Friday, October 18News That Matters

વાપીના ડુંગરા વિસ્તારમાંથી અપહરણ થયેલ 6 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર, પોલીસે તપાસ હાથ ધરી

સોમવાર 23 ઓક્ટોબરે વાપીના ડુંગરા વિસ્તારમાં રહેતી 6 વર્ષની બાળકીનું અજાણ્યો ઈસમ અપહરણ કરી ગયો હતો. જેની જાણકારી તેમના પરિવારે પોલીસને આપી હતી. પોલીસે નાકાબંધી કરી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. જો કે, મોડી રાત્રે દમણગંગા નદીની ખાડીમાંથી બાળકીનો પીંખાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઇ છે.

ઘટના અંગે મળતી વિગતો મુજબ મોડી રાત્રીએ ડુંગરી ફળીયા પાસે પસાર થતી દમણગંગા નદીના કિનારેથી 6 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ વલસાડ જિલ્લા પોલીસની ટીમને કરતા જિલ્લા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ બાળકીના મૃતદેહ પર કીડા-મંકોડા ફરતા હતાં. તેમજ મૃતદેહ પીંખાયેલી હાલતમાં હતો. બાળકી સાથે અઘટિત કૃત્ય કરી મોતને ઘાટ ઉતારી હોવાની આશંકા સેવી પોલીસે વધુ તપાસ માટે લાશનો કબ્જો મેળવ્યો હતો. તેમજ તેની વધુ વિગતવાર જાણકારી મેળવવા પેનલ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

તો, આ મૃતદેહ જે બાળકીનો છે તે એ જ બાળકી હોવાનું સાબિત થયું હતું. જે બાળકીનું અપહરણ થતા તેની ફરિયાદ આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. 6 વર્ષીય કિશોરીનું એક ઇસમ અપહરણ કરી ગયો હોવાની જાણ પરિવારના સભ્યોએ પોલીસને કરતા ડુંગરા પોલીસની ટીમે તાત્કાલિક જિલ્લામાં એલર્ટ આપી નાકાબંધી હાથ ધરી હતી. વલસાડ LCB, SOG સહિત જિલ્લા પોલીસની ટીમે ઘટના સ્થળની આજુબાજુના CCTV ફુટેઝ મેળવી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

આ તપાસ દરમ્યાન મોડી રાત્રીએ ડુંગરી ફળીયા નજીક દમણગંગા નદી કિનારેથી અપહરણ થયેલી કિશોરીની હત્યા થયેલી હાલતમાં લાશ મળી આવતા DySP, સહિત પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. ઘટના સ્થળની આજુબાજુના CCTV ફૂટેજ ચેક કરતા બપોરે 11:50 કલાકે કિશોરીનું અપહરણ કરનાર ઈસમ ખાડી કિનારે આવેલા ઘાસના મેદાનમાં લઈ જતો જોવા મળ્યો હતો. તેમજ 12 કલાકે ઘાસના મેદાનમાંથી એકલો બહાર નીકળતા જોવા મળ્યો હતો.

જે આધારે વલસાડ પોલીસે ઘાસના મેદાનમાં કિશોરીને શોધવા જનરેટર વાન લઈ જઇ શોધખોળ હાથ ધરી હતી. જેમાં મોડી રાત્રીએ હત્યા થયેલી હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવી હત્યાનું ખરું કારણ જાણવા સહિત હત્યારાને દબોચી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *