Friday, January 31News That Matters

સુરત રેન્જના IGP પ્રેમવીર સિંઘે વાપીમાં પાલિકા અને VIA ના હોદ્દેદારો સાથે ટ્રાફિક, કાયદો વ્યવસ્થા અંગે કરી ચર્ચા, કાયદો વ્યવસ્થા જાળવવા લાગશે 150 CCTV, વલસાડની જિલ્લા જેલ માટે જમીનની શોધ…!

સુરત રેન્જના IGP પ્રેમવીર સિંઘ વાર્ષિક ઇન્સ્પેકશન લઈને વાપીની મુલાકાતે આવ્યા હતાં. આ મુલાકાત દરમિયાન તેઓએ વાપીના સર્કિટ હાઉસ ખાતે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને વાપી નગરપાલિકાના હોદ્દેદારો, ઉદ્યોગકારો સાથે એક વિશેષ મુલાકાત કરી હતી. 

આ મુલાકાતમાં વાપી ટાઉન વિસ્તારમાં અને GIDC વિસ્તારમાં CCTV નેટવર્ક ઊભું કરવા, ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા, જિલ્લા જેલની સુવિધા ઉભી કરવા અને સાયબર ફ્રોડ જાગૃતિ અંગેની રજૂઆત ઉપસ્થિત હોદ્દેદારો દ્વારા કરવામાં આવી હતી. આ તમામ રજૂઆતને ધ્યાને લઈ સુરત રેન્જ વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંઘે જણાવ્યું હતું કે આવનારા દિવસમાં વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ પારડી, વાપી અને ડુંગરા વિસ્તારમાં 150 જેટલા સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઊભું કરવામાં આવનાર છે. જેના થકી ગુનાખોરી પર અંકુશ લેવામાં સફળતા મળશે.

એ જ રીતે ટ્રાફિકની સમસ્યા અંગે સ્થાનિક આગેવાનો સાથે સંકલન સાથી તેનું નિરાકરણ લાવવામાં આવશે. જિલ્લા જેલ અંગેની રજૂઆત સંદર્ભે IGP એ જણાવ્યું હતું કે જમીનની ઉપલબ્ધતા ના હોવાને કારણે વલસાડ જિલ્લાને પોતાની જિલ્લા જેલ મળી શકી નથી. આવનારા દિવસોમાં જમીનની વ્યવસ્થા થઈ શકે તો આ જિલ્લાને પણ પોતાની જિલ્લા જેલ મળી શકે છે. જે માટે હાલ પ્રયાસો ચાલી રહ્યા છે.

આ બેઠકમાં VIAના માજી પ્રમુખ યોગેશ કાબરીયાએ વાપીમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઈને રજૂઆત કરી હતી કે વાપી GIDC, વાપી ટાઉન વિસ્તાર છે. આ વિસ્તારમાંથી જ એક્સપ્રેસ હાઇવે નીકળવાનો છે. તો બુલેટ ટ્રેન સ્ટેશન પણ તૈયાર થઈ રહ્યું છે. જે જોતા આવનારા દિવસોમાં ટ્રાફિકની સમસ્યા વકરી શકે છે. જે માટે પોલીસમાં ટ્રાફિક મહેકમ વધારવા જરૂરી છે. જેના જવાબમાં પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંઘે જણાવ્યું હતું કે ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં એક અલાયદું ટ્રાફિક પોલીસ સ્ટેશન જ વાપીને મળે તેવા પ્રયાસ હાથ ધરાયા છે. ટૂંક સમયમાં તે અંગે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, મીડિયા સાથેની વાતચીત માં IGP એ જણાવ્યું હતું કે, જિલ્લામાં હાલ પોલીસ સ્ટાફની ઘટ વર્તાઈ રહી છે. ગુજરાત સરકાર નવી ભરતી કરશે તો જિલ્લાને વધુ સ્ટાફ મળશે. હાલ એ અંગેની પ્રક્રિયા ચાલી રહી છે. શાળામાં સગીર બાળકો વાહનો લઈને આવે છે. તે અંગે વાલીઓએ જાગૃત બનવું જરૂરી છે. આવા કિસ્સામાં પોલીસે વિશેષ ઝુંબેશ હાથ કાર્યવાહી કરી છે. આવનારી 31st ડિસેમ્બર ને ધ્યાને રાખી સંઘપ્રદેશમાંથી દારૂ પી ને ગુજરાતમાં પ્રવેશનારા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

આ બેઠકમાં પોલીસ મહા નિરીક્ષક સુરત રેન્જના પ્રેમવીર સિંહ ઉપરાંત તેમની સાથે વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલા, IPS અંકિતા મિશ્રા, વાપી ડિવિઝન વિભાગના DySP બી. એન. દવે, DySP કુલદીપ નાઈ તેમજ વાપી ડિવિઝનના વાપી, ડુંગરા, GIDC પોલીસ સ્ટેશન, LCB, SOG થાણાના પોલીસ ઇન્સ્પેક્ટર ઉપસ્થિત રહ્યા હતાં. જ્યારે GIDC તરફથી VIAના પ્રમુખ સતિષ પટેલ, વાપી નગરપાલિકાના પ્રમુખ પંકજ પટેલ, VIA એડવાઈઝરી કમિટીના મિલન દેસાઈ, VIA ના માજી પ્રમુખ યોગેશ કાબરીયા, ઉદ્યોગપતિ રાજુલ શાહ, હેમંત પટેલ, વાપી નગરપાલિકાના ઉપ-પ્રમુખ દેવલબેન દેસાઈ અને સભ્ય મિતેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *