Thursday, December 26News That Matters

ફરી આરંભે સુરા બની વલસાડ કોંગ્રેસ, વાપી નગરપાલિકા ચૂંટણીમાં સત્તા મેળવવા કારોબારીમાં કારોબાર!

વાપી નગરપાલિકામાં અને ગ્રામ પંચાયતમાં સંભવિત નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાનાર ચૂંટણીને ધ્યાને રાખી વાપી તાલુકા કોંગ્રેસ સમિતી અને વાપી તાલુકા સમિતી દ્વારા વાપી સ્થિત માધવ હોટેલમાં કોરોબારી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દર વખતની જેમ આ વખતે પણ આરંભે સુરાની ભૂમિકા મોવડીઓ કાર્યકરો જોવા મળ્યા હતાં. 
મીટીંગમાં ચૂંટણીલક્ષી ચર્ચા દરમ્યાન ચૂંટણીમાં ઉભા રહેનાર ઉમેદવારો અંગે તેમજ જીત અંગે મોવડીઓએ ચર્ચા વિચારણા કરી મહત્વના સૂચનો કર્યા હતાં. બેઠકમાં નગરપાલિકામાં ચુંટણી લડવા 9 જેટલા અને ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી લડવા 7 જેટલા ઉમેદવારોએ ટિકિટની દાવેદારી પણ કરી દીધી હતી.
વાપી નગરપાલિકામાં હાલ ભાજપનો કબ્જો છે. ગત ચુંટણીમાં વાપી નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસે કારમી હાર સહન કરી વિરોધ વગરની વિરોધપક્ષની ભૂમિકામાં બેસવું પડ્યું હતું. ત્યારે, સંભવિત આગામી નવેમ્બર માસમાં વાપી નગરપાલિકાની યોજાનાર ચૂંટણીમાં વાપી શહેર કોંગ્રેસ સમિતિના સંગઠનને મજબૂત કરી વાપી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ વાપી પાલિકા કબ્જે કરે તેના ઉપર ચર્ચા કરવા તેમજ ડિસેમ્બર આસપાસ યોજાનાર ગ્રામ પંચાયતની ચુંટણીમાં પણ કોંગ્રેસ સારું પ્રભુત્વ બતાવી શકે તે માટે સોમવારે વાપી શહેર કોંગ્રેસ સમિતી અને વાપી તાલુકા સમિતી દ્વારા વાપી સ્થિત માધવ હોટેલમાં કોરોબારીની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જો કે પાછલાં 20 વર્ષથી હાંસિયામાં ધકેલાય ગયેલ કોંગ્રેસને જાણે બેઠી કરવા માંગતા હોય તેમ કારોબારીમાં ગણતરીના છાપેલા કાંટલા સમાન કાર્યકરો અતિ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતાં. જેમની ખુશી જોઈ કારોબારીની મિટીંગમાં ઉપસ્થિત વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ, વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ નિમેશ વશી, વાપી નગરપાલિકાના વિરોધપક્ષ નેતા ખંડુ પટેલ, વાપી નગરપાલિકાનાં સભ્ય પીરૂ મકરાણી, વાપી તાલુકા પ્રમુખ રમેશ પટેલ સહિત ભીલાડવાલા બેંકના સભ્ય, વાપી શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી, વાપી શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ, વલસાડ જિલ્લા માઇનોરીટી પ્રમુખના નેેતાઓ પણ પોતાની ભાષણબાાજીને રોકી  શક્યા નહોતા અને વર્ષોથી બોધપાઠ ગ્રહણ કરેલા ઉપસ્થિત કાર્યકરોને ફરી એકવાર જીતનો બોધપાઠ આપ્યો હતો. 
ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી હોય કે લોકસભા વિધાનસભાની દર વખતે કોંગ્રેસ શરૂઆતમાં જોશ બતાવે છે પછી ચૂંટણી માટે આવતું ફંડ જેમાં ઉમેદવારો માટે હોય, કાર્યકરો માટે હોય કે પત્રકારો માટે એ ફંડ ગજવે ઘાલી વિરોધ પક્ષના ખોળા માં બેસી જાય છે. જેમાં ઉમેદવારો પોતાના પૈસાનું પાણી કરે છે. કાર્યકરો પરસેવો વહાવે છે. અને પરિણામના દિવસે કારમી હાર સહન કરી ફરી બીજી ચૂંટણીનું બ્યુગલ ના વાગે ત્યાં સુધી દેખાતા બંધ થઈ જાય છે. ત્યારે આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ફરી આરંભે સુરા બની છે.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *