Friday, October 18News That Matters

લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે TEDx ‘Synergy- Together We Can Do Much’ કાર્યક્રમમાં નિષ્ણાંતોએ સાયબર ક્રાઈમ, ડિજિટલ માર્કેટિંગ પર આપ્યું વક્તવ્ય

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સરીગામ ખાતે કાર્યરત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે TEDx ‘Synergy- Together We Can Do Much’ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં દેશના જાણીતા વક્તાઓ દ્વારા સાયબર ક્રાઈમ, ડિજિટલ માર્કેટિંગ, સમાજ ઉપયોગી દરેક નાગરિકની ફરજ સહિતના વિષયો પર ઉપસ્થિત વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગણમાન્ય અતિથિઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત લક્ષ્મી વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલના ધ્વનિ ઓડિટોરિયમ ખાતેના આ એક દિવસીય કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા લક્ષ્મી ડાયમંડના સહ-સ્થાપક અને ઉદ્યોગપતિ તેમજ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સુરતના મેનેજીંગ ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, તેમની સંસ્થા દ્વારા આ ત્રીજો જાગૃતિ કાર્યક્રમ છે. આવનારી પેઢીમાં સાઇબર ક્રાઇમ બાબતે તેમજ ડિજિટલ માર્કેટિંગ અને સમાજ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડી શકાય વિદ્યાર્થીઓ, શિક્ષકો ભવિષ્યની ડિમાન્ડને પહોંચી વળવા સક્ષમ બને, સાયબર ક્રાઈમ બાબતે પોતાની સિક્યુરિટીને મજબૂત કરી શકે તે તેવા ઉદેશ્યથી દેશના ખ્યાતનામ વક્તાઓને બોલાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

TED x ‘Synergy- Together We Can Do Much’ કાર્યક્રમમાં ઇન્દોરના ADGP ડૉ. વરુણ કપૂર, IJORD નાગપુરના CEO આશિષ મનોહર, લેખક અગ્રતા શુકલા, સ્ટાર્ટઅપ મેન્ટર રિષભ સિંઘ, ડિજિટલ એન્ટરપ્રિન્યોર અમરેશ ભારતી, કારકિર્દી માર્ગદર્શક અને હેપ્પીનેસ એમ્બેસેડર દેબોલીના મિશ્રા સહિતના વક્તાઓએ સાયબર ક્રાઈમ, શિક્ષણ, વ્યવસાય, સુરક્ષા, લેખન, સોશ્યિલ મીડિયા, ઉદ્યોગ જેવા વિવિધ ક્ષેત્રના વિષયો પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું.

પ્રથમ વક્તવ્યમાં ઇન્દોર પોલીસ આર્મ્ડ ફોર્સના ADGP ડૉ. વરુણ કપૂરે “Phishing” અંતર્ગત મોબાઈલનો ઉપયોગ અને તેનાથી ઉભા થતા સાયબર ક્રાઇમના દ્રસ્ટાંતના માધ્યમથી જરૂરી તકેદારી તેમજ કાનૂની કાર્યવાહી અંગે વિગતે સ્પષ્ટીકરણ કર્યું. હાર્વર્ડ પ્રતિનિધિ તેમજ સલાહકાર તરીકે ખ્યાતિ મેળવનાર રિષભ સિંઘે “સોલ્યૂશન માસ્ટર ક્રક્સ” પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું. લોકપ્રિય લેખક ડૉ. આશિષ મનોહરે જરૂરિયાત અને લાલસાથી ઉદ્ભવતા સેવાભાવ અને યુધ્ધવૃત્તિ વચ્ચે ઝઝૂમતા માણસની વાત કહી હતી. હેપ્પીનેસ એમ્બેસેડર દેબોલીના મિશ્રાએ સુખ અને પૂર્ણતાની અનુભૂતિ માટે આંતરિક તેમજ બાહ્ય તત્વો વચ્ચેની સંવાદિતા પર વક્તવ્ય આપ્યું હતું. અમરેશ ભારતીએ લેખનની કળા વિકસાવવા માટે જરૂરી મુદ્દાઓની અને તકનીકની ચર્ચા કરી હતી.

વક્તવ્યમાં ઇન્દોર પોલીસ આર્મ્ડ ફોર્સના ADGP ડૉ. વરુણ કપૂરે “Phishing” અંતર્ગત સાયબર ક્રાઈમ બાબતે જણાવ્યું હતું કે, સાયબર ક્રાઈમથી બચવાનો હાલ કોઈ વિકલ્પ નથી. માત્ર તેના ખતરા સામે કેમ સાવધ રહેવું તે જ તેનો ઉપાય છે. જાગૃત વ્યક્તિ જ સાયબર ક્રાઇમ સામે ટકી શકે છે. તેમણે આ અંગે પોતાના પાંચ મંત્રો આપ્યા હતા. જેમાં જણાવ્યું હતું કે સુરક્ષાની માનસિકતા બનાવો. લાલચથી બચો ટેકનોલોજીના શોર્ટકટથી બચો, ફ્રેન્ડ રિક્વેસ્ટ ના લિસ્ટ લાંબા ના કરો જેને જાણો છો તેના જ સંપર્કમાં રહો, કઈ પણ કરતા પહેલા વિચારો, વિચાર્યા વિના કોઈ જ પગલાં ના ભરો. સોશિયલ મીડિયામાં કોઈને પણ લાઈક, શેર કે ફોરવર્ડ કરતા પહેલા તેના પાસા વિચારો દરેક પ્રકારની જાણકારી રાખો. તમે કોઈ વ્યક્તિને નહીં પરંતુ મોબાઈલ સ્ક્રીન પર આવતા મેસેજ જોવો છો તેમાં આવતા વીડિયોને જોવો છો, એટલે તેના પર વધુ ભરોસો ના કરો શંકા વ્યક્ત કરો અને તે પછી જ તેમાં આગળ વધો એટલું કરશો તો સાયબર ક્રાઇમનો શિકાર બનતા અટકી શકશો.

લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે TEDx ‘Synergy- Together We Can Do Much’ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય અને સાંસ્કૃતિક નૃત્ય દ્વારા કરવામાં આવી હતી. આ વાર્તાલાપને માણવા વલસાડ જિલ્લાના તેમજ ગુજરાતના વિભિન્ન વિસ્તારમાંથી અલગ અલગ ક્ષેત્રના 200 થી વધુ મહત્વકાંક્ષી લોકો, અગ્રણીઓ, વ્યવસાયિકો, શિક્ષકો, ઉદ્યોગ સાહસિકો, વિદ્યાર્થીઓ તેમજ જ્ઞાન અભિલાષીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *