Save Water-River Link જેવા કાગળ પરના પ્રોજેકટને કારણે દક્ષિણ ગુજરાતની નદીઓમાંથી ચોમાસામાં વેડફાય છે અબજો લીટર પાણી
વલસાડ :- દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ વલસાડ જિલ્લામાં તેમજ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં ચોમાસાની ઋતુ એટલે મબલખ આકાશી પાણી વરસવાની ઋતુ. જો કે અનેક નાનીમોટી નદીઓ, ઝરણાં અને ડેમ ચોમાસામાં આ વિસ્તારમાં છલકાયા વિના રહેતા નથી. આ બધું જ પાણી તે બાદ જળસંચયના યોગ્ય આયોજનના અભાવે દર વર્ષે અરબસાગર માં ભળી જાય છે. આ વર્ષે પણ આવું અબજો લીટર પાણી દરિયામાં વહી ગયું છે. અને વહી રહ્યું છે.
દક્ષિણ ગુજરાતના નવસારીની પૂર્ણાં નદીથી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની તુમ્બ નદી સુધીમાં અંબિકા, ઔરંગા, પાર, કોલક, દમણગંગા, દારોઠા જેવી ડઝનથી વધુ નદીઓ દક્ષિણ ગુજરાતની બારેમાસ વહેતી નદીઓ છે. આ નદીઓ ચોમાસા દરમ્યાન ગાંડીતુર બને છે. અને તેમાં વહેતુ અબજો લીટર પાણી દર વર્ષે અરબસાગરમાં ભળી જાય છે. એમાં પણ ડાંગ, વલસાડ જિલ્લો અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ વરસાદી પાણી મેળવતા ગુજરાતના મહત્વના પ્રદેશ છે. ...