એમ 8 કાર ધડાકાભેર અથડાઈ હતી. વિચિત્ર અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ પરંતુ તમામ કાર માં આગળના અને પાછળના ભાગે મોટું નુકસાન થયું હતું. જ્યારે આ અકસ્માતનું કારણ એક કૂતરું બન્યું હતું.
મુંબઈ અમદાવાદ હાઇવે પર વાપી ચાર રસ્તા નજીક બ્રિજના શરૂઆતમાં એક કાર ચાલક મુંબઈ તરફ પુરપાટ વેગે જતો હતો. ત્યારે અચાનક જ હાઇવે પર એક કૂતરું આવી ચડ્યું હતું. કૂતરાને બચાવવા કાર ચાલકે અચાનક બ્રેક મારી દીધી હતી. જેને કારણે કૂતરું તો બચી ગયુ પરંતુ કાર ની પાછળ આવતી કાર અને એની પાછળ આવતી કાર એમ 8 કાર એકની પાછળ એક એમ ધડાકાભેર અથડાઈ હતી. તમામ કારના આગળના બોનેટના ભાગે અને પાછળના ડીકી ના ભાગે નુકસાન થયું હતું. જો કે આ વિચિત્ર અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નહોતી.
હાઇવે પર અચાનક બનેલી આ ઘટના બાદ ટ્રાફિક જામ સર્જાયો હતો. જેની જાણ નજીકના GIDC પોલીસને કરવામાં આવી હતી. જો કે દરેક કાર ચાલકે દોષનો ટોપલો બીજા પર ઢોળી ફરિયાદ કરવાનું ટાળી એકબીજા સાથે સમજણ પૂર્વક વર્તતા કોઈ ફરિયાદ નોંધાઈ નહોતી. જ્યારે પોલીસે પણ ટ્રાફિક ક્લિયર કરી વાહનવ્યવહાર યથાવત કર્યો હતો. આ અકસ્માતમાં 6 જેટલી કારમાં ભારે નુકસાન થયું હતું. પરંતુ જાનહાની ટળતા હાંશકારો અનુભવ્યો હતો.