વાપી : – કોરોનાની બીજી લહેરે લાખો લોકોને પોતાની ઝપેટમાં લીધા છે, ત્યારે આ કપરો સમય ઉદ્યોગકારો માટે પણ કઠિન સમય છે, જો કે તેમ છતાં ગત વર્ષના લોકડાઉનની સરખામણીએ આ વખતે ઉદ્યોગો ધમધમી રહ્યા છે. ટ્રાન્સપોર્ટેશન સેવા ચાલુ છે. કામદારો વતન પરત ફર્યા નથી . જો કે તેમ છતાં ઉત્પાદનમાં 30 ટકાનો કાપ આવ્યો છે.
વલસાડ જિલ્લામાં વાપી GIDC, સરીગામ GIDC, ઉમરગામ GIDC અને દમણમાં અનેક નાનામોટા ઉદ્યોગો આવેલા છે. આ ઉદ્યોગોમાં લાખોની સંખ્યામાં પરપ્રાંતીય કામદારો કામ કરી રોજીરોટી મેળવી રહ્યા છે. જો કે ગત લોકડાઉનમાં આ તમામ ઉદ્યોગોની માઠી દશા બેઠી હતી. જ્યારે આ વખતે કોરોનાની બીજી લહેરમાં હજુ સુધી ઉદ્યોગો
માટે 30 ટકાથી મોટું નુકસાન થયું નથી. સરકાર પ્રેક્ટિકલ બનશે તો તે પણ દૂર થઈ જશે તેવી આશા ઉદ્યોગકારોએ સેવી છે.
ઉમરગામ GIDC માં રો – મટિરિયલ્સ કે તૈયાર ઉત્પાદન પ્રોડક્ટને લાવવા મુકવામાં કોઈ જ તકલીફ નથી . ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહી છે. કેટલાક ઉદ્યોગોમાં પરપ્રાંતીય કામદારો વતન જતા રહ્યા છે. કેટલાક ઉદ્યોગોમાં 50 ટકા સ્ટાફ સાથે કામ કરવું પડી રહ્યું છે. એટલે ઉત્પાદનમાં થોડીઘણી ઘટ વર્તાઈ રહી છે. તેનાથી ઉદ્યોગોને કોઈ મોટું નુકસાન થયું નથી.
વાપી GIDCમાં ગત વર્ષે લોકડાઉનમાં ઉદ્યોગોને બંધ કરવામાં આવ્યા હતાં. મટિરિયલ્સ પણ અટક્યું હતું. કામદારો પણ પોતાના વતન જતા રહ્યા હતા. આ વખતે ઉદ્યોગો ચાલુ રહ્યા છે. કામદારોનું પણ સ્થળાંતર થયું નથી. એટલે વાપીના ઉદ્યોગો માટે કોઈ જ તકલીફ ઊભી થઈ નથી.
મોટા ઉદ્યોગોમાં જે કામદારો કામ કરે છે. તેને ઑલ્ટરનેટ ડે બોલાવવામાં આવે છે. એટલે કામદારોમાં સંક્રમણ અટક્યું છે. કોરોનાના ડરનો માહોલ જોવા મળતો નથી, દરેક નાનામોટા ઉદ્યોગોમાંના જરૂરી ઉત્પાદન ચાલુ રહ્યું છે. નાઈટ કરફ્યુ દરમ્યાન પણ કામદારોની કનડગત કરવામાં આવતી નથી. કંપનીના આઈકાર્ડ અને જરૂરી પુરાવા સાથે ઉદ્યોગોમાં કામદારો આવાગમન કરી શકે છે. પેમેન્ટ અને ઓર્ડર અંગે જ્યારથી કોવિડ પિરિયડ શરૂ થયો છે. ત્યારથી થોડીઘણી તકલીફ આવી છે. પેમેન્ટ થોડુંઘણું મોડું આવે છે જેની સામે જ્યાં પેમેન્ટ ચૂકવવું પડે છે તે પણ સહકાર આપે છે. એટલે એમાં આ વખતે માનવીય અભિગમ કેળવાયો હોય તેવું છે. જે થોડીઘણી તકલીફ પડી રહી છે તેમાં આ દિવસો પણ નીકળી જશે તે આશા સાથે બધા કામ કરી રહ્યા છે.
દમણમાં કેટલાક ઉદ્યોગોનું પ્રોડક્શન તો તૈયાર છે. પરંતુ તેનું ડિસ્પેચ થતું નથી. જે થાય છે તે અમુક વિસ્તાર પૂરતું મર્યાદિત છે. કામદારોના ઇસ્યુને લઈને કોઈ ઇસ્યુ નથી. ઉદ્યોગો ચાલી રહ્યા છે ટ્રાન્સપોર્ટેશને ચાલી રહ્યું છે.
સરીગામ ઇન્ડસ્ટ્રીઝમાં ટ્રાન્સપોર્ટેશન ચાલુ છે એટલે જેને રો – મટિરિયલ્સ મંગાવવું પડી રહ્યું છે અથવા તૈયાર પ્રોડક્ટ બહાર ઓર્ડર મુજબ મોકલવુ પડે છે તેને હજુ સુધી કોઈ તકલીફ નડી નથી. પરંતુ સામેથી જે ઓર્ડર મળવા જોઈએ, પેમેન્ટ મળવું જોઈએ તેમાં થોડી ઘણી તકલીફ છે.
સામેથી તરત ઓર્ડર મળતો નથી મળે છે તો પેમેન્ટ મળશે કે કેમ તે સંદેહ રહે છે. જ્યારે રો-મટિરિયલ્સ મંગાવવા એડવાન્સ પેમેન્ટ કરવું પડે છે. એ ઉપરાંત કામદારોના પ્રશ્નો છે. કેટલાક ઉદ્યોગોમાં કામદારો છે તો કેટલાક ઉદ્યોગોના કામદારો વતન જતા રહ્યાં છે. કામદારો ને પણ લોકડાઉનનો ડર છે. હા ગત લોકડાઉનમાં જેટલા કામદારો પોતાના વતન જતા રહ્યા હતા એમાં આ વખતે મોટાભાગના કામદારો વતન નથી ગયા. પરંતુ તેઓ ડ્યુટી પર આવવાનું ટાળી ઘરે અથવા પોતાના રૂમમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે.
સરકાર તરફથી ઉદ્યોગકારોને થોડી ઘણી તકલીફ પડી રહી છે. સરકાર એ અંગે પ્રેક્ટિકલ બની કામગીરી કરતી નથી. એટલે સરકારે એ અંગે ધ્યાન આપવું જરૂરી છે. અને એ સારા દિવસો હતા જ્યારે બધું બરાબર હતું આ વખતે એટલા સારા દિવસો નથી. 30 ટકા ઉત્પાદન ઘટ્યું છે. GST ડિપાર્ટમેન્ટ તરફથી મળતા રિપોર્ટમાં એ સંકેતો મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વાપી સહિત સરીગામ, ઉમરગામ, દમણમાં 3 લાખ આસપાસ પરપ્રાંતીય કામદારો કેમીકલ, ફાર્મા, પ્લાસ્ટિક અને ગારમેન્ટ્સની નાનીમોટી કંપનીઓમાં કામ કરી રહ્યા છે. આ કામદારો ગત વર્ષે કોરોનાના લોકડાઉનમાં વતન જતા રહ્યા હતા. આ વખતે હજુ સુધી એવી કોઈ નોબત આવી નથી. એટલે ઉદ્યોગકારોને આશા છે કઠિન સમયના આ દિવસો જલ્દી નીકળી જશે.