વલસાડ જિલ્લામાં સરકારી CHC-PHC માં સેવા આપતા તબીબો કમિશન માટે દર્દીઓને કેવા હેરાન પરેશાન કરે છે. તેનો એક વિડિઓ હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તબીબોએ સૂચન કરેલા મેડિકલ સ્ટોરમાંથી દવા લેવાને બદલે બીજી મેડિકલ સ્ટોરમાંથી દવા લેનાર દર્દીઓ સાથે તોછડાઈ ભર્યું વર્તન કરી જે તે મેડીકલમાંથી જ દવા લેવા દબાણ કરી, દવાઓ પરત કરવા મોકલે છે.
સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ વિડિઓ ભિલાડ CHC નો છે. ભિલાડ ખાતે ઠાકોરશ્રી પ્રથમસિંહ ડી. પરમાર કોટેજ હોસ્પિટલ આવેલ છે. આ હોસ્પિટલ ગુજરાત સરકાર સંચાલિત રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ભિલાડ તરીકે કાર્યરત છે. જેમાં રોજના ભિલાડ-સરીગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના ગરીબ દર્દીઓ તબીબી સારવાર મેળવવા આવે છે.
જો કે ભિલાડ રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા તબીબો દર્દીઓને સરકારી દવા મફતમાં આપવાને બદલે નજીકમાં આવેલ ચોક્કસ મેડિકલ સ્ટોરમાંથી દવા લેવા ચબરખી બનાવીને આપે છે. વર્નાલ ફાર્મસી લખેલ આ ચબરખી પર તબીબો દવાનું પ્રિસ્ક્રિપ્શન લખીને આપે છે. અને તે મેડિકલ સ્ટોરમાંથી દવા લેવા દબાણ કરે છે. જો કે ભિલાડ CHC સામે અન્ય એક અશોક મેડિકલ સ્ટોર પણ છે. જે ભોંયતળિયે છે. જેની ઉપરના માળે વર્નાલ ફાર્મસી છે. દર્દીઓ મોટેભાગે અશોક મેડિકલ માંથી જ દવા લઈ તે દવા સરકારી તબીબોને બતાવવા જાય છે. ત્યારે, તબીબો તે દવા પરત કરવા અને વર્નાલ ફાર્મસી માંથી જ દવા લેવા દબાણ કરે છે.
જો કે આ અંગે તાલુકા હેલ્થ ઓફિસર સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કોઈપણ સરકારી દવાખાનાના તબીબો દર્દીઓ પર ચોક્કસ મેડિકલ સ્ટોરમાંથી જ દવા લેવા દબાણ કરી શકે નહીં. તો, સવાલ એ ઉપસ્થિત થઈ રહ્યો છે. કે Referral Hospital and Community Health Center (CHC) Bhilad માં સેવા આપતા ગાયનેકોલોજિસ્ટ, અને જનરલ સર્જન કે જે વાપી અને પારડીથી આવે છે. તેઓ શા માટે દર્દીઓને ચોક્કસ મેડિકલ સ્ટોરમાંથી જ દવા લેવાનું દબાણ કરે છે. શુ આ ઘટના વલસાડ જિલ્લા આરોગ્ય અધિકારી ધ્યાનમાં લેશે? આ અંગે તપાસ કરી બંને તબીબો સામે તપાસ કરી કાર્યવાહી કરશે? તેવા સવાલ ગરીબ દર્દીઓમાં ઉઠ્યા છે.
ઉલ્લેખનીય છે કે સૂત્રો તરફથી મળતી વિગત મુજબ ભિલાડ CHC ના તબીબો જે વર્નાલ ફાર્મસી ના સંચાલક પાસે જ દર્દીઓને દવા ખરીદવા દબાણ કરે છે. તે સંચાલક સાથે ભિલાડ CHC માં જ ફરજ બજાવી ચૂકેલા અને હાલમાં CHC સામે જ પોતાનું અલગ ક્લિનિક ચલાવતા પૂર્વ સુપરિટેન્ડન્ટ સાથે ભાગીદારીમાં મેડિકલ સ્ટોર ચલાવે છે. એટલે પોતાનો ધંધો જોરમાં ચાલે અને તબીબોને વધારાનું કમિશન મળે તેવા આશયથી આ સાંઠગાંઠ રચી હોય શકે, જેમાં અન્ય મેડિકલ સ્ટોરમાં મળતી એ જ દવા મોંઘા ભાવે વેંચી ગરીબ દર્દીઓ સાથે રીતસરનો અન્યાય થઈ રહ્યો હોવાની પણ રાવ દર્દીઓમાં ઉઠી છે.