વાપીમાં ખોડિયાર નગરમાં આવેલ મહારાષ્ટ્ર મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એક કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવિ સંમેલનમાં જાણીતી કવિયત્રી સ્વાતિ નિરંજને પોતાની મરાઠી-હિન્દી ભાષાની કવિતાઓ સંભળાવી ઉપસ્થિત શ્રોત્તાઓને મંત્રમુગ્ધ કર્યા હતાં.
આ કવિ સંમેલન કાર્યક્રમ દરમ્યાન કવિયત્રી સ્વાતિ નિરંજને જણાવ્યું હતું કે, તે એક થિયેટર ક્લાકર, લેખક, કવિયત્રી છે. તેમણે હિન્દીમાં અને મરાઠીમાં અનેક કવિતાઓ લખી છે. આગામી દિવસોમાં તે ગુજરાતી કવિતાઓ લખી રહી છે.
તેમણે અત્યાર સુધીમાં બેંગ્લોર અને મહારાષ્ટ્રમાં કવિતા સંમેલનમાં તેમજ નાટકોમાં ભાગ લીધો છે. મૂળ મહારાષ્ટ્રના વિદર્ભમાં અકોલા ખાતે જન્મેલી સ્વાતિ ના દિલ્હીમાં લગ્ન થયા હતાં. જે બાદ પતિના વ્યવસાયને લઈને ગુરગાંવ, નાસિક, બેંગ્લોરમાં અને હવે વાપીમાં સ્થાઇ થયા છે. બેંગ્લોરનું કલચર અને વાપીનું કલચર ઘણું અલગ છે. કોરોના સમયે તેનો મોટાભાગનો સમય ઘરમાં વીત્યો હતો. જે દરમ્યાન અનેક કવિતાઓ, લઘુકથાઓ લખી આ કપરો સમય પસાર કરવા સાથે તે સમયનો સદ્દઉપયોગ કર્યો છે.
સ્વાતિ નિરંજન ના પિતા પણ એક કવિ હતાં. જેમના નિધન બાદ તેનો વારસો તેમને મળ્યો છે. તેનું માનવું છે કે પિતાના આશીર્વાદથી જ તે સારી કવિતાઓ લખી શકે છે. અને 40 વર્ષની ઉંમર બાદ એક ગૃહિણી તરીકે આ શરૂઆત કરી છે. જેમાં તેની સામાજિક જીવન પરની અને રાધા કૃષ્ણ ના પ્રેમ પરની કવિતાઓને લોકોએ ખૂબ જ વખાણી છે.
કોરોના સમયે કોરોના કાળમાં લોકોએ વેઠેલી મુશ્કેલી, કોરોનામાં સેનેટાઇઝર, માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ જેવા નિયમો પર તેમણે હળવા કટાક્ષ અને વેદનાસભર કવિતાઓ લખી છે. જેને દશેરા પર્વ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રોત્તાઓને સંભળાવી મંત્રમુગ્ધ કર્યા હતાં.