રિપોર્ટ :- ગુરુ-G
તાઉ-તેની તબાહી ઘરથી-ખેતર સુધી, ઉદ્યોગો-જંગલથી લઈને સ્મશાન સુધી મચી છે. જેમાં જેમ ચોમાસા દરમ્યાન પુરના પાણી ગામડાઓને સંપર્ક વિહોણા કરે તેમ વાવાઝોડા સાથે વરસેલા વરસાદમાં દુરસંચારની ક્ષતિએ અનેક પરિવારના લોકોને મોબાઈલ સંપર્ક વિહોણા કર્યા હતા.
વાપી :- વલસાડ જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાની અસર હેઠળ પારાવાર નુકસાન થયું છે. જો કે હજુ સુધી ક્યાં સેકટરમાં કુલ કેટલું નુકસાન થયું છે. તેનો સર્વે પૂરો થયો નથી. પરંતુ, વલસાડ જિલ્લામાં તાઉ-તે વાવાઝોડા દરમ્યાન ઘરથી-ખેતર સુધી, ઉદ્યોગો-જંગલથી લઈને સ્મશાન સુધી ભારે તબાહી મચી છે.
વલસાડ જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાને લઈને ઉમરગામ તાલુકામાં સૌથી વધુ તારાજી સર્જાઈ છે. સૌથી પહેલાં વાત કરીએ તો જિલ્લામાં સૌથી વધુ નુકસાન GEB ને થયું છે. જિલ્લામાં અનેક થાંભલા ધરસાઈ થયા છે. ટ્રાન્સફોર્મરને નુકસાન થયું છે. ઉમરગામ પંથકમાં જ 92થી વધુ પોલ ધરસાઈ થયા છે. જિલ્લામાં કુલ 500 જેટલા પોલ વાવાઝોડામાં નુકસાન પામ્યા છે. GEB ના અધિકારીના જણાવ્યા મુજબ હાલ ઉમરગામમાં સૌથી વધુ નુકસાન હોય ઉમરગામ માં 2 દિવસથી 30 જેટલી અલગ અલગ ટીમ કાર્યરત છે. જિલ્લામાં તમામ તાલુકાઓમાં સર્વે ચાલી રહ્યો છે. જે સાથે જ નવા વિજપોલ ઉભા કરવા, તૂટેલા તારને બદલવા, ટ્રાન્સફોર્મરની ક્ષતિ સુધારવી સહિતના કામ પુરજોશમાં ચાલી રહ્યા છે.
વલસાડ જિલ્લામાં બીજા નંબરે સૌથી વધુ નુકસાન ખેતીમાં થયું છે. ખેતીમાં બાગાયતી પાક કહેવાતા, કેરી, ચીકુ, નારીયેલીને વ્યાપક નુકસાન થયું છે. ખેતીવાડી અધિકારી, બાગાયત પાક વિભાગના અધિકારી પાસેથી મળેલી વિગતો મુજબ ઉમરગામ તાલુકામાં અને પારડી તાલુકામાં સૌથી વધુ નુકસાન છે. એમાં પણ જિલ્લામાં કેરીના પાકને અને ચીકુના પાકને વધુ નુકસાન છે. હાલ જિલ્લામાં ખેતીમાં કેટલું નુકસાન થયું છે તે અંગે 30થી વધુ ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો છે. વલસાડ જિલ્લામાં 36000 હેકટરમાં કેરી નું ઉત્પાદન થાય છે. વાવાઝોડાને કારણે 9000 હેકટરમાં અંદાજિત નુકસાન અંદાજવામાં આવ્યું છે. વરસાદને કારણે ઝાડ પરથી કેરી ખરી જતા ખેડૂતોએ તે કેરી કેનિંગમાં આપવા સિવાય કોઈ છૂટકો નહિ રહેતા કેરીના ભાવમાં પણ ખોટ ખાવી પડી છે. 1000થી 1200 રૂપિયા મણ ના ભાવે વેંચાતી કેસર, હાફૂસ કેરીને ના છૂટકે 100 રૂપિયાથી લઈને 400 રૂપિયા મણ ના ભાવે વેન્ચવી પડી છે.
તો, તાઉ-તે વાવાઝોડા દરમ્યાન કોરોના મૃતદેહોને અગ્નિસંસ્કાર આપવામાં પણ આપદા ઉભી થઇ હતી. અતુલ ખાતે આવેલ હંગામી સ્મશાનગૃહમાં 44 જેટલા મૃતદેહો લાવવામાં આવ્યા હતાં. પરંતુ ભારે વરસાદ અને પવનને કારણે માત્ર 6 મૃતદેહોને અગ્નિસંસ્કાર અપાયા હતા. જ્યારે બાકીના મૃતદેહોને પારડી અને વાપીના ગેસ આધારિત સ્મશાનગૃહમાં અગ્નિસંસ્કાર આપવામાં આવ્યાં હતાં. કોરોના મૃતદેહ માટે સતત સેવા બજાવતા ઇન્તેખાબ ખાને જણાવ્યું હતું કે વાવાઝોડાના 3 દિવસ દરમ્યાન લાકડા આધારિત સ્મશાનગૃહ અને મુસ્લિમ કબ્રસ્તાનમાં મૃતદેહોને અગ્નિસંસ્કાર, દફનાવવામાં ખૂબ મુશ્કેલી પડી છે. કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં નોર્મલ મૃતદેહોને અગ્નિસંસ્કાર માટે પૂરતા સૂકા લાકડા નહિ મળતા ભીના લાકડા પર કેરોસીન છાંટીને, ટાયર સળગાવીને અગ્નિસંસ્કાર કરવાની નોબત આવી હતી.
તાઉ-તે વાવાઝોડાને લઈને ફોરેસ્ટ વિભાગ, PWD વિભાગ પર સતત દોડતું રહ્યું છે. ફોરેસ્ટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં 147 ઝાડ એવા હતા જે રસ્તા પર પડ્યા હતા. ફોરેસ્ટ વિભાગે કુલ 180 ઝાડને ખસેડયા છે. જે રસ્તાઓ પર પડ્યા હતાં. આ માટે જિલ્લામાં ઉત્તર રેન્જ, દક્ષિણ રેન્જ અને સામાજિક વનીકરણ વિભાગની ટીમ R&B ની ટીમ તેમજ NDRF ની ટીમ સાથે સતત સંકલન સાધી કાર્યરત રહી હતી. હજુ પણ જંગલ વિસ્તારમાં અનેક નાનામોટા વૃક્ષો ધરસાઈ થયા છે. જેની સર્વેની કામગીરી ચાલી રહી છે. વલસાડ માર્ગ અને મકાન વિભાગની પણ 6 જેટલી ટીમોએ ઉમરગામ વિસ્તારમાંથી 9 જેટલા તોતિંગ ઝાડને રસ્તાઓ પરથી હટાવી રસ્તાઓ પર વાહનોની અવરજવર શરૂ કરાવી હતી.
જિલ્લામાં ઉમરગામ, પારડી સહિત કપરાડા, ધરમપુર વિસ્તારમાં ભારે પવનને કારણે કેટલાક ઘરના છાપરા ઉડયા હતા. ચારેક જેટલા પરિવારને અંધારી રાત ખુલ્લા આકાશ નીચે વિતાવવાની નોબત આવી હતી. વાપીમાં ડુંગરી ફળિયા વિસ્તારમાં એક રૂમમાં સુતેલા 2 વ્યક્તિઓ પર બાજુના ઘરની દીવાલ પડતા એકનું મોત અને એક વ્યક્તિ ગંભીર થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. વાપી GIDC, સરીગામ GIDC, ઉમરગામ GIDC માં કેટલીક કંપનીઓની ચીમની તૂટી ગઈ હતી. વિજવિક્ષેપને કારણે પ્રોડક્શન પર અસર પડી હતી. પરંતુ ઉદ્યોગોમાં આગોતરું આયોજન હોઈ મોટી નુકસાની સહન કરવા કરતાં પ્રોડક્શન અટકાવવું વધુ સારું હોવાનું માની ઉદ્યોગ સંચાલકોએ ઉદ્યોગો બંધ રાખ્યા હતાં. તેમજ શેડમાં પતરા ઉડવા, ચીમની તૂટવી જેવી ઘટનાઓ બાદ તાત્કાલિક રીપેરીંગ કામ હાથ ધર્યું હતું. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સેક્રેટરી ના જણાવ્યા મુજબ ઉદ્યોગોમાં આગોતરી સાવચેતીને કારણે કોઈ મોટું નુકસાન નથી. જ્યારે પ્રમુખના જણાવ્યા મુજબ વીજ પુરવઠો ખોરવાઇ જવાને કારણે પ્રોડક્શન અટક્યું હતું. એટલે 2 દિવસ પ્રોડકશનની નુકસાની વેઠવી પડી હતી.
ટૂંકમાં વલસાડ જિલ્લામાં તાઉ-તે વાવાઝોડામાં અનેક પ્રકારે લોકોને તબાહીના દર્શન કરાવ્યા હતાં. આવા જ હાલ પાડોશી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં પણ થયા છે. દાદરા નગર હવેલીમાં એક હોમગાર્ડ નું ઝાડ નીચે દબાઈ જતા મોત થયું છે. દાદરા નગર હવેલીમાં પણ અનેક મોટા શરૂના ઝાડ ધરસાઈ થયા છે. જેની સર્વેની કામગીરી ચાલી રહી છે. દમણમાં કાંઠાવિસ્તારમાં કેટલાક ઘરોમાં નુકસાન થયું છે. જે અંગે પણ હજી સર્વે ચાલી રહ્યો છે. ટુંકમાં તાઉ-તેની તબાહી ઘરથી-ખેતર સુધી, ઉદ્યોગો-જંગલથી લઈને સ્મશાન સુધી મચી છે. જેમાં જેમ ચોમાસા દરમ્યાન પુરના પાણી ગામડાઓને સંપર્ક વિહોણા કરે તેમ વાવાઝોડા સાથે વરસેલા વરસાદમાં દુરસંચારની ક્ષતિએ અનેક પરિવારના લોકોને મોબાઈલ સંપર્ક વિહોણા કર્યા હતા.