Thursday, October 17News That Matters

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ-વાપી ખાતે ત્રિદિવસીય શાળાનો 40 મો વાર્ષિકૉત્સવ ઉજવાશે

વાપી તાલુકામાં 40 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે સંકળાયેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે આગામી તારીખ 4, 5 અને 6 જાન્યુઆરી એ શાળાનો 40મો વાર્ષિકૉત્સવ ઉજવવામાં આવશે. આ વાર્ષિકૉત્સવમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ સહિત રાજકીય આગેવાનો, સંતો મહંતો ઉપસ્થિત રહેશે. જેઓના હસ્તે વાર્ષોકોત્સવ ને ખુલ્લો મુકવા સાથે શાળા સંકુલમાં બનેલ અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું  ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં શાળાના બાળકો દેશભક્તિના નૃત્ય નાટકો, ગીત-સંગીત રજૂ કરશે. જે અંગે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કપિલ સ્વામીએ પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો આપી હતી.
કપિલ સ્વામીએ આ ત્રિદિવસીય વાર્ષિકૉત્સવ અંગે જણાવ્યું હતું કે, પ્રથમ દિવસે 4 જાન્યુઆરીએ હનુમાન ચરિત્ર થીમ પર ભગવાન રામ અને અયોધ્યા પર બાળકો મંત્રમુગ્ધ કરતી પ્રસ્તુતિ કરશે. 5મી જાન્યુઆરીએ માં આદ્યશક્તિ થીમ પર માતાજીઓની વિશેષ પૂજા અને તેના અલગ અલગ સ્વરૂપની ઝાંખી રજૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માતાજીના અલગ અલગ રૂપના દર્શન કરાવવા સાથે નૃત્ય નાટકો પ્રસ્તુત કરશે. અંતિમ દિવસ એવા 6 જાન્યુઆરીના ગીતોહમ થીમ પર ગીતામાં રહેલા જ્ઞાનરૂપી સાગરની અને જીવનમાં ગીતાનું મહત્વ પર પ્રસ્તુતિ કરવામાં આવશે.
આ ત્રિદિવસીય શાળા ઉત્સવને લઈ હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શાળાના શિક્ષકો દ્વારા વિવિધ થીમ પર વિદ્યાર્થીઓને રિહર્સલ કરાવવામાં આવી રહ્યા છે. શાળા ઉત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે. શાળા ઉત્સવમાં શાળાના બાળકો સાથે વાલીઓ પણ ઉપસ્થિત રહેશે. જેઓની સમક્ષ રંગારંગ કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકો તેમનામાં રહેલી કલાનું સ્ટેજ પરથી પ્રદર્શન કરશે.
ઉલ્લેખનીય છે કે, 40 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવનાર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ બાળકોમાં સારા સંસ્કારનું સિંચન કરવા ઉપરાંત તેમના જીવન ઘડતરના પ્રયાસો કરે છે. શાળામાં 40 લાખ લિટરના ભૂગર્ભ ટાંકા બનાવી તેમાં ચોમાસાનું પાણી સંગ્રહ કરી તે જ પાણીનો ઉપયોગ કરે છે. 160 કિલો વોટની સોલાર પેનલ લગાવી સંકુલમાં સૂર્યઉર્જાનો ઉપયોગ કરે છે. અનાથ-ગરીબ બાળકીઓને મફત શિક્ષણ સહિત હોસ્ટેલમાં રહેવાની સગવડ પુરી પાડે છે. આવા અનેક સેવાકીય કાર્યો માટે દાતાઓનો પણ સંપૂર્ણ સહકાર મળતો હોવાનું કપિલ સ્વામીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *