Friday, January 31News That Matters

વાપીમાં ટ્રાફિકની સમસ્યા વકરવાનો આરંભ, 200થી વધુ ટ્રેનના આવાગમન વચ્ચે ફાટક પર રહેશે ટ્રાફિકજામ

વાપી રેલવે ઓવર બ્રિજ (ROB) 21 મી ડિસેમ્બર 2022થી જૂન 2024 સુધીમાં તોડી તેના સ્થાને નવો નિર્માણ કરવાનો છે. ત્યારે, વાપીના ઇસ્ટ વેસ્ટના આવાગમન માટે જાહેરનામું પ્રસિદ્ધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. જો કે, આ ડાયવર્ટ રૂટમાં વાપીનો જૂનો ફાટક ફરી દોઢ વર્ષ માટે શરૂ કરવામાં આવતા વાપીમાં ટ્રાફિકની સમસ્યા હળવી થવાને બદલે વધુ વકરશે. 
વાપીના જુના ROBને તોડી તેના સ્થાને ફોરલેન ROB બનાવવાનું આયોજન કરાતા જુના ROB ને બંધ કરવાનું જાહે૨નામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. તેના સ્થાને અન્ય ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. વાપી શહેરના નાના વાહનો અન્ડરપાસ અને એસટી ડેપો પાસેના ફાટકનો ઉપયોગ કરી શકશે જ્યારે દમણના ભારે વાહનો મોહનગામ ફાટક, બલિઠા ROB અને મોતીવાડા ROB નો ઉપયોગ કરી શકશે.
ROB નું કન્સ્ટ્રકશન કામ જૂન 2024 સુધી ચાલવાનું છે. એટલે ફરી એકવાર વાપી સહિત બલિઠા, મોરાઈની જનતાએ પારાવાર ટ્રાફિકનો સામનો કરવો પડશે. વાપી રેલવે સ્ટેશને અંદાજિત 87 ટ્રેનના સ્ટોપેજ છે. જ્યારે મુંબઈ-અમદાવાદ-દિલ્હીના આ રેલવે ટ્રેક પર અંદાજિત 202થી વધુ ટ્રેનોનું આવાગમન છે. એટલે 24 કલાકમાં દિવસના પિકઅવર (સવારે અને સાંજે) માં જ મોટા ભાગની ટ્રેન પસાર થવાની હોવાને કારણે મોટાભાગના સમયે ફાટક બંધ જ રહેવાનું છે. જેને કારણે વાપી-બલિઠા બને ફાટક પર વાહનોની કતારો લાગવાની છે. જેની અસર વાપી, બલિઠા, મોરાઈ, દમણના વાહનચાલકો માટે અકળાવનારી ટ્રાફિક સમસ્યામાં પરિણમશે જેમાં સમયની બરબાદી પણ એટલી જ થશે.
વાપી શહેરના મધ્યમાંથી વેસ્ટર્ન રેલવે લાઇન પસાર થતી હોય આ શહેર ઇસ્ટ-વેસ્ટમાં વંહેચાયેલું છે. ત્રણ દાયકા અગાઉ 7 કરોડના ખર્ચે ઇસ્ટ વેસ્ટના વાહનવ્યવહાર ને જોડવા ROB નું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ROB દમણ જવા આવવા માટે પણ મહત્વનો હોય વાપીવાસીઓ માટે ટ્રાફિકજામની સમસ્યા વિકરાળ બની હતી. તેનાથી છૂટકારો મેળવવા અન્ય ROB, અન્ડરપાસ બનાવવાની માંગ તેજ બની હતી. જેમાં આયોજન વગર અન્ય સ્થળે અન્ડરપાસનું નિર્માણ કરી દેતા સમસ્યા વધુ વકરી હતી.
એટલે ફરી એજ ટ્રાફિક સમસ્યાથી છુટકારો મેળવવા ROB ને જ ફોરલેન બનાવવાની રજૂઆતો થતી હતી. બીજી તરફ ROB પણ તેનું આયુષ્ય ગુમાવી રહ્યો હતો. જે અંગે પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ ગંભીરતા બતાવી નવા ROB માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરતાં સરકાર દ્વારા 140 કરોડની રકમ મંજુર કરી હતી. તેમજ ટ્રાફિક અન્ય સમસ્યાઓને જોતા જુના ROB ના સ્થાને 1.5 કિ.મી. લાંબો ફોરલેન ROB બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે મંજૂરી મળ્યા બાદ લગાતાર 2 વર્ષ સુધી તેનું મુહરત આવ્યું નહોતું.
ROB ને 21 ડિસેમ્બરથી બંધ કરવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું…….
હાલમાં કનુભાઈ દેસાઈએ નાણાપ્રધાનનો પદભાર સંભાળતા જ ROB ના પેન્ડિંગ કામને પ્રાધાન્ય આપ્યું, જિલ્લા પ્રશાસન દ્વારા આરઓબીને 21 ડિસેમ્બરથી બંધ કરવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જે મુજબ વાપી શહેરના હયાત રેલવે ઓવરબ્રિજ રેલવે ચે. 172/16-18 (ડી.એફ.સી.ચે.13+ 523.289 કી.મી) ને તોડી નવો બને નહિ ત્યાં સુધી બ્રિજ પરના ટ્રાફિકને ડાયવર્જન આપવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા આગ્રએ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 33(1)ની પેટા કલમ -1(બી) હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે.
21મી ડિસેમ્બરથી ટ્રાફિક જામની સમસ્યાનો આરંભ થયો છે……..  
ઉલ્લેખનીય છે કે, આ બ્રિજને સદંતર બંધ કરવામાં આવ્યા બાદ બ્રિજના ટ્રાફિકના મોટા વાહનો બલીઠા ફાટક ઉપરથી અવર જવર કરી શકશે. નાના વાહનો અન્ડર પાસ તથા રેલવે દ્વારા બનાવવામાં આવેલા નવા ફાટક, કબ્રસ્તાન રોડ, કસ્ટમ રોડ ઉપરથી અવર જવર કરી શકશે. ટૂંકમાં વાપીની પારાવાર ટ્રાફિક સમસ્યાના અંત માટે 21મી ડિસેમ્બરથી ટ્રાફિક જામની સમસ્યાનો આરંભ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *