Friday, October 18News That Matters

સ્વચ્છતા હી સેવાઃ વલસાડ જિલ્લાની 384 ગ્રામ પંચાયતોમાં 51725 લોકો મહા શ્રમદાન અભિયાનમાં જોડાયા

વલસાડ જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા’’ અભિયાન અંતર્ગત આજે તા. 1 ઓક્ટોબરના રોજ સવારે એક કલાક માટે જિલ્લાના 384 ગ્રામ પંચાયતોમાં મહાશ્રમદાન કાર્યક્રમમાં યોજાયો. જે અંતર્ગત કુલ 223 પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી. જેમાં 51725 લોકો ઉત્સાહભેર જોડાતા વલસાડ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન જન આંદોલન બની ગયું હોય એવુ પ્રતિત થયું હતું. એક દિવસ દરમિયાન ઉપરોક્ત ગ્રામ પંચાયતોમાંથી 783 કિલો કચરાનો નિકાલ કરાયો હતો.

વલસાડ તાલુકાના નનકવાડા ગામમાં ધારાસભ્ય ભરતભાઈ પટેલ સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને લોકોને પણ પોતાના આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરી હતી. વલસાડ તાલુકાની કુલ ૯૫ ગ્રામ પંચાયતોમાં એક કલાકના મહા શ્રમદાનની પ્રવૃત્તિમાં રંગોળી, શાળા, આંગણવાડી અને સરકારી દવાખાના તેમજ જાહેર સ્થળો ઉપર સફાઈ અભિયાનની સાથે સ્વચ્છતાના શપશ અને હેન્ડ વોશ સહિતની કુલ 39 પ્રવૃતિઓ કરવામાં આવી હતી. જેમાં 8857 લોકો મહા શ્રમદાનમાં જોડાયા હતા.

પારડી તાલુકાના પરિયા ગામમાં સાંસદ ડો. કે.સી.પટેલે આયોજન સહ વિ.અધિકારી સંદિપ જે. ગાયકવાડ, કારોબારી અધ્યક્ષ રાકેશ આર પટેલ અને સરપંચ આશાબેન જે પટેલની સાથે ગામના વિવિધ સ્થળો પર સફાઈ અભિયાન આદર્યુ હતું. પારડી તાલુકાની 53 ગ્રામ પંચાયતોમાં થયેલી વિવિધ પ્રકારની ૩૭ પ્રવૃત્તિમાં 7863 લોકો સામેલ થયા હતા.

ઉમરગામ તાલુકાના બિલીયા ગામમાં ધારાસભ્ય રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં યોજાયેલા મહા શ્રમદાનની પ્રવૃતિમાં ધારાસભ્યશ્રીએ સફાઈ હાથ ધરી ઉપસ્થિત લોકોને પણ સ્વચ્છતા જાળવવા માટે પ્રેરણા આપી હતી. સફાઈ અભિયાનમાં તેમની સાથે ગામના સરપંચ ભરતભાઈ બી.વારલી, માજી પ્રમુખ પ્રતિમાબેન અને તલાટી અનિતાબેન પટેલ જોડાયા હતા. ઉમરગામ તાલુકાની ૫૨ ગ્રામ પંચાયતોમાં વિવિધ પ્રકારની કુલ 34 પ્રવૃત્તિઓ થઈ હતી. જેમાં 8125 લોકો સામેલ થયા હતા.

ધરમપુર તાલુકામાં નાની વહીયાળ ગામમાં તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર હાથીવાલા, સંઘના પ્રમુખ વિનોદ પાઢેર અને ગામના સરપંચ જગદિશ આર ગાંવિતે સફાઈ અભિયાન હાથ ધર્યુ હતું. તાલુકાની ૬૩ ગ્રામ પંચાયતોમાં વિવિધ પ્રકારની કુલ 34 પ્રવૃત્તિ થઈ હતી. એક કલાકના આ મહા શ્રમદાન પ્રવૃતિમાં 9456 લોકો ઉત્સાહભેર જોડાયા હતા.

કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામમાં તાલુકા સંગઠન પ્રમુખ રમેશભાઈ ગાંવિતની ઉપસ્થિતિમાં મહા શ્રમદાન પ્રવૃત્તિ હાથ ધરાઈ હતી. જેમાં તેમની સાથે નાનાપોંઢા ગામના સરપંચ મુકેશ જે. પટેલ અને કપરાડા ગ્રામ પંચાયતના સરપંચ શાંતિબેન મુહુડકર સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કપરાડા તાલુકાની 98 ગ્રામ પંચાયતોમાં 51 વિવિધ પ્રવૃત્તિ થઈ હતી, જેમાં 9856 લોકો જોડાયા હતા. આ સિવાય જિલ્લાના તમામ ગામોમાં સ્વચ્છતા હી સેવા અભિયાન જોરશોરથી ઉજવાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *