Friday, October 18News That Matters

સોળસુંબા ગ્રા.પં દ્વારા ગેરકાયદેસર નિર્માણ પામેલી દુકાનો સામે તંત્રની કાર્યવાહી અતિ જરૂરી….!

સોળસુંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં ગેરકાયદેસર નિર્માણ પામેલ દુકાનો સામે કાર્યવાહી કરવામાં તંત્રના અધિકારીઓ વામણા પુરવાર થઈ રહ્યા છે. વેપારીઓ પાસેથી હરાજીમાં દુકાનોની ફાળવણી સામે લીધેલ લાખો રૂપિયાની રકમ પરત વેપારીઓને મળશે ખરીનોએ મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો છે? ત્યારે, બે મહિના અગાઉ અધિકારીની મુલાકાત દરમિયાન રૂપિયા 65 લાખમાં દુકાનોનું વેચાણ થયા હોવાના આક્ષેપો સાથે,જે તે સમયના સભ્ય અને હાલના ઇન્ચાર્જ સરપંચ કરસનભાઈ ભરવાડ એ તપાસની માંગ કરી હતી.પરંતુ બે મહિના બાદ પણ સ્થિતિ જસની તસ છે.

ઉમરગામ તાલુકાના સોળસુંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં નિયમ વિરુધ દુકાનોનું નિર્માણ કરાયું હોવાની ફરિયાદ બાદ જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા નિયમ અનુસાર કાર્યવાહી કરી પદનો દૂર ઉપયોગ બદલ સરપંચ અને ઉપસરપંચને ફરજ ઉપરથી મોકુફ કરાયા બાદ ગ્રામ પંચાયત કચેરીમાં સુપેરે વહીવટ ચાલે તે માટે ઉપસરપંચ ની ચૂંટણી કરી ઇન્ચાર્જ સરપંચ તરીકે કરસનભાઈ ભરવાડને જવાબદારી સોંપાઈ છે.ગ્રામ પંચાયત વિસ્તારમાં નિયમોનું પાલન થાય અને વિકાસમાં અવરોધ ન સર્જાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય આવકાર્ય છે.

પરંતુ, મૂળ જે પ્રશ્ન હતો કે, જેમાં સરકારી જમીન ઉપર મંજૂરી વગર માર્કેટનું નિર્માણ કરાયું હોવા અંગે ફરિયાદ અને ત્યારબાદ તપાસ કરી કાર્યવાહી તો કરાઈ,પરંતુ ગેરકાયદેસર નિર્માણ પામેલ માર્કેટનું દબાણ દૂર કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર વામણું પુરવાર થઈ રહ્યું છે.સાથે જે વેપારીઓએ હરાજીમાં દુકાન પેટે ચૂકવેલ નાણા તેઓને પરત મળશે કે કેમ એ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. સરકારી જમીન ઉપર નિર્માણ પામેલ દુકાનો પૈકી કેટલીક દુકાનોનું વેચાણ કરાયું હોવાનું પણ ખુદ અધિકારીના ધ્યાને આવ્યું છે.તેમ છતાં નિયમ વિરુધ વેચાણ કરેલ દુકાનોમાં જે તે વેપારી ભોગવટો કરી રહ્યા છે.

અગાઉ તાલુકા વિકાસ અધિકારીની સ્થળ મુલાકાત દરમિયાન બે જેટલી દુકાનો વેચાણથી લીધી હોવાનું જે તે ભોગવટો કરનાર વેપારી દ્વારા સ્થળ મુલાકાત અર્થે આવેલા અધિકારીને જણાવાયું હતું. અને જે અંગે વર્તમાન ઇન્ચાર્જ સરપંચ કરસનભાઈ ભરવાડ દ્વારા પણ મીડિયાના માધ્યમથી સવાલો ઉઠાવાયા હતા. તેઓએ જે તે સમયે રૂપિયા 65 લાખમાં દુકાનોનું વેચાણ કરાયું હોવાના કરી અધિકારી સમક્ષ તપાસણી માંગ કરી હતી. નિયમ વિરુદ્ધ ગેરકાયદેસર દુકાનોનું નિર્માણ કરનાર જે તે સમયના સરપંચ અને ઉપસરપંચ જેટલા કસૂરવાર છે એટલા જ કસૂરવાર નિયમ વિરુદ્ધ જઈ દુકાન ખરીદી કરનારાઓ પણ છે.

જો કાયદાનો ભંગ કરનારાઓ સામે તટસ્થ રીતે કાર્યવાહી જ કરવી હોય તો નિયમ વિરુદ્ધ દુકાન ખરીદી કરનારા દુકાનદારો સામે પણ કાર્યવાહી થવી જોઈએ એવી લોકમાંગ ઉઠી રહી છે. વર્તમાન ઇન્ચાર્જ સરપંચ કરસનભાઈ ભરવાડ પણ નિયમ વિરુદ્ધ વેચાણ થયેલ દુકાનો અંગે નિયમ અનુસાર કાર્યવાહી કરવા જવાબદાર અધિકારીનું ધ્યાન દોરે તે જરૂરી બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *