વલસાડના ઉમરગામ તાલુકાના વલવાડા ગામે બંગલી ફળિયા આવેલ એક ચાલીમાં રહેતા પરિવારની 3 વર્ષીય બાળકી રમતા રમતા નજીકમાંથી પસાર થતી નહેરમાં પડી જતા પાણીમાં તણાઈ ગઈ હતી. 3જી ફેબ્રુઆરી ના બનેલી આ ઘટનામાં ભિલાડ પોલીસે અને વાપી તેમજ નોટિફાઇડ ફાયરના જવાનોએ શોધખોળ હાથ ધરી હતી. જેમાં બીજા દિવસે ઘટનાના 26 કલાક બાદ 4 ફેબ્રુઆરી એ સાંજે 4 વાગ્યા આસપાસ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાને લઈ બાળકીના પરિવારમાં આક્રંદ વ્યાપ્યો છે. તો, આસપાસના વિસ્તારમાં પણ અરેરાટી ફેલાઈ ગઈ છે.
સમગ્ર ઘટના અંગે ભિલાડ પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ વલવાડા ગામે બંગલી ફળિયામાં એક ચાલીમાં રહેતા અમન પંચમ ગૌતમની 3 વર્ષીય દીકરી જિયાંશી ઉર્ફે અનન્યા 3 ફેબ્રુઆરીના પોતાના રૂમની બહાર રમતી હતી. ત્યારે, બપોરે 2 વાગ્યા આસપાસ તે ગુમ થઈ ગઈ હતી. જેની શોધખોળમાં તેની ચપ્પલ નહેર નજીકથી મળી આવી હતી. જેથી તે નજીકમાંથી પસાર થતી નહેરના પાણીમાં તણાઈ ગઈ હોવાની શંકા સાથે શોધખોળ હાથ ધરી હતી.
મૂળ UPના આ પરિવારની દીકરી ગુમ થઈ હોવાની જાણકારી ભિલાડ પોલીસને મળતા પોલીસ સ્ટાફે ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી. જેમાં નહેરના પાણીમાં શોધખોળ કરવા વાપી મહાનગરપાલિકા અને નોટિફાઇડના ફાયર જવાનોને બોલાવવામાં આવ્યાં હતા. ફાયર અને પોલીસ જવાનો ઉપરાંત આસપાસના અન્ય લોકોએ હાથ ધરેલી તપાસ માં છેક બીજા દિવસે 4 ફેબ્રુઆરીના સાંજે સવા ચાર વાગ્યે બાળકીનો મૃતદેહ નહેરના પાણીમાંથી મળી આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, 3 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવતા તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાને લઈ આસપાસના વિસ્તારમાં પણ અરેરાટી ફેલાઈ ગઈ છે. હાલ આ ઘટના મામલે બાળકીના મૃતદેહને ભિલાડ પોલીસે PM માટે રવાના કરી વધુ તપાસ હાથ ધરી છે.